અધ્યાય-૩૦૯-રાધાએ કર્ણને અપનાવીને મોટો કર્યો
II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले तु धृतराष्ट्रस्य वे सखा I सुतोधिरथ इत्येव सदारो जाह्नवीं ययौ II १ II
વૈશંપાયન બોલ્યા-એ જ સમયે ધૃતરાષ્ટ્રનો મિત્ર સારથી અધિરથ પોતાની પત્ની રાધા સાથે ગંગાજી પર ગયો હતો.
રાધાને કોઈ સંતાન નહોતું.તેણે ગંગાજીમાં તણાઈને આવતી પેટી જોઈ,દૈવેચ્છાએ તે મોજાંઓથી તણાતી કિનારા
તરફ આવવા લાગી,ત્યારે રાધાએ તેને પકડીને કિનારા પર લાવી,પતિ અધિરથને તે બતાવી.અધિરથે તે પેટી ઊંચકીને બહાર લાવી તેનું ઢાંકણું ખોલ્યું તો તેમણે કવચ-કુંડળથી સજ્જ બાળકને જોયો,ત્યારે બંનેનાં નયનો વિસ્મયથી ખીલી ઉઠ્યાં.અધિરથે તે બાળકને ખોળામાં લઈને પત્નીને કહ્યું કે-'મારી જિંદગીમાં આજે મેં આવું પ્રથમવાર જ આશ્ચર્ય જોયું છે,હું માનું છું કે આ કોઈ દેવબાળક જ આપણી પાસે આવ્યો છે.નક્કી,જ સંતાન વગરના એવા મને દેવોએ જ
આ દીકરો દીધો છે' આમ કહી તેણે એ પુત્ર રાધાને આપ્યો.(10)
રાધાએ તે દેવબાળકને,અતિપ્રેમથી સ્વીકાર્યો ને તેને પુત્ર તરીકે અપનાવી તેનું પોષણ કરીને મોટો કર્યો.
(એ પછી,રાધાને બીજા ઔરસ પુત્રો પણ અવતર્યા હતા) તે બાળકને સુવર્ણકવચ અને કુંડળોરૂપી વસુને ધારણ કરેલો જોઈને બ્રાહ્મણોએ તેનું નામ 'વસુષેણ' પાડ્યું કે જે પાછળથી 'વૃષ' અને 'કર્ણ' તરીકે વિખ્યાત થયો.
પોતાનો પુત્ર અંગદેશમાં સૂતને ત્યાં ઉછરી રહ્યો છે એ વાત પૃથાએ દૂતો દ્વારા જાણી હતી.
અધિરથ સૂતે એ પુત્રને યોગ્ય સમયે હસ્તિનાપુર દ્રોણ પાસે અસ્ત્રવિદ્યા શીખવા મોકલ્યો.ત્યાં તે દ્રોણનો શિષ્ય થઈને રહ્યો,અહીં તેને દુર્યોધન સાથે મિત્રતા થઇ.કર્ણે દ્રોણાચાર્ય,કૃપાચાર્ય અને પરશુરામ પાસેથી ચાર પ્રકારની અસ્ત્રવિદ્યાનું શિક્ષણ મેળવી ને તે મહાન ધનુર્ધર તરીકે પ્રખ્યાત થયો હતો.દુર્યોધન સાથે મૈત્રીના લીધે તે પૃથાપુત્રો સાથે વેર રાખતો અને અર્જુન સાથે નિત્ય યુદ્ધ કરવાની ઈચ્છા સેવતો.ને તેની સાથે નિરંતર સ્પર્ધા કરતો હતો.(20)
આમ,કર્ણ,કુંતીમાં સૂર્યથી ઉત્પન્ન થયો પણ સૂતકુળમાં મોટો થવાથી સૂતપુત્ર કહેવાયો,આ જ સૂર્યની ગુહ્ય વાત હતી.એ કર્ણને કવચ-કુંડળથી યુક્ત જોઈને ને યુદ્ધમાં અવધ્ય માનીને યુધિષ્ઠિર અત્યંત સંતાપ કરતા હતા.
જયારે તે કર્ણ,મધ્યાહ્ન સમયે પાણીમાં ઉભો રહી ને સૂર્યની સ્તુતિ કરતો,ત્યારે બ્રાહ્મણો ધન મેળવવાની ઈચ્છાથી તેની પાસે આવતા,તે વખતે,કર્ણ તેમને તેઓ જે માગે તે આપતો તેથી તે દાનવીર કર્ણ કહેવાતો હતો.
આથી,ઇન્દ્ર,બ્રાહ્મણનું રૂપ લઈને ભિક્ષા માગવા આવ્યા ત્યારે કર્ણે 'પધારો' કહી તેમને સત્કાર્યા (25)
અધ્યાય-૩૦૯-સમાપ્ત