અધ્યાય-૪-ધૌમ્ય મુનિનો ઉપદેશ
II युधिष्ठिर उवाच II कर्मान्युक्तानि युष्माभिर्यानि यानि करिष्यथ I मम चापि यथा बुद्धिरचित विधिनिश्चयात II १ II
યુધિષ્ઠિર બોલ્યા-તમે જે જે કાર્યો ત્યાં કરશો તે તે તમે મને કહ્યાં,ને મેં પણ વિધિના નિશ્ચયથી મને બુદ્ધિથી જે ઉચિત લાગ્યું છે તે તમને કહ્યું છે.હવે આપણા ધૌમ્ય પુરોહિત,સર્વ બ્રાહ્મણો સહિત દ્રુપદરાજને ત્યાં જાય અને ત્યાં આપણા અગ્નિહોત્રો તથા તેના પાત્રોનું રક્ષણ કરે.આ ઇંદ્રસેન આદિ સારથિઓ ખાલી રથોને લઈને દ્વારકા જાય એવું મારુ માનવું છે.દ્રૌપદીની પરિચારિકાઓ,રસોઈયાઓ આદિ પાંચાલ દેશમાં જાઓ અને તે સૌએ એમ જ કહેવું કે-'પાંડવો વિશે અમને કંઈ જ ખબર નથી,તે સર્વે અમને દ્વૈતવનમાં છોડીને ચાલી ગયા છે'
પાંડવોએ આમ પરસ્પર મંત્રણા કરીને પછી ધૌમ્ય મુનિને તેમનો અભિપ્રાય પૂછ્યો ત્યારે ધૌમ્ય બોલ્યા-
તમારે દ્રૌપદીની સારી રીતે રક્ષા કરવાની છે.તમે સર્વ લોકવ્યવહારને સારી રીતે જાણો છો,છતાં પણ મારે તમને આ પ્રીતિપૂર્વક કહેવો ઘટે છે કેમ કે એજ સનાતન ધર્મ છે.તમારે રાજકુળમાં કેવી રીતે રહેવું,તે સંબંધમાં હું તમને કહું છું,
કે જે મુજબ રહેવાથી તમે સર્વ કષ્ટોને તરી જશો.રાજસદનમાં રહીને કામ કરવું તે તમારા જેવા માટે દુઃખકારક છે.
છતાં,માન કે અપમાન મળે તો પણ તમારે આ તેરમું વર્ષ ગુપ્ત રીતે કાઢવું
કે જેથી ચૌદમા વર્ષે તમે સુખેથી વિચરી શકશો.(12)
દ્વારપાળ દ્વારા આજ્ઞા મેળવીને જ રાજાને મળવું,રાજાનો કદી વિશ્વાસ રાખવો નહિ.જે આસન પર બીજો કોઈ બેસનાર ન હોય તે આસન પર જ બેસવાની ઈચ્છા રાખવી.'હું રાજાનો માનીતો છું' એમ વિચારીને જે અન્યના આસનો,વાહનો-આદિમાં બેસતો નથી તે જ રાજગૃહમાં વસી શકે છે.રાજાના પૂછ્યા વિના તેને સલાહ આપવી નહિ,ચુપચાપ રહીને તેની સેવા કરવી,ને પરાક્રમના પ્રસંગે તેની સ્તુતિ કરવી,પણ મિથ્યા સ્તુતિ કરવી નહિ,
કેમ કે રાજાઓ જુઠાબોલા માણસોનો દ્વેષ કરે છે.ક્યારેય રાજાની રાણી સાથે મિત્રતા કરવી નહિ,વળી
જેઓ અંતઃપુરમાં જતા આવતા હોય,જેમનો રાજા દ્વેષ કરતો હોય અને જેઓ રાજા સાથે શત્રુતા રાખતા હોય તેમની સાથે પણ મિત્રતા કરવી નહિ,નાનાં કામ પણ રાજાને જણાવીને જ કરવાં .(19)
ઉત્તમ પદવીએ પહોંચવા છતાં,સદા મર્યાદાનો વિચાર રાખવો.પોતે જન્માંધ છે એમ માનવું.કેમ કે રાજાઓ,
મર્યાદા ઓળંગનાર પોતાના પુત્ર કે ભાઈને પણ સત્કાર આપતા નથી.આ જગતમાં જેમ અગ્નિની ને દેવની સેવા કરવામાં આવે છે તેમ રાજાની સેવા કરવી.અર્થાંત અતિશય સમીપમાં રહેવાથી અગ્નિની જેમ રાજા પણ બાળી નાખે છે.ને તેનો અનાદર કરવાથી દેવની જેમ સર્વસ્વ હરી લે છે.રાજા જે જે આજ્ઞા કરે તેનું અવશ્ય પાલન કરવું.
તેમાં પ્રમાદ,ગર્વ ને કોપનો ત્યાગ કરવો.સર્વ વિષયોમાં રાજાને અનુકૂળ રહેવું'
આ રીતે ધૌમ્યે બીજા અનેક શિષ્ટાચાર ને લોકવ્યવહારની રીતો વિષે પાંડવોને કહ્યું.
ત્યારે યુધિષ્ઠિર બોલ્યા-'આપે અમને જે ઉપદેશ આપ્યો તેવો ઉપદેશ અમને માતા કુંતી કે વિદુરજી સિવાય
અન્ય કોઈ કહે તેમ નથી.હવે અમારા પ્રસ્થાન માટે જે ઉચિત કાર્ય કરવાનું હોય તે કરવાને આપ યોગ્ય છો'
આમ યુધિષ્ઠિરના કહેવાથી ધૌમ્યે પ્રયાણવિધિ માટેનાં સર્વ કાર્યો વિધિપૂર્વક કર્યા.
પછી,પાંચે પાંડવોએ અગ્નિની તથા તપોધન બ્રાહ્મણોની પ્રદિક્ષણા કરીને તેમ જ દ્રૌપદીને આગળ રાખીને
ગુપ્તવેશને માટે પ્રયાણ કર્યું.ત્યાર બાદ ધૌમ્ય,અગ્નિહોત્ર બ્રાહ્મણોને લઈને પાંચાલ જવા નીકળ્યા.
ઇંદ્રસેન આદિ સેવકો પણ યુધિષ્ઠિરની આજ્ઞા અનુસાર રથો લઈને દ્વારકા ગયા.(58)
અધ્યાય-૪-સમાપ્ત