Jul 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-568

અધ્યાય-૩૦૭-સૂર્ય અને કુંતીનો સમાગમ 

II वैशंपायन उवाच II सा तु कन्या बहुविधं ब्रुवंति मधुरं वचः I अनुनेतु सहस्त्रांशुं न शशाक मनस्विनी II १ II

વૈશંપાયન  બોલ્યા-તે મનસ્વિની કન્યા અનેક પ્રકારનાં મીઠાં મીઠાં વચનો કહેવા લાગી પણ તેમ કરીને પણ તે સૂર્યને સમજાવી શકી નહિ.સૂર્યના શાપના ભયથી તે પોતાનો,પિતાનો અને તે બ્રાહ્મણનો વિચાર કરવા લાગી.

બાળસ્વભાવથી પોતે કરેલી મૂર્ખાઈને લીધે તે ભયભીત થઇ વિચારતી હતી કે-'કેમ કરીને હું પોતે જ પોતાનું દાન કરવારૂપી અયોગ્ય કાર્ય કરું?' લજ્જાથી વ્યાકુળ થયેલી તેણે સૂર્યદેવને કહ્યું કે-

'હે દેવ,મારા માતાપિતા ને બંધુઓના જીવતા હોવાથી,મારાથી આ ધર્મલોપ થાય નહિ.હું તમારી સાથે,ધર્મવિધિથી રહિત એવો સમાગમ કરું તો આ જગતમાં,મારા કારણથી મારા કુળની કીર્તિનો નાશ થાય.(અથવા) પણ તમે જો આ કૃત્યને ધર્મરૂપે માનતા હો તો 'માતાપિતા મારુ દાન આપે' તેની અપેક્ષા રાખ્યા વિના હું તમને આત્મસમર્પણ કરું,તે પછી પણ મારુ સતીત્વ રહે એમ ઈચ્છું છું.કેમ કે પ્રાણીઓનાં ધર્મ,યશ આયુષ્ય તો તમારામાં જ રહ્યાં છે'(11)

+

સૂર્ય બોલ્યા-હે મંગલસ્મિતા,તારું કલ્યાણ થાઓ.કન્યા શબ્દ 'કમ'(કામના કરવી)ધાતુ પરથી થયો છે.જે સર્વની કામના કરે તે કન્યા છે.કન્યા આ લોકમાં સ્વતંત્ર છે.તારા માતપિતા આદિનો તારા પર અધિકાર નથી.મારી સાથે સમાગમ કર્યાથી તેં કશો અધર્મ આચાર્યો ગણાશે નહિ.વળી,લોકહિતની દ્રષ્ટિવાળો હું ક્યાંથી અધર્મ કરું?

સર્વ સ્ત્રીઓ ને પુરુષો,પ્રતિબંધરહિત છે,ને એ જ સ્વાભાવિક સ્થિતિ છે.મારી સાથે સંગ કર્યા પછી પણ તું પછી કન્યા જ થઇ જશે અને તને મહાયશસ્વી,મહાબાહુ,કવચ-કુંડલવાળો પુત્ર થશે.માતા અદિતિએ મને જે કુંડળો આપ્યાં છે તે અને ઉત્તમ કવચ,હું તેને આપીશ (કે જેથી તે રણમાં અવધ્ય થશે)(21)

કુંતી બોલી-'હે ગોપતિ,તમે કહો છો તેવોજ જો મને પુત્ર થાય એમ હોય તો ભલે તમે કહો છો તેમ થાય' (22)


વૈશંપાયન બોલ્યા-પછી,રાહુના શત્રુ અને આકાશમાં વિચરનારા યોગાત્મા સૂર્ય તેની પાસે ગયા અને તેની નાભિનો સ્પર્શ કર્યો,ત્યારે તે પૃથા સૂર્યના તેજથી વિહવળ થઇ,ને પછી ભેભાન થઇ શય્યા પર ઢળી પડી. 

સૂર્ય બોલ્યા-હું તારો મનોરથ સિદ્ધ કરીશ.શ્રેષ્ઠ પુત્રના જન્મ આપ્યા પછી તું પાછી કન્યા થઇ જશે (25)

પછી,તે તીવ્રકિરણ સૂર્યે,તેને પોતાના તેજથી મોહિત કરી,યોગપ્રભાવથી તેનામાં પોતાનો આત્મપ્રવેશ કર્યો,

છતાં તેમણે તેના કન્યાપણાને દુષિત ન જ કર્યું,ત્યાર બાદ તે બાળા ફરી શુદ્ધિમાં આવી (28)

અધ્યાય-૩૦૭-સમાપ્ત 


અધ્યાય-૩૦૮-કુંતીથી કર્ણની ઉત્પત્તિ ને તેનો ત્યાગ 

II वैशंपायन उवाच II  ततो गर्भः समभवत्पृथायाः पृथिवीपते I शुक्ले दशोत्तरे पक्षे तारापतिरिवांबरे II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,હે પૃથ્વીપતિ,ચૈત્રથી અગિયારમા શુક્લ પક્ષે એટલે માઘમાસના સુદ પડવાને દિવસે,આકાશમાં ચંદ્રરાજ ઉગે તેમ પૃથાને ગર્ભ રહ્યો.બાંધવો ને દુનિયાના ભયથી તે બાળા ગર્ભને છાની રીતે ધારણ કરી રહી,તેથી કોઈ પણ એને 'તે ગર્ભવતી છે' એમ જાણી શક્યું નહિ.એ કન્યાનું રક્ષણ કરવામાં કુશળ એવી બાળવયની એક ધાત્રી સિવાય,અંતઃપુરમાં બીજી કોઈ પણ સ્ત્રી આ વાત જાણી શકી નહોતી.(3)


પછી,યોગ્ય સમયે,કુંતીએ કન્યાવસ્થામાં જ સૂર્યદેવના જેવી કાંતિવાળા પુત્ર (કર્ણ)ને પ્રસવ આપ્યો.તે પુત્રને પિતાની જેમ જ શરીર સાથે કવચ જડાયેલું હતું અને સુવર્ણનાં કુંડળો સજેલાં હતાં.એ પુત્રના જન્મ થતાં જ કુંતીએ ધાવની સાથે મંત્રણા કરીને,ચારે બાજુ સારી રીતે ગાદી મઢેલી એક પેટીમાં મૂકી દીધો.ને પછી,કુંતીએ ડૂસકાં લેતાં લેતાં તે પેટીને અશ્વનદીમાં વહેતી મૂકી દીધી.પુત્રસ્નેહને લીધે તેણે કરુણ કલ્પાંત કર્યું ને પુત્રને તેના રક્ષણના અનેક આશિષ આપ્યા.પછી,તે શોકાતુર પૃથાએ,પિતાને જાણ ન થાય તે રીતે મધરાતે રાજભવનમાં પાછો પ્રવેશ કર્યો.

તે પેટી,અશ્વનદીમાંથી તણાતી તણાતી ચર્મણ્વતી નદીમાં ગઈ,ત્યાંથી યમુના નદીમાં ને પછી ગંગા નદીમાં ગઈ.

આમ,પેટીમાં રહેલો તે બાળક (કર્ણ) ગંગા નદીમાં તણાતો સૂતપ્રદેશની ચંપાપુરીમાં પહોંચ્યો.

દિવ્ય કવચ ને કુંડળ ધારણ કરનારો તે દેવકુમાર વિધિના નિર્માણથી એ પેટીમાં જીવતો રહ્યો હતો (27)

અધ્યાય-૩૦૮-સમાપ્ત