Jul 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-576

 

અધ્યાય-૩-અજ્ઞાતવાસ સંબંધી વધુ મંત્રણા 


II वैशंपायन उवाच II 

इत्येवमुक्त्वा पुरुषप्रविरस्तथार्जुनो धर्मम्रुतां वरिष्ठः I वाक्यं तथासौ विरराम भूयो नृपोपरं भ्रातरभाव भापे II १ II

વૈશંપાયન બોલ્યા-ધર્મધારીઓમાં શ્રેષ્ઠ અને પુરુષોમાં પ્રવીર એવા અર્જુને આ પ્રમાણે કહીને વિરામ લીધો 

પછી યુધિષ્ઠિરે નકુલને પૂછવા માંડ્યું કે-'હે નકુલ,તું વિરાટરાજમાં શું કામ કરીશ તે મને કહે'

નકુલ બોલ્યો-'હું વિરાટરાજનો 'ગ્રંથિક' નામે અશ્વપાલ થઈશ,કેમ કે હું અશ્વવિદ્યાનું જ્ઞાન ધરાવું છું.ને મને 

એ કામ અત્યંત પ્રિય છે.વિરાટનગરમાં મને જો કોઈ પૂછશે તો હું કહીશ કે-પૂર્વે યુધિષ્ઠિરે મને હયશાળાનો 

અધ્યક્ષ કર્યો હતો.આ પ્રમાણે હું વિરાટનગરમાં ગુપ્ત રીતે વિચરીશ' (6)

પછી,યુધિષ્ઠિરે સહદેવને પૂછ્યું કે-હે સહદેવ તું વિરાટનગરમાં શું કામ કરીશ તે મને કહે'

સહદેવ બોલ્યો-'હું મહીપાલ વિરાટની ગાયોનો 'તંતિપાલ' નામે પરીક્ષક થઈશ.કેમ કે ગાયોને વારવામાં 

ને પારખવામાં હું કુશળ છું.એટલે આ બાબતમાં તમારો સંતાપ દૂર થાઓ.આમ,હું ગુપ્ત રીતે વિચરીશ'

છેલ્લે,યુધિષ્ઠિરે દ્રૌપદીને પૂછ્યું-'હે દ્રુપદનંદિની,તું તો રાજપુત્રી ને પતિવ્રતા છે,તારાથી કયું કાર્ય કરી શકાશે?'


દ્રૌપદી બોલી-'આ લોકમાં કળાકૌશલ્યથી નિર્વાહ કરતી 'સૈરન્ધ્રી' નામની સ્વતંત્ર દાસીઓ હોય છે 

હું મારી જાતને 'અંબોડો ગુંથવાના કામમાં એક કુશળ સૈરન્ધ્રી છું' એમ કહીને વિરાટરાજના ઘરમાં રાજરાણી

સુદેષ્ણાની સેવામાં રહીશ.એટલે તે રાણી સેવામાં રહેલી એવી મને રક્ષશે.આથી તમે દુઃખ કરશો નહિ.

મને જો પૂછવામાં આવશે તો હું કહીશ કે-હું યુધિષ્ઠિરને ત્યાં દ્રૌપદીની દાસી તરીકે રહેલી હતી'

આમ હું મારી જાતને ગુપ્ત રાખીને વિચરીશ.(21)

યુધિષ્ઠિર બોલ્યા-હે કૃષ્ણા,તું કલ્યાણમય બોલે છે.તું ઉત્તમ કુળમાં જન્મી છે,સાધ્વી છે,સાધુવ્રતમાં સ્થિર 

છે ને પાપને જાણતી નથી.તું એવી રીતે ફરજે કે તને કોઈ ઓળખી શકે નહિ' (23)

અધ્યાય-૩-સમાપ્ત