Jul 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-572

 

અધ્યાય-૩૧૩-યક્ષના પ્રશ્નો અને યુધિષ્ઠિરના ઉત્તરો 


II वैशंपायन उवाच II स ददर्श हतान भ्रातृन लोकपालानिव च्युतान् I युगान्ते समनुप्राप्ते शक्रप्रतिमगौरवान II १ II

વૈશંપાયન બોલ્યા-જેમ,યુગનો અંતકાળ આવતાં લોકપાલો સ્વર્ગમાંથી નીચે પડે,તેમ,ઇન્દ્રના જેવા ગૌરવવાળા

પોતાના ભાઈઓને યુધિષ્ઠિરે ત્યાં મૃત્યુ પામીને પડેલા જોયા.શોકથી આંસુભર્યા થયેલા તે યુધિષ્ઠિર,ચિંતાથી ઘેરાઈને

વિલાપ કરવા લાગ્યા ને વિચારવા લાગ્યા કે-અપરાજિત એવા આ ભાઈઓને કોણે માર્યા હશે?

તેમના શરીર પર કોઈ અસ્ત્ર પ્રહારના ચિહ્નો ન જોઈને તેમણે વિચાર્યું કે-કદાચ દુર્યોધને જળને વિષમય કર્યું હોય

કે જે જળ પીવાથી જ આ ભાઈઓ મૃત્યુ પામ્યા હોય.

આમ વિચારીને તે જળ પાસે જઈને જ્યાં જળને હાથ લગાડવા ગયા ત્યાં જ ફરીથી તે યક્ષની આકાશવાણી થઇ.

યક્ષ બોલ્યો-'હું સેવાળ ને માછલાં ખાનાર બગલો છું.મેં જ તમારા ભાઈઓને મૃત્યુને અધીન કર્યા છે.

મારા પ્રશ્નોના ઉત્તર આપ્યા વિના તું પાણી પી શકશે નહિ,ને જો પીશ તો તું પણ મૃત્યુને અધીન થશે'


યુધિષ્ઠિર બોલ્યા-તમે કોણ દેવ છો? કેમ કે એક પક્ષીથી,મારા અજેય ભાઈઓને મારવાનું આવું કામ થઇ શકે નહિ.

આમ કહી તે જળથી દૂર જઈને ઉભા,ત્યારે તેમણે,વિરૂપ આંખોવાળા ને તાડ જેવો ઊંચા યક્ષને જોયો.

તે યક્ષ બોલ્યો-હે રાજન,તારા ભાઈઓને મેં અનેકવાર વાર્યા હતા પણ તેમણે મારા વચનનો અનાદર કરીને પાણી પીવાને ઇચ્છયું એટલે મેં તેમને માર્યા છે.એટલે તું પણ પ્રથમ મારા પ્રશ્નોના ઉત્તર આપ.ને પછી પાણી પીજે.(42)


યુધિષ્ઠિર બોલ્યા-હે યક્ષ,તમે પહેલેથી અધિકારમાં લીધેલા જળની હું ઈચ્છા કરતો નથી,

તો તમે પ્રશ્ન પૂછો,હું તમારા પ્રશ્નોના યથામતિ જવાબ આપીશ'(44)

યક્ષ બોલ્યો-આદિત્યને (સૂર્યને) કોણ ઊંચે ઉદિત કરે છે? તેની આસપાસ કોણ સહાયક સાથીઓ છે?

કોણ એને અસ્ત પમાડે છે?અને તે શામાં પ્રતિષ્ઠિત રહે છે? (45)

યુધિષ્ઠિર બોલ્યા-બ્રહ્મ,આદિત્યને ઊંચે ઉદિત કરે છે,દેવો તેના સહાયકો (સાથીઓ) છે,

ધર્મ તેને અસ્ત પમાડે છે અને સત્યના આધારે તે પ્રતિષ્ઠિત રહે છે (46)


યક્ષ બોલ્યો-હે રાજન,શાનાથી મનુષ્ય શ્રોત્રિય થાય છે? શાનાથી તેને મહત્પ્રાપ્તિ થાય છે?

