અધ્યાય-૩૦૧-સૂર્યનો કર્ણને વધુ ઉપદેશ
II सूर्य उवाच II माSहितं कर्ण कार्पिस्तवमात्मनः सुह्रदां तथा I पुत्राणामथ भार्याणामथो मातुरथो पितुः II १ II
સૂર્ય બોલ્યા-હે કર્ણ,તું તારું પોતાનું,મિત્રોનું,પત્નીનું,માતાનું અને પિતાનું અહિત કરીશ નહિ.પ્રાણીઓને માટે શરીરને વિરોધ થાય નહિ એજ રીતે યશની પ્રાપ્તિ અને સ્વર્ગલોકમાં સ્થિર કીર્તિ ઇચ્છવા યોગ્ય છે.
રાજાઓ પણ જીવતા રહીને,પુરુષાર્થ કરીને બીજાને લાભ અપાવે છે.જીવતા પુરુષને જ કીર્તિ કલ્યાણકારી છે,
જેનો દેહ ભસ્મ થઇ ગયો છે એવા મૃત મનુષ્યને કીર્તિનું શું પ્રયોજન છે? જીવતો મનુષ્ય જ કીર્તિને ભોગવે છે.
તું મારો ભક્ત છે,ને મારે મારા ભક્તોનું રક્ષણ કરવું જોઈએ,માટે હું તારું હિત કરવાની ઈચ્છાથી આ કહું છું.
આમાં કંઈક દેવનિર્મિત પરમગુહ્ય વાત પણ રહેલી છે,કે જે તું જાણી શકે તેમ નથી,સમય આવ્યે જ તું આ રહસ્યને
જાણીશ,પણ હાલ તો હું તને ફરીફરીથી કહું છું કે તું તારા કુંડળ-કવચ એ ઇન્દ્રને આપીશ જ નહિ.તારે વિધવિધ હેતુયુક્ત વાક્યો કહીને,તે ઇન્દ્રની ઇચ્છાનો નાશ કરવો.હે કર્ણ,તું અર્જુનની સ્પર્ધા કરે છે,ને તેથી જો તું કુંડળ-કવચથી યુક્ત હશે તો તે અર્જુન તને સંગ્રામમાં જીતી (કે મારી) શકે એમ નથી,ભલે ઇન્દ્ર તેનો સહાયક થાય.આથી જો તું અર્જુનને રણમાં જીતવા ઈચ્છતો હોય તો તારે આ શુભ કુંડળ-કવચ આપવાં નહિ જ (18)
અધ્યાય-૩૦૧-સમાપ્ત
અધ્યાય-૩૦૨-સૂર્ય અને કર્ણનો સંવાદ
II कर्ण उवाच II भगवंतमहं भक्तो यथा मां वेत्थ गोपते I तथा परमतिग्मांशो नास्त्यदेयं कथंचन II १ II
કર્ણ બોલ્યો-હે સૂર્યદેવ,આપ જાણો છો,તેમ હું આપનો ભક્ત છું,ને મારે કદી પણ દાનમાં નહિ આપવા જેવું કશુંય નથી.
હે ભગવન,તમે મને જેવા પ્રિય છો તેવા મને પત્ની,પુત્રો કે મારો દેહ પણ મને પ્રિય નથી.તમે મને તમારો પ્રિય ભક્ત જાણીને મારા હિતનું કહ્યું છે પણ હે પ્રભુ,હું શિર નમાવીને ફરીફરી પ્રાર્થના કરું છું કે આ હું જે બોલું છું તેની મને ક્ષમા આપશો.હું જેટલો અસત્યથી ડરૂ છું તેટલો મૃત્યુથી પણ ડરતો નથી.બ્રાહ્મણને જીવન અર્પતાં મને ખટકો પણ થતો નથી.તમને, મને અર્જુન તરફથી મને થનારા ભય વિષે જે દુઃખ છે તે દૂર થાઓ કેમ કે હું સંગ્રામમાં તેને જીતીશ જ.
કેમ કે મેં જમદગ્નિપુત્ર પરશુરામ પાસેથી અસ્ત્રવિદ્યા મેળવી છે,મારું અસ્ત્રબળ તમને જાણીતું છે.
હે ભગવન,તમે મને અનુમતિ આપો,કે જેથી ભિક્ષા માગનાર ઇન્દ્રને હું મારું જીવન પણ દાનમાં અર્પણ કરું (10)
સૂર્ય બોલ્યા-'હે તાત,વ્રતધારી એવા તારે જો સૂર્યને કુંડળો આપવાનાં જ હોય તો તું પણ તેને કહેજે કે-
'હે શતક્રતુ (ઇન્દ્ર) હું તમને આ કુંડળો એક શર્તથી આપી શકીશ.તમે મને શત્રુનો નાશ પમાડનારી અમોઘ 'શક્તિ' આપો કે જેથી હું રણમાં શત્રુઓને રોળી શકું' હે મહાબાહુ,દેવરાજ ઇન્દ્રની એ 'શક્તિ' (શસ્ત્ર) અમોઘ છે'
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે કહીને સૂર્ય ત્યાંથી અંતર્ધાન થયા.પછી,બીજે દિવસે સૂર્ય જપ કરી રહ્યા પછી,કર્ણે સૂર્યને પોતાના સ્વપ્નની વાત કહી,ત્યારે સૂર્યે 'તે સત્ય જ છે' એમ કહ્યું,એટલે કર્ણે તે સ્વપ્નની વાત સાચી માનીને.
શક્તિ મેળવવની ઈચ્છા રાખીને ઇન્દ્રના આવવાની રાહ જોવા લાગ્યો (21)
અધ્યાય-૩૦૨-સમાપ્ત