અધ્યાય-૨-અજ્ઞાતવાસ વિશે વિચારણા (ચાલુ)
II भीमदेव उवाच II पौरोगवो ब्रुहाणोहं बल्लवो नाम भारत I उपस्थास्यामि राजानं विराटमिति मे मतिः II १ II
ભીમસેન બોલ્યો-હે ભારત,હું મારી જાતને 'બલ્લવ' નામના પૌરોગવ (રસોડાનો ઉપરી) તરીકે ઓળખાવી
વિરાટરાજની સેવા કરીશ,એવો મારો વિચાર છે.હું રસોડાના કામમાં કુશળ છું એટલે રાજા માટે,પહેલાંના
રસોઇયાઓએ જે રસોઈ બનાવી હશે તેના કરતા પણ સરસ વાનગીઓ બનાવીને રાજાને પ્રસન્ન કરીશ.
વળી,હું લાકડાઓના મોટા ભારાઓ લઇ આવીશ,મારું આ કાર્ય જોઈને રાજા મને રસોઈ કામમાં મુકશે.
વળી,હે રાજન,બળવાન હાથીઓ અથવા મહાબળવાન આખલાઓને વશ કરવાના હશે તો હું તેમને વશ કરીશ.
તેમ જ કોઈ મલ્લો,મારી સામે ગોઠવવામાં આવશે તો હું તેમને વશ કરીશ ને તેમને મરણ શરણ કાર્ય વિના પાડીશ.
મને જો પૂછવામાં આવશે તો હું કહીશ કે-હું પૂર્વે આરાલિક (હાથીઓને કેળવનારો)
ગોવિકર્તા (આખલાને વશ કરનારો) સૂપકર્તા (દાળ શાક રાંધનારો) અને નિયોધક (મલ્લ કુસ્તી કરનારો)
હતો.આમ હું મારી જાતનું રખોપુ કરીને વિચરીશ તે મેં આ તમને કહ્યું.(10)
યુધિષ્ઠિર બોલ્યા-જેના ડાબા ને જમણા હાથની ચામડી,ધનુષ્ય ખેંચવાથી કઠિન થઇ ગઈ છે,
ને આંટણ પડ્યાં છે તેવા હે અર્જુન,તું વિરાટરાજનું કયું કાર્ય કરશે?
અર્જુન બોલ્યો-હે મહીપતિ,હું વિરાટરાજને કહીશ કે હું ષંઢક છું.મારા હાથના આંટણોને હું ચુડીઓથી ઢાંકી દઈશ,
ને બંને કાનમાં અગ્નિના જેવાં કુંડળો પહેરીશ.માથે ચોટલો ગૂંથીને હું હીજડાના રૂપે રહીશ ને મારુ નામ
'બૃહન્નલ્લા'રાખીશ,ત્યાં હું સ્ત્રીભાવથી વારંવાર કથા-આખ્યાયિકો કહીને રાણીવાસને આનંદ પમાડીશ.+
ત્યાં હું સ્ત્રીઓને જાતજાતનાં ગીતો,નૃત્યો ને વાજિંત્રો શીખવીશ.આમ હું મારી જાતને માયાવેશથી ઢાંકીને
સ્વસ્વરૂપને ગોપવી રાખીશ.કદી વિરાટરાજ મને પૂછશે તો હું તેને કહીશ કે-હું યુધિષ્ઠિરને ઘેર દ્રૌપદીની પરિચારિકા
તરીકે રહી હતી,આ રીતે રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ,સ્વરૂપને છુપાવી ત્યાં વિહાર કરીશ(32)
અધ્યાય-૨-સમાપ્ત