શાનાથી તે સહાયવાન થાય છે?ને શાથી તે બુદ્ધિમાન થાય છે? (47)

યુધિષ્ઠિર બોલ્યા-વેદાધ્યયનથી મનુષ્ય શ્રોત્રિય થાય છે,તપથી તેને મહત્પ્રાપ્તિ થાય છે,

ધૃતિથી તે સહાયવાન થાય છે અને વૃદ્ધોની સેવા કરવાથી તે  બુદ્ધિમાન થાય છે.(48)


યક્ષ બોલ્યો-બ્રાહ્મણોનું દેવત્વ શું છે? તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ શો છે? 

તેમનામાં મનુષ્યભાવ શો છે?અને તેમનામાં દુર્જન જેવું આચરણ શું છે?

યુધિષ્ઠિર બોલ્યા-વેદોનો સ્વાધ્યાય એ બ્રાહ્મણોનું દેવત્વ છે.તપસ્યા એ તેમનામાં સત્પુરુષો જેવો ધર્મ છે.

મરણ એ તેમનામાં મનુષ્યભાવ છે અને નિંદા એ તેમનામાં દુર્જનોના જેવું આચરણ છે (50)


યક્ષ બોલ્યો-ક્ષત્રિયોનું દેવત્વ શું છે? તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ શો છે? 

તેમનામાં મનુષ્યભાવ શો છે?અને તેમનામાં દુર્જન જેવું આચરણ શું છે?

યુધિષ્ઠિર બોલ્યા-બાણ ને અસ્ત્રોનું ધારણ એ ક્ષત્રિયનું દેવત્વ છે.યજ્ઞ એ તેમનામાં સત્પુરુષો જેવો ધર્મ છે.

ભય એ તેમનામાં મનુષ્યભાવ છે અને શરણાગતનો ત્યાગ કરવો એ તેમનામાં દુર્જનોના જેવું આચરણ છે(52)


યક્ષ બોલ્યો-યજ્ઞસંબંધી મુખ્ય સામ કયો છે?યજ્ઞસંબંધી મુખ્ય યજુર્ર્મન્ત્ર કયો છે?

યજ્ઞને કઈ વસ્તુ સ્વીકારે છે અને યજ્ઞ કઈ વસ્તુનું ઉલ્લંઘન કરતો નથી?

યુધિષ્ઠિર બોલ્યા-પ્રાણ એ યજ્ઞસંબંધી મુખ્ય સામ છે,મન એ યજ્ઞ સંબંધી મુખ્ય યજુર્ર્મન્ત્ર છે,

ઋગ્વેદની મુખ્ય રુચા જ યજ્ઞને સ્વીકારે છે અને યજ્ઞ એ રૂચાનું ઉલ્લંઘન કરતો નથી.(54)


યક્ષ બોલ્યો-આવપન (વાવણી)કરનારાઓને શી વસ્તુ શ્રેષ્ઠ છે?નિવાપન (રોપણી)કરનારાઓને શી વસ્તુ 

ઉત્તમ છે?પ્રતિષ્ઠા ઇચ્છનારાઓને કઈ શ્રેષ્ઠ વસ્તુ છે?અને પ્રજોત્પાદન કરનારાઓને કઈ વસ્તુ ઉત્તમ છે?

યુધિષ્ઠિર બોલ્યા-આવપન કરનારાઓ માટે વૃષ્ટિ શ્રેષ્ઠ છે,નિવાપન કરનારાઓ માટે બીજ ઉત્તમ છે,

પ્રતિષ્ઠા ઇચ્છનારાઓને ગાયો શ્રેષ્ઠ છે અને પ્રજોત્પાદન કરનારાઓને પુત્ર ઉત્તમ છે (56)


યક્ષ બોલ્યો-ઇન્દ્રિયોના વિષયોને અનુભવતો,બુદ્ધિમાન,લોકથી પૂજાયેલો 

અને સર્વ પ્રાણીઓમાં માન પામેલો એવો કયો મનુષ્ય જીવતો છતાં મરેલો છે?

