Jul 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-573

 

અધ્યાય-૩૧૪-ભાઈઓનું સજીવન થવું ને ધર્મના વરદાન 


II वैशंपायन उवाच II ततस्ते यक्षवचनादुद्तिष्ठंत पांडवा : I क्षुत्पिपासे च सर्वेषां क्षणेन व्यपगच्छताम् II १ II

વૈશંપાયન બોલ્યા-આમ યક્ષના વચનથી તે પાંડવો સજીવન થઈને બેઠા થયા 

અને તેમની ભૂખ તરસ તો એક ક્ષણમાં જ ચાલી ગઈ.

યુધિષ્ઠિર બોલ્યા-આ સરોવરમાં એક પગે ઉભેલા તમે કયા દેવ છો?મારા મતથી તો તમે યક્ષ નથી.

તમે શું ઇન્દ્ર છો?કેમ કે જેમને તમે ઢાળી દીધા,એ મારા આ ભાઈઓ લાખ લાખ યોદ્ધાઓ સાથે બાથ ભીડે 

તેવા છે,ને હવે તો આ ભાઈઓ તો જાણે સુખભરી નિંદ્રામાંથી જાગ્યા હોય તેવા તેમને હું સ્વસ્થ જોઉં છું,

તો તમે શું અમારા મિત્ર છો કે તમે અમારા પિતા છો? (5)

યક્ષ બોલ્યો-હું તારો પિતા ધર્મ છું ને તને મળવાની ઇચ્છાએ આવ્યો છું,એમ તું જાણ.તું મને સદૈવ પ્રિય છે.

તું આત્મદર્શનમાં સાધનભૂત એવી પાંચ વસ્તુઓ (શમ,દમ,ઉપરતિ,તિતિક્ષા અને સમાધિ)માં પ્રીતિવાળો છે.

આનંદની વાત છે કે-તે ષટપદી (ભૂખ-તરસ,શોક-મોહ,જરા-મૃત્યુ)ને (કે ઉર્મિઓને) જીતી છે.

આમાંથી પહેલાં બે (ભૂખ-તરસ) મનુષ્યને જન્મની સાથે જ વળગે છે,વચલાં બે (શોક-મોહ) મધ્યવયમાં પેસે છે,

ને છેલ્લાં બે પદો (જરા-મૃત્યુ)તેને છેલ્લી ઉંમરમાં પ્રવેશે છે.હે નિષ્પાપ,તારું મંગલ થાઓ,હું તારી કસોટી કરવાની ઈચ્છાથી અહીં આવ્યો છું,ને તારી સર્વસમાનતાથી હું પ્રસન્ન થયો છું,માટે તું વરદાન માગ.(11)


યુધિષ્ઠિર બોલ્યા-જે મૃગ,જે બ્રાહ્મણના અરણીપાત્ર સાથે મંથનને લઈને ગયો છે તેના અગ્નિનો લોપ ન થાઓ.

ધર્મ બોલ્યા-મૃગ વેશથી મેં જ તારી પરીક્ષા કરવા માટે તે બ્રાહ્મણ અરણીપાત્ર હર્યા હતા,તે હું તને આપું છું 

તારું કલ્યાણ હો,હવે તું બીજું વરદાન માગ.

યુધિષ્ઠિર બોલ્યા-અરણ્યમાં વસતાં અમને બાર વર્ષ થઇ ગયાં છે,હવે ગુપ્ત વાસનું તેરમું વર્ષ આવી રહ્યું છે,

તો અજ્ઞાતવાસમાં રહેલા અમને કોઈ ઓળખી શકે નહિ તેવું વરદાન આપો (15)


ત્યારે 'તથાસ્તુ' કહી ધર્મે તે વરદાન આપી આશ્વાસન આપતાં યુધિષ્ઠિરને કહ્યું કે-હે ભારત,તું તારા પોતાના રૂપમાં વિચરશે તો પણ તને કોઈ આ ત્રણે લોકમાં ઓળખાશે નહિ.તમે સર્વ ભાઈઓ તેરમા વર્ષે વિરાટનગરમાં ગુપ્ત રીતે રહેજો,મારી કૃપાથી તમને સર્વને કોઈ ઓળખી શકશે નહિ.તમે મનમાં જે જે રૂપ ધારણ કરવાનો સંકલ્પ કરશો 

