અધ્યાય-૩૦૩-કુંતીભોજનો કુંતીને ઉપદેશ
II जनमेजय उवाच II किं तद् गुह्यं न चाख्यातं कर्नोयेहोष्णरश्मिना I कीदशे कुण्डले ते कवचं कीदशं II १ II
જન્મેજય બોલ્યા-સૂર્યે કર્ણને કઈ ગુપ્ત વાત કહી નહિ?તે કુંડળો ને કવચ કેવાં હતાં?તે ક્યાંથી આવ્યાં હતાં?
વૈશંપાયન બોલ્યા-હે રાજન,સૂર્યનું ગુપ્ત રહસ્ય હું કહું છું તે તમે સાંભળો.પૂર્વે,તેજસ્વી,દંડ અને જટાને ધારણ કરનાર
દુર્વાસા મુનિ કુંતીભોજ રાજા પાસે જઈ તેમને કહેવા લાગ્યા કે-'હે નિર્મત્સર,હું તારે ઘેર ભિક્ષા જમવા ઈચ્છું છું.તને રુચે
તો હું તારા ઘરમાં રહીશ.પણ તારે કે તારા સેવકોએ મારુ કોઈ અપ્રિય કરવું નહિ.હું મારી ઇચ્છામાં આવે ત્યારે
આવીશ ને જઈશ.મારી શય્યા ને આસન પર કોઈએ સૂવું કે બેસવું નહિ'
કુંતીભોજ બોલ્યા-'ભલે તેમ જ હો.મારે પૃથા નામની એક કન્યા છે તે શીલવતી,સદાચારીણી,નિયમપરાયણ ને
ભક્તિવાળી છે,તે તમારો અનાદર ન કરતાં,પ્રેમપુર્વક તમારી સેવા કરશે.જેનાથી તમને સંતોષ થશે'
પછી,કુંતીભોજ પોતાની પુત્રી પૃથા પાસે જઈને તેને કહેવા લાગ્યો કે-'હે પુત્રી,દુર્વાસા મુનિ આપણા ઘરમાં રહેવા ઈચ્છે છે,ને તું એમની સેવા કરશે એમ તારા પર વિશ્વાસ રાખીને મેં પણ તેમને વચન આપ્યું છે,તો તે વચન તું સત્ય કરજે.તે જે જે માગે તે તારે જરા પણ મત્સર રાખ્યા વિના તેને આપવું.હે પૃથા,તારું સેવા કરવાનું લક્ષ્ય છે તે હું જાણું છું.પણ તું હજુ બાળા છે એટલે આ ક્રોધી દુર્વાસા વિશે મારે તને કહેવું પડે છે.તું વૃષ્ણીઓના વંશમાં જન્મી છે ને શૂર યાદવની પુત્રી છે.પણ પૂર્વે તારા પિતાએ પોતે જ તને બાળક અવસ્થામાં મને આપી હતી,કેમકે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે તેમનું પ્રથમ સંતાન મને આપવું.આથી તું મારી દત્તક પુત્રી ને મારી મોટી પુત્રી છે.
તું (શૂર યાદવના પુત્ર) વસુદેવની બહેન છે (એટલે કૃષ્ણની ફોઈ છે)
તું આમ રાજકુળમાં જન્મી છે ને અહીં રાજકુળમાં મોટી થઇ છે.તારું રૂપ અદભુત છે ને
તું અનેક ગુણોથી સંપન્ન છે.તું ભાવથી ભરેલી છે તો હે પુત્રી,દર્પ,દંભ અને માનને વેગળાં રાખીને
તું આ દુર્વાસાની સેવા ને આરાધના કરજે જેથી તું શ્રેયને પ્રાપ્ત કરીશ ને કલ્યાણને પામીશ.
પણ જો એ દુર્વાસા ક્રોધે ભરાશે તો સમગ્ર કુળ બળીને ભસ્મ થઇ જશે.(28)
અધ્યાય-૩૦૩-સમાપ્ત