યુધિષ્ઠિર બોલ્યા-જે મનુષ્ય,દેવ,અતિથિ,પોષ્યવર્ગ,પિતૃઓ અને પોતાની જાત-

એ પાંચને કંઈ જ આપતો નથી તે જીવતો છતાં મરેલો છે (58)


યક્ષ બોલ્યો-કોણ પૃથ્વી કરતાં પણ વિશેષ ભારે છે?કોણ આકાશ કરતાં પણ વધારે ઉચ્ચ છે?

કોણ વાયુ કરતાં પણ વિશેષ શીઘ્ર છે?અને કોણ તરણા કરતાં પણ વધારે તુચ્છ છે?

યુધિષ્ઠિર બોલ્યા-માતા,પૃથ્વી કરતાં ભારે,પિતા આકાશ કરતાં ઉચ્ચ,

મન વાયુ કરતાં શીઘ્ર ને ચિંતા,તરણા કરતાં ભારે છે (60)


યક્ષ બોલ્યો-સૂતા છતાં કોણ આંખ મીંચતું નથી? જન્મ્યા પછી કોણ હલનચલન કરતું નથી?

કોને હૃદય હોતું નથી?અને કોણ વેગથી વૃદ્ધિ પામે છે?

યુધિષ્ઠિર બોલ્યા-માછલાં સુતા છતાં આંખ મીંચતાં નથી,ઈંડુ જન્મ્યા પછી પણ હલનચલન કરતુ નથી,

પથ્થરને હૃદય હોતું નથી અને નદી વેગથી વૃદ્ધિ પામે છે (62)


યક્ષ બોલ્યો-પ્રવાસે નીકળેલાનો મિત્ર કોણ?ઘરમાં વસેલાનો મિત્ર કોણ?

રોગીનો મિત્ર કોણ?અને મરણની તૈયારીવાળાનો મિત્ર કોણ?

યુધિષ્ઠિર બોલ્યા-વેપારીઓનો સાથ એ પ્રવાસે નીકળેલાનો મિત્ર છે,ભાર્યા એ ઘરમાં વસેલાનો મિત્ર છે,

વૈદ્ય એ રોગીનો મિત્ર છે અને દાન એ મરણની તૈયારીવાળાનો મિત્ર છે (64)


યક્ષ-ભૂતમાત્રનો અતિથિ કોણ છે?સનાતન ધર્મ કયો?અમૃત શું છે? આ સર્વ જગત શું છે?

યુધિષ્ઠિર-અગ્નિ ભૂતમાત્રનો અતિથિ છે,મોક્ષધર્મ એ સનાતન ધર્મ છે,ગાયનું દૂધ અમૃત ને વાયુ સર્વ જગત છે 

યક્ષ-કોણ એકલો વિચરે છે?કોણ જન્મીને પાછો જન્મે છે?ટાઢનું ઓસડ શું?મહાન ભંડાર કયો છે?

યુધિષ્ઠિર-સૂર્ય એકલો વિચરે છે,ચંદ્રમા જન્મીને પાછો જન્મે છે,અગ્નિ ટાઢનું ઓસડ છે અને ભૂમિ ભંડાર છે 


યક્ષ-ધર્મનું સ્થાન કયું?યશનું મુખ્ય સ્થાન કયું?સ્વર્ગનું મુખ્ય સ્થાન કયું?સુખનું મુખ્ય સ્થાન કયું?

યુધિષ્ઠિર-દક્ષતા ધર્મનું સ્થાન છે,દાન એ યશનું સ્થાન છે,સત્ય સ્વર્ગનું સ્થાન છે,શીલ એ સુખનું મુખ્ય સ્થાન છે 

યક્ષ-મનુષ્યનો આત્મા કોણ?તેનો દૈવથી પ્રાપ્ત મિત્ર કોણ?તેનું જીવનસાધન કોણ?ને તેનો પરમ આશ્રય શો છે?

યુધિષ્ઠિર-પુત્ર મનુષ્યનો આત્મા છે,ભાર્યા તેનો દૈવકૃત મિત્ર છે,

મેઘ તેનું જીવન સાધન અને દાન તેનો પરમ આશ્રય છે (72)


યક્ષ-ધનપ્રાપ્તિમાં ઉત્તમ સાધન કયું?ધનોમાં ઉત્તમ ધન કયું?લાભોમાં ઉત્તમ લાભ કયો?સુખોમાં ઉત્તમ સુખ કયું?