તે રૂપ તમારી ઈચ્છા પ્રમાણે ધારણ કરી શકશો.હે સૌમ્ય,હજુ તું બીજું વરદાન માગ.તને વરદાન આપતાં 

મને તૃપ્તિ થતી નથી,માટે કેમકે તું મારાથી જન્મ્યો છે અને વિદુર મારા અંશમાંથી જન્મ્યો છે 

માટે  મહાન અને અજોડ એવું ત્રીજું વરદાન માગ.(22)


યુધિષ્ઠિર બોલ્યા-હે પિતા,મેં આજે તમને સાક્ષાત જોયા છે,તમે પ્રસન્ન થઈને જે વરદાન આપશો તે હું સ્વીકારીશ.

હે વિભુ,હી લોભ,મોહ,ક્રોધ ઉપર સદૈવ વિજય મેળવું અને મારુ મન દાન,તપ ને સત્યમાં સ્થિર રહો (24)

ધર્મ બોલ્યા-હે પાંડવ,આ ગુણોથી તો તું સ્વભાવથી યુક્ત છે,તું સાક્ષાત ધર્મ છે,તેં કહ્યું છે તે સઘળું થશે 


વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે કહીને તે ધર્મરાજ અંતર્ધાન થયા.પાંડવોએ ત્યાંથી પાછા ફરીને તે બ્રાહ્મણને અરણીપાત્ર આપ્યું,આ આખ્યાનનો જે પાઠ કરશે તે પુત્ર ને પૌત્રવાન થઈને સો વરસનું આયુષ્ય ભોગવશે.

આ આખ્યાનને જે સારી રીતે સમજશે,તેમનાં મન કદી અધર્મમાં રમશે નહિ.(29)

અધ્યાય-૩૧૪-સમાપ્ત 


અધ્યાય-૩૧૫-અજ્ઞાતવાસની તૈયારી 


II वैशंपायन उवाच II धर्मेण तेम्यनुज्ञाताः पांडवा: सत्यविक्रमाः I अज्ञातवासं वत्स्यन्तछन्ना वर्ष त्रयोदशम् II १ II

વૈશંપાયન બોલ્યા-ધર્મદેવે આજ્ઞા આપી એટલે વિદ્વાન,ઉત્તમવ્રતી અને સત્યપરાક્રમી પાંડવો તેરમા વર્ષે અજ્ઞાતવાસમાં રહેવાની ઈચ્છાથી એકસાથે વિચાર કરવા બેઠા.વનવાસમાં જે તપસ્વી બ્રાહ્મણો ને મહાત્માઓ તેમની સાથે વસતા હતા,તેમની અનુજ્ઞા મેળવવાની ઇચ્છાએ તેમણે તેમને કહ્યું કે-


'આપણે બાર વર્ષ વનમાં કષ્ટથી વીતાવ્યાં,હવે તેરમા વર્ષે ગુપ્તવાસની શરત મુજબ અમે ગુપ્ત રીતે વસીશું.

તો તમે અમને અનુજ્ઞા આપો.દુર્યોધને અમને શોધી કાઢવા ગુપ્ત દૂત કામે લગાડ્યા છે એટલે અમે સાવધાન થઈને તેઓ અમને શોધી ન શકે તેમ રહીશું.અમે અમુક સ્થાને રહ્યાં છીએ એવું જો તે શોધી કાઢે તો અમને આશ્રય આપનારા નગરજનોને તેમ જ અમારા સ્વજનોને તેઓ અત્યંત ત્રાસ આપે.અહો,શું એવો સમય ફરી આવશે કે 

જયારે અમે સર્વ,આપ સર્વ બ્રાહ્મણ ઓ સાથે અમારા સ્વદેશમાં સ્વરાજ્ય ભોગવતા હોઈશું? (8)


ત્યારે આંસુભર્યા કંઠવાળા યુધિષ્ઠિરને બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું તે સમયે ધૌમ્યે કહ્યું કે-

'હે રાજન,તમે વિદ્વાન,મનોનિગ્રહી,સત્યપ્રતિજ્ઞ અને જિતેન્દ્રિય છો,તમારા જેવા કોઈ પણ આપત્તિમાં મૂંઝાતા નથી.

