અધ્યાય-૫-પાંડવોએ શમીવૃક્ષ પર શસ્ત્રો મૂક્યાં
II वैशंपायन उवाच II ते वीरा बद्धनिस्त्रिंशास्त्थाबद्धकलापिनः I बद्धगोधांगुलित्राणाः कालिन्दीममितो ययुः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી વીર પાંડવોએ તલવારો સજી,બાણનાં ભાથાં બાંધ્યા,ઘોના ચામડાનાં મોજાં પહેર્યા અને યમુના નદી તરફ ચાલવા માંડ્યું.ત્યાં એ ધનુર્ધારીઓ પર્વતો ને વનના પ્રદેશોમાં મુકામ કરતા,વનને વીંધીને તેઓ છેવટે મત્સ્ય દેશમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાને પારધી તરીકે ઓળખાવતા હતા.તેમના દાઢી,મૂછ વધી ગયા હતા.
દ્રૌપદીને થાક લાગ્યો ત્યારે ધનંજયે તેને ઉપાડી લીધી ને જયારે નગર આવ્યું ત્યારે તેને નીચે ઉતારી.
પછી,યુધિષ્ઠિરે અર્જુનને પૂછ્યું કે-'આપણે આપણાં આ આયુધો ક્યાં મૂકીને નગરમાં પ્રવેશ કરીશું?કેમ કે આપણે જો આયુધો નગરમાં લઇ જઈશું તો નગરજનોને નિઃસંશય ઉદ્વેગ જ કરાવીશું.તારું આ ગાંડીવ સર્વ કોઈને જાણીતું છે,એટલે લોકો આપણને તરત જ ઓળખી લેશે.ને આપણો અજ્ઞાતવાસ નિષ્ફળ જશે'
અર્જુન બોલ્યો-આ સ્મશાનની પાસે,ઊંચા ટેકરા પર એક મહાન ને ગહન શમી વૃક્ષ છે,કે જેને ભયંકર શાખાઓ છે ને તેના પાર ચડવું અતિકઠિન છે.અત્યારે અહીં કોઈ મનુષ્ય નથી એટલે તેના પર આપણાં આયુધો મૂકતાં કોઈ આપણને જોઈ શકશે નહિ.વળી,આ વૃક્ષ વાઘો અને સર્પોથી સેવાયેલું ને સ્મશાન નજીક હોવાથી તેના પર મૂકેલાં આપણાં શસ્ત્રો કોઈના જોવામાં આવશે નહિ અને જળવાઈ રહેશે.એથી ત્યાં જ આપણાં શસ્ત્રો મૂકીએ'
ત્યાર બાદ સર્વે પાંડવોએ પોતપોતાના ધનુષ્યોની પણછ ઉતારીને અને બીજાં સર્વ આયુધો એકઠાં કર્યા.
યુધિષ્ઠિરે નકુલને આજ્ઞા કરી કે-તું આ શમી વૃક્ષ પર ચઢ અને ધનુષ્યોને ને શસ્ત્રોને તેના પર મૂક'
એટલે નકુલે વૃક્ષ પર ચડીને તે ઝાડની બખોલોમાં ધનુષ્યોને મૂકી તેમને મજબૂત પાસોથી કસીને બાંધી દીધા.
બીજા શસ્ત્રોને પણ ત્યાં સંતાડીને,તેના પર એક મડદું બાંધ્યું કે જેથી તેની ભયંકર ગંધથી મનુષ્યો
'અહીં તો શબ બાંધ્યું છે'એમ માનીને તે શમી વૃક્ષનો દૂરથી જ ત્યાગ કરે.
પછી,તે પાંડવો,નગર તરફ ચાલતાં,માર્ગે આવતા ગોવાળો ને ભરવાડોને કહેવા લાગ્યા કે-
અમે અમારી એકસો એંશી વર્ષની માતાનું મડદું બાંધ્યું છે કેમ કે અમારા પૂર્વજોએ આચરેલો અમારો કુળધર્મ છે'
આમ કહેતા કહેતા તેઓ વિરાટનગરની નજીક પહોંચ્યા ને વનવાસના તેરમા વર્ષે તેઓએ
તે વિરાટનગરમાં ગુપ્તવેશે રહેવા માટે પ્રવેશ કર્યો (36)
અધ્યાય-૫-સમાપ્ત