Jul 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-567

 

અધ્યાય-૩૦૬-કુંતીએ કરેલું સૂર્યનું આવાહન 


II वैशंपायन उवाच II गते तस्मिन् द्विजश्रेष्ठे कस्मिश्चित्कारणांतरे I चिंतयामास सा कन्या मंत्रग्रामबलाबलम् II १ II

વૈશંપાયન બોલ્યા-આમ એ દ્વિજોત્તમ ગયા પછી,કોઈ કારણે તે કન્યા,મંત્રસમૂહના બલાબલ વિશે વિચારમાં પડી.

કુતુહલતાથી તે વિચારવા લાગી કે-'આ મંત્રસમૂહનું બળ કેવું હશે? મારે તે જાણવું જોઈએ?'

એ આમ વિચારી રહી હતી,તેવામાં તેણે એકાએક પોતાને ઋતુમાં આવેલી જોઈ.તે પૃથા જયારે મહેલની અગાસીએ

ઉભી હતી ત્યારે તેણે પૂર્વ દિશામાં સૂર્યને ઉગતો જોયો.ત્યારે તેની દ્રષ્ટિ દિવ્ય થઇ અને કુંડળથી વિભૂષિત થયેલા,

કવચને ધારણ કરનારા ને દિવ્ય દર્શનવાળા તે સૂર્યદેવને તેણે જોયા.

તે પૃથાને તે વખતે મંત્ર વિશે તો કુતુહલ થયું જ હતું,એટલે તેણે કુતુહલથથી જ સૂર્યદેવનું મંત્રથી આવાહન કર્યું.

એટલે એ દિવાકર સૂર્ય ત્યાં વેગથી આવી પહોંચ્યા.યોગના પ્રભાવથી તેમણે પોતાના બે રૂપ કર્યા હતા,

એક રૂપે તે આકાશમાં તપી રહ્યા હતા અને બીજે (શરીર)રૂપે તે કુંતી પાસે આવ્યા અને તેને કહેવા લાગ્યા કે-

'હે ભદ્રા,તારા મંત્રબળ વડે હું તારે આધીન થઇ આવ્યો છું ને તારે વશ છું,કહે હું તારું શું કાર્ય કરું?'(11)


કુંતી બોલી-'હે ભગવન,મેં કુતુહલથી આવાહન કર્યું હતું,તમે પ્રસન્ન થાઓ ને જ્યાંથી આવ્યા ત્યાં પાછા પધારો'

સૂર્ય બોલ્યા-ભલે તું કહે છે તેમ હું પાછો જઈશ,પણ આમ બોલાવીને મને નિષ્ફળ પાછો મોકલવો યોગ્ય નથી.

હે સુભગા,(મને ખબર છે કે) તને એવી ઈચ્છા થઇ હતી કે મને સૂર્યથી કવચ અને કુંડલવાળો,આ લોકમાં અજોડ એવો પુત્ર તને થાય,તો તું મને તારો દેહ અર્પણ કર તો તને સંકલ્પ પ્રમાણે પુત્ર થશે જ' (15)

પેલા બ્રાહ્મણે,તારા શીલ અને આચારને જાણ્યા વિના તને મંત્ર આપ્યો છે,તેને હું આજે શિક્ષા કરીશ.આ તો તેં મને ઠગ્યો છે,આ ઇન્દ્ર આદિ સર્વ દેવો આકાશમાં રહીને મારી હાંસી કરતા હોય તેમ મને જોઈ રહયા છે.તે તું જો.

મેં તને પ્રથમથી જ જે દિવ્ય દ્રષ્ટિ આપી હતી તે વડે જ તું આ દેવગણોને જો'(20)


વૈશંપાયન બોલ્યા-'ત્યારે તે કુંતીએ સર્વ દેવોને આકાશમાં પોતપોતાના વિમાનમાં બેઠેલા જોયા.તેમને જોઈને તે બાળા લજવાઈ ગયા જેવી થઇ ને ભયભીત થઈને સૂર્યને કહેવા લાગી કે-'હે સૂર્યદેવ,તમે તમારા વિમાનમાં પધારો.મેં નાદાનીમાં જ તમારો આ દુઃખદાયક અપરાધ કર્યો છે.ધર્મથી તો મારા માતાપિતા જ આ શરીરનું દાન દેવાને સમર્થ છે.તેથી હું ધર્મનો લોપ નહિ કરું.આ લોકમાં સ્ત્રીઓના દેહની રક્ષા કરવાના સદાચારની પ્રશંસા કરવામાં આવે છે.હે દેવ,મેં તો બાળસ્વભાવને લીધે,મંત્રબળ જાણવા જ તમને બોલાવ્યા હતા,તો તમે મને બાળક જાણી ને ક્ષમા આપો

(ને મારી રક્ષા કરો) (24)

સૂર્ય બોલ્યા-'હે ભીરુ,તેં મને મંત્રથી બોલાવ્યો,ને તને ફળ આપ્યા વિના હું પાછો જાઉં તે યોગ્ય નથી.વળી,

આમ હું પાછો જાઉં તો દેવલોકમાં હાંસી પામીશ.તો તું મારા સમાગમથી મારાથી મારા જેવો પુત્ર પામ 

નિઃસંશય તું સર્વ લોકોમાં વિશિષ્ટ થશે.(28)

અધ્યાય-૩૦૬-સમાપ્ત