યુધિષ્ઠિર-દક્ષતા,ધનપ્રાપ્તિમાં ઉત્તમ સાધન છે,વિદ્યા એ ધનોમાં ઉત્તમ ધન છે,

આરોગ્ય એ લાભોમાં ઉત્તમ લાભ છે અને સંતોષ એ સુખોમાં ઉત્તમ સુખ છે (74)


યક્ષ-આ લોકમાં પરમ ધર્મ કયો?સદા ફળદાયી ધર્મ કયો?કયો નિયમ રાખવાથી 

મનુષ્યોને શોક કરવો પડતો નથી?અને કોની સંગતિ નિષ્ફળ જતી નથી?

યુધિષ્ઠિર-પ્રાણીમાત્રને અભયદાન-એ પરમધર્મ છે,ત્રયીધર્મ (વેદોક્ત ધર્મ) એ સદા ફળદાયી ધર્મ છે,મનોનિયમ રાખવાથી મનુષ્યોને શોક કરવો પડતો નથી,અને સત્પુરુષો સાથેની સંગતિ નિષ્ફળ જતી નથી (76)


યક્ષ-શું ત્યજવાથી મનુષ્યનું પ્રિય થાય છે?શું ત્યજવાથી શોક કરવો રહેતો નથી?

શું ત્યજવાથી મનુષ્ય ધનવાન થાય છે?અને શું ત્યજવાથી મનુષ્ય સુખી બને છે ?

યુધિષ્ઠિર-માન ત્યજવાથી મનુષ્યનું પ્રિય થાય છે,ક્રોધ ત્યજવાથી તેને શોક કરવો રહેતો નથી,

કામ ત્યજવાથી તે ધનવાન થાય છે અને લોભ ત્યજવાથી તે સુખી બને છે (78)


યક્ષ-શા માટે બ્રાહ્મણને દાન આપવું?શા માટે નટ-નર્તકોને દાન આપવું?

શા માટે સેવક આદિને દાન આપવું?અને શા માટે રાજાઓને કર આપવા?

યુધિષ્ઠિર-ધર્મને માટે બ્રાહ્મણને દાન,યશ માટે નટ-નર્તકોને દાન,

ભરણપોષણ માટે સેવકને દાન અને ભયને માટે રાજાને કર આપવા (80)


યક્ષ-આ લોક શાથી ઢંકાયેલો છે?શાથી તે પ્રકાશતો નથી?

શા કારણે તે મિત્રોનો ત્યાગ કરે છે અને શા કારણે તે સ્વર્ગે જતો નથી?

યુધિષ્ઠિર-અજ્ઞાનથી આ લોક ઢંકાયેલો છે,તમોગુણથી તે પ્રકાશતો નથી,

લોભના કારણે તે મિત્રોને ત્યજે છે અને સંગને કારણે તે સ્વર્ગે જતો નથી.(82)


યક્ષ-કયો પુરુષ મરેલો ગણાય?કયું રાષ્ટ્ર મરેલું ગણાય?કયું શ્રાદ્ધ મરેલું ગણાય?કયો યજ્ઞ મરેલો ગણાય?

યુધિષ્ઠિર-દરિદ્ર પુરુષ મરેલો ગણાય,અરાજક રાષ્ટ્ર મરેલું ગણાય,

વેદવેત્તા બ્રાહ્મણ વિનાનું શ્રાદ્ધ મરેલું ગણાય અને દક્ષિણા વિનાનો યજ્ઞ મરેલો ગણાય (84)


યક્ષ-દિશા કઈ છે?જળ શાને કહ્યું છે? અન્ન શું છે?વિષ શું છે?શ્રાદ્ધનો કાળ કયો?

યુધિષ્ઠિર-સંતો માર્ગદર્શક દિશા છે,આકાશને જળ કહ્યું છે,ગાય (કે પૃથ્વી?)અન્ન ગણાય છે,

યાચના વિષ છે અને શ્રાદ્ધનો કાળ બ્રાહ્મણ છે (હે યક્ષ તમે શું માનો છો?)(86)


યક્ષ-તપનું લક્ષણ કયું?દમ કોને કહ્યો છે?શાને ઉત્તમ શિક્ષા ને શાને લજ્જા કહી છે?

