Jul 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-571

આરણેય પર્વ 

અધ્યાય-૩૧૧-મૃગની શોધ 


II जनमेजय उवाच II एवं हृतायां भार्यायां प्राप्य क्लेशमनुत्ततं I प्रतिपद्य ततः कृष्णां किमकुर्वत पांडवा :II १ II

જન્મેજય બોલ્યા-જયદ્રથે કૃષ્ણાનું હરણ કર્યું,ત્યારે પાંડવોને કષ્ટ પડ્યું હતું,

પોતાની પત્નીને પાછી લાવ્યા પછી તેમણે શું કર્યું? 

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવો કામ્યક વનનો ત્યાગ કરીને ફરી દ્વૈતવનમાં આવ્યા.એ વનમાં તેઓને પરિણામે સુખદાયી એવું એક કષ્ટ પડ્યું હતું તે વિશે તમે સાંભળો.તે વનમાં એક તપસ્વી બ્રાહ્મણે એક વૃક્ષ પર,અગ્નિ ઉત્પન્ન કરવાના અરણીપાત્ર અને મંથનદંડ ભરાવ્યાં હતા.એક વખત એક હરણ તે ઝાડની સાથે માથું ઘસતો હતો ત્યારે તે 

તેના શિંગડાંમાં ભરાઈ ગયાં.ને પછી તે મૃગ ત્યાંથી દોડતો ત્યાંથી દૂર નીકળી ગયો.મૃગને પોતાનાં પાત્ર હરી જતો જોઈને

તે વિપ્રે,યુધિષ્ઠિર પાસે આવી તે પાત્ર પાછું મેળવવા સહાય માગી,એટલે યુધિષ્ઠિર ભાઈઓ સાથે ધનુષ્ય લઈને તેની

પાછળ પડ્યા.પણ મૃગ અદ્રશ્ય થઇ ગયો.ઘણો સમય વીત્યો પણ તે મૃગ ન મળવાથી 

તે પાંડવો દુઃખી થયા,વળી થાક પણ લાગ્યો હતો ને તરસ લાગી હતી એટલે તેઓ એક ઝાડ નીચે બેઠા (19)

ત્યારે થાકેલો ને તરસ્યો દુઃખિત નકુલ,યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-આપણા કુળમાં ધર્મ કદી ડૂબ્યો નથી 

તેમ જ આળસને પરિણામે અર્થનો લોપ પણ થયો નથી.વળી,કાર્યાર્થી પ્રાણીમાત્રને આપણે સદૈવ 

હા જ પાડી છે તો પછી શા કારણથી આ વધુ ને વધુ કષ્ટમાં આપણે આવી પડ્યા છીએ? (21)

અધ્યાય-૩૧૧-સમાપ્ત 


અધ્યાય-૩૧૨-નકુલ વગેરે પડ્યા 


II युधिष्ठिर  उवाच II नायदामस्ति मर्यादा न निमित्तं न कारणं I धर्मस्तु विभजत्यर्थमुपयोः पुण्यपापयोः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'આપત્તિને કંઈ મર્યાદા નથી,તેમ તેને નિમિત્ત અને કારણ પણ નથી.

કેવળ પ્રારબ્ધરૂપી ધર્મ જ પાપ અને પુણ્ય એ બંનેના ફલરૂપ દુઃખ અને સુખને વહેંચી આપે છે.'

ભીમ બોલ્યો-'દુઃશાસન જયારે કૃષ્ણાને એક દાસીની જેમ સભામાં ઘસડી લાવ્યો 

ત્યારે મેં તેનો વધ ન કર્યો,તેથી જ આપણે આ દુઃખમાં આવી પડ્યા છીએ'


અર્જુન બોલ્યો-પેલા સુતપુત્રે હાડકાંને ય ભેદી નાખે એવાં તીક્ષ્ણ ને સોંસરાં ભેદી નાખે 

એવાં વેણો કાઢ્યાં હતાં,તે મેં સહન કરી લીધાં,તેથી જ આપણે આ દુઃખમાં આવી પડયા છીએ 

સહદેવ બોલ્યો-પાસાજુગારમાં જયારે શકુનિએ પ્રપંચથી જીતી લીધા,

ત્યારે મેં તેને મારી ન નાખ્યો તેથી જ આપણે આ દુઃખમાં આવી પડ્યા છીએ' (4)


વૈશંપાયન બોલ્યા-પછી,યુધિષ્ઠિરે નકુલને કહ્યું-'તું ઝાડ ઉપર ચડીને,ક્યાંય નજીકમાં જળાશય દેખાય છે?'

ત્યારે નકુલે,ઝાડ પર ચડ્યો ને કહેવા લાગ્યો કે-મને થોડે દૂર જળાશય ને સારસ પક્ષીઓનો કલરવ સંભળાય છે'

એટલે યુધિષ્ઠિરે,તે નકુલને કહ્યું કે-'તું ઝટ ત્યાં જા અને ભાથાઓમાં ભરીને પાણી લઇ આવ'

નકુલ તરત જ તે જળાશય તરફ દોડ્યો,ને સારસ પક્ષીઓથી ઘેરાયેલા તે જળાશયનું નિર્મળ જળ જોઈને તેણે પાણી પીવાની ઈચ્છા કરીને જેવો પાણી તરફ નમ્યો ત્યારે તેને યક્ષની આકાશવાણી સંભળાઈ (11)


યક્ષ બોલ્યો-તું પાણી પીવાનું સાહસ કરીશ નહિ,કેમકે મેં પહેલેથી એક નિયમ કર્યો છે કે-જે મારા પ્રશ્નોના ઉત્તર આપે-તે જ આ તળાવમાંથી પાણી પી શકે,એટલે મારા પ્રશ્નોના ઉત્તર આપીને પાણી પી અને પાણી લઇ જા'

પણ,તૃષાતુર થયેલા તે નકુલે તેના વચનોનો અનાદર કર્યો,ને તેણે શીતળ જળ પીધું કે તરત તે નિશ્ચેટ થઈને જમીન પર ઢળી પડ્યો.આમ,નકુલને આવવામાં વાર થઇ,એટલે યુધિષ્ઠિરે સહદેવને મોકલ્યો.સહદેવે ત્યાં જઈને,નકુલને જમીન પર મરેલો જોયો,ને સંતાપથી પીડાયેલો ને તરસ્યો તે પાણી તરફ દોડ્યો.ત્યારે ફરીથી તે જ આકાશવાણી  થઇ,પણ સહદેવે પણ તેના વચનોનો અનાદર કરીને પાણી પીધું કે તરતજ તે પણ નિશ્ચેટ થઇ પડ્યો.(19)


બે ભાઈઓના પાછા આવવામાં વાર થઇ એટલે યુધિષ્ઠિરે અર્જુનને મોકલ્યો,તો તે પણ ત્યાં નિશ્ચેટ થઈને પડ્યો.

યુધિષ્ઠિરે છેવટે ભીમને મોકલ્યો તો તેના પણ એવા જ હાલ થયા.એક પણ ભાઈ પાછો ન આવ્યો,એટલે સંતાપ કરીને યુધિષ્ઠિર પોતે તે સરોવર તરફ ચાલ્યા.ને વન વટાવીને છેવટે સરોવર પર પહોંચ્યા.(45)

અધ્યાય-૩૧૨-સમાપ્ત