Jul 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-566

 

અધ્યાય-૩૦૪-કુંતીએ કરેલી દુર્વાસાની સેવા 


II कुन्ती उवाच II ब्राह्मणं यंत्रिता राजन्न्रुपस्यास्यामि पूजया I यथा प्रतिज्ञां राजेन्द् न च मिथ्या ब्रविभ्यहम II १ II

કુંતી બોલી-હે રાજન,હું નિયમબદ્ધ રહીને એ બ્રાહ્મણની તમારી પ્રતિજ્ઞા પ્રમાણે સેવા કરીશ,હું આ મિથ્યા કહેતી નથી.બ્રાહ્મણોની પૂજા કરવી એ મારો મૂળથી જ સ્વભાવ છે અને તમારું પ્રિય કરવું તેમાં જ મારુ કલ્યાણ છે.

હું એવો યત્ન કરીશ કે જેથી એ બ્રાહ્મણનું કશું અપ્રિય થશે નહિ,માટે તમે સંતાપ કરશો નહિ.હું એ દ્વિજોત્તમને સંતોષ આપીશ તેથી તેમના તરફથી તમને કોઈ જ વ્યથા નહિ થાય.પૂર્વે સુકન્યાએ કરેલા અપરાધ માટે ચ્યવનઋષિ તેના

પિતા પર કોપ્યા હતા,પણ હું એવો કોઈ અપરાધ કરીશ નહિ જેથી તમારે ચિંતા કરવી નહિ.

પૃથાની આવી વાણીથી પ્રસન્ન થઈને પિતાએ તેને છાતી સરસી લઈને તેને ફરી શું કરવું? તેનો ઉપદેશ આપ્યો.

પછી,તે બ્રાહ્મણને પોતાની પુત્રીને સેવા માટે સોંપી અને તેમને કહ્યું કે-'હે બ્રહ્મન,આ મારી પુત્રી બાળક છે ને સુખમાં

ઉછરી છે,તેથી તેનો કોઈ અપરાધ થાય તો મનમાં આણશો નહિ.ને તેને ક્ષમા કરજો'

આમ કહી તેમને રાજાએ રહેવા માટે ઘર આપ્યું.ત્યાં અગ્નિશાળામાં તેમને માટે એક ઉજ્જવળ આસન ગોઠવી,

ને આહાર આદિની વ્યવસ્થા કરી આપી.રાજપુત્રી પૃથા (કુંતી) ત્યાં પરમ યત્નપૂર્વક તે બ્રાહ્મણની વિધિપૂર્વક

સેવા કરીને તેમને પરમ સંતોષ આપવા લાગી (20)

અધ્યાય-૩૦૪-સમાપ્ત 


અધ્યાય-૩૦૫-કુંતીએ કરેલી સેવાથી તેને મંત્રપ્રાપ્તિ 


II वैशंपायन उवाच II सा तु कन्या महाराज ब्राह्मणं संशितव्रतम् I तोपयामास शुद्धेन मनसा संशितव्रता II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,તે ઉત્તમવ્રતવાળી કન્યાએ,તે ઉત્તમ વ્રતવાળા બ્રાહ્મણને શુદ્ધ મનથી સંતુષ્ટ કર્યા.

તે દ્વિજવર ગમે ત્યારે બહાર જતા ને ગમે ત્યારે પાછા આવતા,પણ પૃથાએ ધીરજથી સર્વ સમયે તેમને ભોજન અને આસન ને સત્કાર આપી તેમને કોઈ ઓછપ ન આવે તે રીતે તેમની સેવા દિનરાત કર્યા કરી.તે બ્રાહ્મણ,ક્યારેક કુંતીને તિરસ્કાર આપતા,તો રસોઈમાં વાંધો કાઢતા તો ક્યારેક કડવાં વચન બોલતા,પણ તેમ છતાં કુંતી તેમનું કંઈ અપ્રિય કરતી જ નહિ અને અત્યંત ધીરજથી શિષ્ય,પુત્રી કે બહેનની જેમ તેમની સેવા કર્યા કરતી.


આ રીતે તે દ્વિજોત્તમની યથોત્તમ સેવા કરીને તે પૃથાએ તે બ્રાહ્મણની પ્રીતિ પ્રાપ્ત કરી.કુંતિભોજ પણ કુંતીની સેવા જોઈને અતિ પ્રસન્ન થયો હતો.આ રીતે એક વર્ષ સુધીની સેવાથી પ્રસન્ન મનથી તે દુર્વાસા મુનિએ કુંતીને કહ્યું કે-

'હે ભદ્રા,હું તારી સેવાથી પરમ પ્રસન્નતા પામ્યો છું,તું મનુષ્યોને દુર્લભ એવાં વરદાન માગી લે'

કુંતી બોલી-'હે શ્રેષ્ઠ વેદવેત્તા,તમે પ્રસન્ન થયા તે જ વરદાન છે મારે વરદાનોનું પ્રયોજન હોય નહિ'


બ્રાહ્મણ (દુર્વાસા) બોલ્યા-'હે ભદ્રા,તું વરદાન ઇચ્છતી નથી,તો પણ તું દેવોનું આવાહન કરવાનો આ મંત્ર સ્વીકાર,

આ મંત્રથી તું જે જે દેવોનું આહવાન કરીશ તે દેવ તારે આધીન થઈને સેવકની જેમ નમ્ર થઈને તારે વશ થશે'

વૈશંપાયન બોલ્યા-પછી,તે બ્રાહ્મણે,આ પ્રમાણે વરદાન લેવા બીજીવાર કહ્યું ત્યારે તે શાપના ભયથી તે પૃથા તેમને

ના કહી શકી નહિ,એટલે તે બ્રાહ્મણે તેને અથર્વશિર ઉપનિષદમાં કહેલો મંત્રસમૂહ તેને આપ્યો.


કુંતીને આમ મંત્ર આપ્યા પછી,તે બ્રાહ્મણે કુંતીભોજને કહ્યું કે-'હે રાજન હું સુખપૂર્વક રહ્યો છું,તારી કન્યાની સેવાથી સત્કાર પામીને હું સંતુષ્ટ થયો છું.હવે હું જઈશ' આમ કહી તે તરત જ અંતર્ધાન થઇ ગયા.કુંતીભોજ તેમને અંતર્ધાન થયેલા જોઈને વિસ્મિત થયો ને પૃથાની પ્રશંસા કરવા લાગ્યો (23)

અધ્યાય-૩૦૫-સમાપ્ત