યુધિષ્ઠિર-સ્વધર્મનું વર્તન એ તપનું લક્ષણ છે,મનનું દમન દમ છે,સુખ-દુઃખ આદિ દ્વન્દ્વોને 

સહન કરવાં એને ઉત્તમ ક્ષમા કહી છે અને અકાર્યથી અટકવું એને લજ્જા કહી છે (88)


યક્ષ-કોને જ્ઞાન કહ્યું છે?શાને શમ કહ્યો છે?શાને પરમ દયા કહી છે?શાને આર્જવ કહ્યું છે?

યુધિષ્ઠિર-તત્વાર્થનો સારી રીતે બોધ-તે જ્ઞાન,ચિત્તની પ્રશાંતતા-એ શમ છે,

સુખની ઈચ્છા-એ દયા છે અને ચિત્તની સમતા -એ આર્જવ છે (90)


યક્ષ-મનુષ્યનો કયો શત્રુ દુર્જય છે?કયો વ્યાધિ અંતકારી છે?કોને સાધુ કહ્યો છે?ને કોને અસાધુ કહ્યો છે 

યુધિષ્ઠિર-ક્રોધ એ દુર્જય શત્રુ છે,લોભ અંતકારી વ્યાધિ છે,

પ્રાણીમાત્રના હિતમાં રહેનાર સાધુ છે અને નિર્દય પુરુષને અસાધુ કહ્યો છે.(92)


યક્ષ-કોને મોહ કહ્યો છે?કોને માન કહ્યું છે?શાને આળસ સમજવું? કોને શોક કહ્યો છે?

યુધિષ્ઠિર-ધર્મ વિશેનું અજ્ઞાન-એને જ મોહ કહ્યો છે,આત્માભિમાન ને માન કહ્યું છે,

ધર્મમાં નિષ્ક્રિય રહેલું તેને આળસ કહી છે અને અજ્ઞાન એ જ શોક કહેવાય છે (94)


યક્ષ-ઋષિઓએ શાને સ્થૈર્ય કહ્યું છે?કોને ધૈર્ય કહ્યું છે?કોને ઉત્તમ સ્નાન કહ્યું છે ને કોને દાન કહ્યું છે?

યુધિષ્ઠિર-સ્વધર્મમાં સ્થિરતાને સ્થૈર્ય કહ્યું છે,ઇન્દ્રિયનિગ્રહને ધૈર્ય કહ્યું છે,

મનના મેલના ત્યાગને ઉત્તમ સનં કહ્યું છે અને પ્રાણીમાત્રના રક્ષણને આ લોકમાં દાન કહે છે (96)


યક્ષ-કયા પુરુષને પંડિત જાણવો?કોને નાસ્તિક કહેવો? કોણ મૂર્ખ છે?કામ શું છે?મત્સર કોને કહ્યો છે?

યુધિષ્ઠિર-ધર્મવેત્તા પુરુષને પંડિત જાણવો,મૂર્ખને નાસ્તિક કહે છે ને નાસ્તિકને મૂર્ખ કહે છે.

સંસારની વાસના કામ છે અને હૃદયના તાપને મત્સર કહ્યો છે (98)


યક્ષ-કોને અહંકાર કહ્યો છે?કોને દંભ કહ્યો છે?શાને પરમ દૈવ કહ્યું છે?અને શાને પિશુનતા(ચાડી-ચુગલી)કહે છે?

યુધિષ્ઠિર-અત્યંત અજ્ઞાનને અહંકાર કહ્યો છે,યશની ધજા ફરકાવવા કરેલા ધર્મને દંભ કહ્યો છે,

દાનને પરમદૈવ કહ્યું છે ને પારકાને દૂષણ આપવું એને પિશુનતા કહે છે (100)


યક્ષ-ધર્મ,અર્થ અને કામ એ પરસ્પર વિરોધી છે તો એ નિત્ય વિરોધીઓનો કેવી રીતે એકત્ર સંગમ થાય?

યુધિષ્ઠિર-જયારે ધર્મ અને ભાર્યા એ બંને પરસ્પર અનુકૂળ રહીને વર્તે ત્યારે ત્રણેનો સંગમ થાય (102)

યક્ષ-શાથી અક્ષય નરક મળે છે? તું તત્કાલ એનો ઉત્તર કહે.

યુધિષ્ઠિર-જે પુરુષ,યાચના કરનારા બ્રાહ્મણને પોતે બોલાવીને પછી તેને 'નથી' એમ કહે તે અક્ષય નરકમાં જાય છે,

જે પુરુષ,વેદો,ધર્મશાસ્ત્રો,બ્રાહ્મણો,દેવો અને પિતૃધર્મો સંબંધમાં મિથ્યા વર્તન રાખે,તે અક્ષય નરકમાં જાય છે.

જે મનુષ્ય,પાસે ધન હોવા છતાં,લોભને કારણે દાન કરતો નથી ને તેનો ઉપભોગ પણ કરતો નથી,ને જે કોઈને  નિમંત્રણ આપ્યા પછી,'નથી' એમ કહે છે તે અક્ષય નરકનો વાસી થાય છે (106)


યક્ષ-કુલ,ચારિત્ર્ય,સ્વાધ્યાય અને વિદ્યા-એમાંથી શા વડે બ્રાહ્મણત્વ મળે છે?

યુધિષ્ઠિર-બ્રાહ્મણત્વમાં કુલ,સ્વાધ્યાય કે વિદ્યા કારણરૂપ નથી,નિઃસંશય ચારિત્ર્ય જ કારણરૂપ છે.

આથી બ્રાહ્મણે ચારિત્ર્યનું જ યત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ,ચારિત્ર્યથી તે ભ્રષ્ટ થાય તો તે મરેલો (હીન) જ છે.

અધ્યયન કરનારાઓ,અધ્યયન કરાવનારાઓ,ને શાસ્ત્રવિચારકો -એ સર્વે વ્યસનોને આધીન થયેલા મુર્ખાઓ છે,

માત્ર જે ક્રિયાવાન  ને શાસ્ત્રસંમત આચરણવાળો છે,તે જ પંડિત છે,ચારે વેદોનું અધ્યયન કરનારો હોવા છતાં જો કોઈ દુરાચારી હોય તો તે શુદ્ર કરતાં પણ નીચ છે.જે અગ્નિહોત્રમાં પારાયણ ને જિતેન્દ્રિય છે તે જ બ્રાહ્મણ છે.(111)


યક્ષ-પ્રિય વચન બોલનારને શું મળે છે?વિચારીને કાર્ય કરનારને શું મળે છે?

અનેક મિત્રો કરનારને શું મળે છે?અને ધર્મમાં રહેનારને શું મળે છે?

યુધિષ્ઠિર-પ્રિય વચન બોલનારને સર્વની પ્રિયતા મળે છે,વિચારીને કાર્ય કરનારને અધિકાધિક વિજય 

મળે છે,અનેક મિત્રો કરનારને સુખવાસ મળે છે,અને ધર્મમાં રહેનારને ઉત્તમ ગતિ  મળે છે (113)


યક્ષ-કોણ આનંદથી રહે છે?આશ્ચર્ય શું છે?માર્ગ કયો છે? વાર્તા કઈ છે?

યુધિષ્ઠિર-જે મનુષ્ય દેવાથી રહિત છે,જે પરદેશમાં નથી,અને જે ભલે પાંચમા કે છઠ્ઠા દિવસે પણ,

પોતાના જ ઘરમાં ભાજીપાલો રાંધીને ખાય છે તે મનુષ્ય આનંદ કરે છે (115)

આ સંસારમાં રોજ રોજ અસંખ્ય પ્રાણીઓ યમલોકમાં જાય છે,છતાં બાકીના (બચેલા) મનુષ્યો પોતાને 

અવિનાશી (સર્વદા જીવતા રહેવાની ઈચ્છા રાખે તે) માને છે એથી બીજું શું આશ્ચર્ય હોઈ શકે? (116)


તર્કથી નિર્ણય થઇ શકતો નથી,શ્રુતિઓ ભિન્ન ભિન્ન અર્થવાળી છે અને તેના વ્યાખ્યાતા ઋષિઓ એકમત નથી,તેથી કોના મતને પ્રમાણરૂપ ગણી શકાય? ધર્મનું તત્વ અતિ ગહન (નિગૂઢ)છે 

આથી જે માર્ગે મહાપુરુષો જાય તે માર્ગ જ સામાન્ય જનોનો માર્ગ છે (117)

આ મહાન મોહભરી કઢાઈમાં,કાળ પોતે સૂર્યરૂપી અગ્નિથી ચેતાવેલાં,રાત્રી અને દિવસરૂપી ઇંધણ વડે,

અને ઋતુરૂપી કડછીથી પ્રાણીઓને ઉપરતળે કરીને જે રાંધે છે તેને જ વાર્તા કહેવામાં આવે છે (118)


યક્ષ-હે પરંતપ,તેં મારા પૂછેલા પ્રશ્નોના યથાસત્ય ઉત્તર આપ્યા છે,હવે તું પુરુષની વ્યાખ્યા કર.

અને કહે કે કયો પુરુષ સર્વસંપત્તિમાન (ધનવાન) છે?

યુધિષ્ઠિર-પુણ્યકર્મ વડે મનુષ્યનો કીર્તિઘોષ,સ્વર્ગ ને પૃથ્વીને સ્પર્શે છે,જ્યાં સુધી તેનો કીર્તિઘોષ રહે 

ત્યાં સુધી તે 'પુરુષ' કહેવાય છે.જે નર પ્રિય-અપ્રિય વિશે સુખ-દુઃખ વિશે  તેમ જ ભૂત અને ભાવિ વિશે એક સમાન (નિસ્પૃહ) છે ને શાંતચિત્ત તથા સદા યોગયુક્ત છે  તે જ પુરુષ સર્વસંપત્તિમાન કહેવાય છે (121)


યક્ષ-હે રાજન,તેં પુરુષ અને ધનવાનની સારી રીતે વ્યાખ્યા કરી આથી તું આ ભાઈઓમાંથી એક,

જેને જીવાડવા ઈચ્છતો હોય તે કહે તો તે ભલે જીવતો થાય.

યુધિષ્ટિર-જે શ્યામ,ઊંચો,વિશાલ ખભાવાળો,ને મહાન બાહુવાળો છે તે નકુલ જીવતો થાઓ (133)


યક્ષ-હે રાજન,આ તારા પોતાના ભાઈ ભીમસેન અને અર્જુન તારા પ્રિય છે,

તો તું કેમ સાવકી માતાના નકુલને જીવાડવા ઈચ્છે છે?

યુધિષ્ઠિર-પોતે હણેલો ધર્મ જ માણસને હણે છે,ને પોતે રક્ષેલો ધર્મ જ રક્ષે છે-માટે હણેલો ધર્મ આપણો ઘાત કરે-

એ હેતુથી હું ધર્મનો ત્યાગ કરતો નથી,સર્વ સમાનતા જ પરમધર્મ છે ને તેથી હું સમાનતા ઇચ્છીને નકુલને જીવતો કરવા ઈચ્છું છું.સર્વ મનુષ્યો જાણે છે કે હું સદૈવ ધર્મશીલ છું,ને હું સ્વધર્મથી ડગવા ઈચ્છતો નથી,તો હે યક્ષ નકુલ જીવતો થાઓ.મારા પિતાને કુંતી ને માદ્રી બે પત્ની હતી,એ બંને પુત્રવતી રહે એવો મારો દૃઢ નિશ્ચય છે.

હું બંને માતાઓ તરફ સમભાવ રાખવા ઈચ્છું છું તેથી હે યક્ષ,નકુલ જીવતો થાઓ (132)


યક્ષ-હે ભરતશ્રેષ્ઠ,તું સર્વ સમાનતાને અર્થ અને કામ કરતાં ચડિયાતી માને છે 

તેથી તારા સર્વ ભાઈઓ જીવતા થાઓ (133)  

અધ્યાય-૩૧૩-સમાપ્ત