Jul 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-574

 

(૪) વિરાટ પર્વ

પાંડવ પ્રવેશ પર્વ 

અધ્યાય-૧-અજ્ઞાતવાસ માટે યુધિષ્ઠિરની મંત્રણા 

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.


II जनमेजय उवाच II कथं विराटनगरे मम पुर्वपितामहा: I अज्ञातवाससमुपिता दुर्योधनभयार्दिता : II १ II 

જનમેજય બોલ્યા-'દુર્યોધનના ભયથી પીડાયેલા એવા મારા પૂર્વપિતામહ પાંડવો કેવી રીતે વિરાટનગરમાં 

ગુપ્તવેશે રહ્યા? વળી,બ્રહ્મવાદિની,પતિવ્રતા ને મહાભાગ્યવતી દ્રૌપદી કેવી રીતે ગુપ્ત રહ્યાં?

વૈશંપાયન બોલ્યા-આગળ જણાવ્યા પ્રમાણે ધર્મરાજ,ધર્મદેવ પાસેથી વરદાનો પામીને આશ્રમમાં ગયા ને ત્યાં બ્રાહ્મણોને સર્વ વૃતાન્ત કહ્યું અને પેલા બ્રાહ્મણને તેની અરણીપાત્રની જોડી પછી આપી.પછી,સર્વ ભાઈઓને એકઠા કરીને તેમણે કહ્યું કે-'આપણાં આ બાર વર્ષ મહાદુઃખે વીત્યાં છે,હવે આ તેરમું વર્ષ કાઢવું અત્યંત કઠિન છે,

તો હે અર્જુન તું એવું સ્થાન પસંદ કર કે આપણે બીજાઓથી ઓળખાઈએ નહિ ને ત્યાં વર્ષ રહી શકીએ'


અર્જુન બોલ્યો-'ધર્મદેવના વરદાનથી આપણે બીજાઓથી ઓળખાઈએ નહિ તે રીતે વિચરીશું.એમાં સંશય નથી.

કુરદેશની આસપાસ પંચાલ,છેડી,મત્સ્ય,શૂરસેન,આદિ અનેક દેશો છે તેમથી તમે કહો ત્યાં આપણે વર્ષ રહીએ'

યુધિષ્ઠિર બોલ્યા-'મત્સ્યદેશનો વિરાટરાજ બળવાન,ધર્મશીલ,ઉદાર ને પ્રજાપ્રિય છે,તેમજ પાંડવો પર પ્રીતિવાળો છે,તો હે અર્જુન,આપણે આ વર્ષ વિરાટનગરમાં રહીશું.ને તે રાજાના કાર્યો કરતાં ત્યાં વિહાર કરીશું.

તેની પાસે જઈને આપણે તેનાં કયાં કાર્ય કરીશું?તે વિષે તમે પ્રત્યેક મને કહો.


પહેલાં હું શું કામ કરીશ તે તમે સાંભળો.હું દ્યુતવિદ્યાને જાણનારો અને પાસાબાજીમાં પ્રીતિ રાખનારો 'કંક'નામનો બ્રાહ્મણ થઈને તે મહાત્માનો સભાસદ થઈશ.વિરાટરાજને હું પાસા રમાડીને સંતોષ પમાડીશ એટલે તેઓ મને ઓળખી શકશે નહિ.કદાચ એ રાજા મને પૂછશે કે 'તમે કોણ છો?' તો હું તેને કહીશ કે પૂર્વે હું યુધિષ્ઠિરનો સખા હતો.

હવે હે ભીમ,તમે કહો કે તમે વિરાટનગરમાં કયું કામ કરીને વિહાર કરશો? (28)

અધ્યાય-૧-સમાપ્ત