દેવોને પણ આપત્તિઓ આવી,ત્યારે તેઓ શત્રુના નિગ્રહ માટે અનેકવાર ગુપ્ત રીતે રહ્યા છે.

ઇન્દ્રે,નિષધ દેશમાં ગિરપ્રસ્થાશ્રમમાં ગુપ્ત રીતે રહી શત્રુનિગ્રહનું કાર્ય કર્યું હતું,


વિષ્ણુએ,દૈત્યોના વધ માટે અશ્વનું શિર ધારણ કરીને અદિતિના ગર્ભમાં લાંબા કાળ નિવાસ કર્યો હતો.

વળી વામન અવતાર લઈને બ્રાહ્મણના ગુપ્ત રૂપે તેમણે ત્રણ ડગલાંમાં બલિનું રાજ્ય હર્યું હતું. 

અગ્નિએ,જળમાં પ્રવેશ કરીને,ગુપ્ત રહીને દેવોનું કાર્ય કર્યું હતું.

શ્રીહરિએ,ઇન્દ્રના વજ્રમાં ગુપ્ત રીતે પ્રવેશ કરીને,જે કર્યું હતું તે તમે સાંભળ્યું જ છે.


બ્રહ્મર્ષિ ઔર્વ,માતાની સાથળમાં ગુપ્ત રીતે રહ્યા હતા ને દેવોનું કાર્ય કર્યું હતી,તે તમે સાંભળ્યું છે.

સૂર્યે,પૃથ્વી પર સર્વ સ્થાનમાં ગુપ્ત રહીને સર્વ શત્રુઓને બાળી નાખ્યા હતા.

વિષ્ણુએ,દશરથને ઘેર ગુપ્ત રીતે જન્મીને રાવણને રણસંગ્રામમાં હણ્યો હતો.

આમ,તે તે સ્થળે અને તે તે સમયે એ મહાત્માઓ ગુપ્ત રીતે રહીને જેમ,શત્રુઓને સંગ્રામમાં જીત્યા હતા,

તેમ,તમે પણ ગુપ્ત રહીને શત્રુઓને જીતશો.'(21)


આ વચનો કહીને,ધૌમ્યે યુધિષ્ઠિરને સંતુષ્ઠ કર્યા પણ તે શાસ્ત્રબુદ્ધિથી ને સ્વબુદ્ધિથી ડગ્યા નહિ 

(એટલે કે એમણે  શત્રુનો કપટથી વધ કરવાની વાત સ્વીકારી નહિ)

પછી,ભીમે,વાણીથી તેમને હર્ષ પમાડતાં કહ્યું કે-અર્જુને,તમારી ધર્માનુસારિણી બુદ્ધિને અનુસરી કોઈ સાહસ 

કર્યું નથી,સહદેવ અને નકુલ પણ શત્રુઓનો ઘાણ કાઢવા સમર્થ છે.આથી તમે અમને જે કાર્યમાં જોડશો,

તેમાં જોડાઈને તે શત્રુઓને,ઘડીકવારમાં જ જીતી લઈશું,(26)


પછી,બ્રાહ્મણોએ,પાંડવોને ઉત્તમ આશિષ આપીને તેમની વિદાય લઈને પોતપોતાના ઘેર ગયા,

ત્યારે પાંચ પાંડવો ને દ્રૌપદી,તે પ્રદેશથી એક કોષ દૂર જઈને,ગુપ્તવાસ માટે તૈયાર થવાની 

ગુપ્ત મંત્રણા કરવા એકઠા થઈને બેઠા (41)

અધ્યાય-૩૧૫-સમાપ્ત 

આરણેય પર્વ સમાપ્ત 

વનપર્વ સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE