અધ્યાય-૩૧૦-કર્ણે ઇન્દ્રને કવચ-કુંડળ આપ્યાં
II वैशंपायन उवाच II देवराजमनुप्राप्तं ब्राह्मणच्छद्मना वृतं I द्रष्ट्वा स्वागतमित्याह न वुवोधास्य मानसं II १ II
વૈશંપાયન બોલ્યા-બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવેલા દેવરાજ ઇન્દ્રને જોઈને કર્ણ બોલ્યો-ભલે પધાર્યા.બોલો
હું તમને શું આપું?સોનાની કંઠીઓ વાળી પ્રમદાઓ,ગામો,અનેક ગોકુલો કે ગમે તે માગો તે હું આપીશ'
બ્રાહ્મણ (ઇન્દ્ર) બોલ્યો-'તમે જે કહો છો તેની હું ઈચ્છા કરતો નથી,તમે જો સત્યવ્રતી હો તો
આ જે તમારાં કવચ-કુંડળો છે તે મને આપો,મારે માત્ર આ જ દાન લેવાની ઈચ્છા છે'(5)
કર્ણ બોલ્યો-'હે વિપ્ર,પૃથ્વી,પ્રમદાઓ,ગાયો ને અનેક વર્ષો સુધી આજીવિકા ચાલે એવી જાગીર હું તમને આપીશ પણ આ કવચ અને કુંડળો તો હું આપી શકું નહિ (6) આમ,કર્ણે,તે વિપ્રને અનેક પ્રકારનાં વચનો કહીને પ્રાર્થના કરી,તો પણ તેણે કવચ-કુંડળ સિવાય બીજું કંઈ માગ્યું નહિ.ત્યારે કર્ણે,જાણે પોતે હસતો હોય તેમ ફરીથી કહ્યું-
'હે વિપ્ર,મારાં આ કવચકુંડળ જન્મ સાથે આવેલાં છે,ને જેથી હું અવધ્ય છું.આથી હું તેનો ત્યાગ કરી શકું નહિ.
જો હું આ કવચકુંડળોથી હીન થઈશ તો શત્રુઓ મારો વધ કરી શકશે,માટે તમે બીજું કશું માગો' (12)
આમ કહેવા છતાં ઇન્દ્રે બીજું વરદાન માગ્યું નહિ,એટલે કર્ણે સ્મિતપૂર્વક કહ્યું-'હે દેવાધિદેવ,મેં તમને પ્રથમથી જ ઓળખી લીધા છે,હું તમને મિથ્યા વરદાન આપું એ શક્ય નથી ને ન્યાયયુક્ત પણ નથી.કેમ કે તમે સાક્ષાત
દેવરાજ છો,અન્ય પ્રાણીઓના ઈશ્વર છો અને સર્વ ભૂતોના સર્જક છો,તો તમારે મને વરદાન આપવું જોઈએ.
હું કવચકુંડળ આપીશ તો વધપાત્ર થઈશ અને એથી હે ઇન્દ્ર,તમે હાંસીપાત્ર થશો,
તો તમે બદલો આપીને ભલે મારાં કવચકુંડળો લઇ જાઓ.(17)
ઇન્દ્ર બોલ્યા-'હું અહીં આવનાર છું તે વાત સૂર્યે આગળથી જ જાણી લીધી હતી,એટલે તેમને જ તને આ કહ્યું હશે તે વાતમાં સંશય નથી.ભલે,તું ઈચ્છે છે તેમ થાઓ,એક મારા વજ્ર સિવાય તારી ઇચ્છામાં આવે તે માગી લે'
ત્યારે કર્ણે હર્ષ પામીને તેમની પાસેથી અમોધ 'શક્તિ' માટે પ્રાર્થના કરી.
ઇન્દ્રે મનમાં બે ક્ષણ વિચાર કરીને શક્તિ સંબંધી વચનો કહ્યાં-'હે કર્ણ,ભલે,કવચકુંડળના બદલે એક શરતે તું મારી અમોઘ 'શક્તિ' ને ગ્રહણ કર.હું જયારે દૈત્યોનો નાશ કરવા નીકળું છું ત્યારે મારા હાથમાંથી છુટેલી આ શક્તિ સેંકડો શત્રુઓને માર્યા પછી મારા હાથમાં પાછી આવે છે.પણ હે કર્ણ,આ શક્તિ તારા હાથમાં આવીને તને તાપ આપતા (માત્ર) 'એક' તેજસ્વી શત્રુને મારીને ફરી પાછી મારી પાસે આવીને રહેશે' (25)
કર્ણ બોલ્યો-'ભલે.મને તાપ આપતા મારા એક શત્રુને હું રણમાં હણવા ઈચ્છું છું,તે જ મને ભયરૂપ થાય એમ છે'
ઇન્દ્ર બોલ્યા-'રણમાં તું તારા એક બળવાન શત્રુને આનાથી હણી શકશે,પણ તું જેને મારવાને ઈચ્છે છે
તેનું તો જેને વેદવેત્તાઓ અચિંત્ય,અપરાજિત ને નારાયણ કહે છે તેવા શ્રીકૃષ્ણ રક્ષણ કરે છે (28)
કર્ણ બોલ્યો-'ભલે એમ હો.તમે મને તે અમોઘ શક્તિ આપો,એટલે હું એક પ્રતાપી શત્રુને હણી શકું.હું તમને મારા દેહ પરથી કવચ કુંડળ ઉતરડીને આપીશ,તો મારા કપાયેલા અંગોમાં બીભત્સ્તા ન આવે તો સારું'
ઇન્દ્ર બોલ્યા-હે કર્ણ,તારા અંગો પર કોઈ જખમ રહેશે નહિ,જેવાં તારા પિતાનાં તેજ અને વર્ણ છે તેવાં જ તને પાછાં મળશે.હે કર્ણ,રણમાં તારી પાસે બીજાં શસ્ત્રો હશે ને વિજય વિશે તને સંશય ન હોય તેવે સમયે,તું પ્રમાદથી આ અમોઘ શક્તિને છોડશે તો તે શત્રુ પર ન જતાં તારા પર જ તૂટી પડશે તે ધ્યાનમાં રાખજે'
કર્ણ બોલ્યો-'તમે જેમ કહો છો,તે પ્રમાણે હું મહાસંકટ સમયે જ આ તમારી શક્તિને છોડીશ,એ મારુ વચન છે'
પછી,કર્ણે ઇન્દ્ર પાસેથી તે શક્તિ લીધી ને તીક્ષ્ણ શસ્ત્ર લઈને,પોતાનું કવચ શરીર પરથી ઉતરડીને આપવા માંડ્યું.
તેના મુખ પર જરા સરખો વિકાર થતો નહોતો,પણ સ્મિત હતું.આવા કર્ણને જોઈને આકાશમાં દિવ્ય દુંદુભિઓ
ગડગડયા ને દિવ્ય પુષ્પવર્ષા થઇ.આ રીતે પોતાના અંગ પરથી કવચ ઉતરડીને લોહીથી ભીનું ને ભીનું જ તે કવચ તે કર્ણે ઇન્દ્રને અર્પણ કર્યું,ને કાનમાંથી કુંડળો કાપીને આપ્યા.આ કામને લીધે તે 'કર્ણ'કહેવાયો.(38)
આમ કર્ણને છેતરી,પણ સંસારમાં તેને યશસ્વી કરીને ઇન્દ્રે માન્યું કે તેને પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે ને હસતો હસતો સ્વર્ગલોક ચાલ્યો ગયો.કર્ણ આ રીતે છેતરાયો છે એ સાંભળીને દુર્યોધનનો ગર્વ ગળી ગયો ને તે દીન થયો.
જયારે વનમાં રહેલા પૃથાપુત્રો 'ભય ટળ્યો' એમ સમજીને આનંદિત થયા (40)
જન્મેજય બોલ્યા-'પાંડવોએ આ પ્રિય વાત ક્યાંથી સાંભળી?બારમું વર્ષ વીત્યા પછી તેમણે શું કર્યું? તે વિશે કહો'
વૈશંપાયન બોલ્યા-'પાંડવોએ જયદ્રથને કામ્યક વનમાંથી નસાડીને કૃષ્ણાને પાછી મેળવી,
પછી,માર્કંડેય પાસેથી દેવર્ષિઓનું પુરાતન ચરિત્ર વિસ્તારપૂર્વક સાંભળ્યું હતું (42)
અધ્યાય-૩૧૦-સમાપ્ત
કુંડલાહરણ પર્વ સમાપ્ત