કુંડલાહરણ પર્વ
અધ્યાય-૩૦૦-સૂર્ય અને કર્ણનો સંવાદ
II जनमेजय उवाच II यत्तत्तदा महद् ब्रह्मन् लोमशो वाक्यमब्रवित् I द्रस्य वचनादेव पांडुपुत्रं युधिष्ठिरम् II १ II
જન્મેજય બોલ્યા-'હે બ્રહ્મન,લોમશ મુનિએ,જે વખતે ઇન્દ્રની આજ્ઞાથી,યુધિષ્ઠિરને એક વાક્ય કહ્યું હતું કે-
'તમને જે મહાન ભય છે (કે જે તમે કદી પણ કહેતા નથી) તે પણ ધનંજય અહીંથી (ઇન્દ્ર પાસે સ્વર્ગમાં)જવા નીકળશે,ત્યાર પછી હું દૂર કરીશ' તો હે જપશ્રેષ્ઠ,યુધિષ્ઠિરને કર્ણ તરફથી એવો તે કયો ભય હતો?'
વૈશંપાયન બોલ્યા-'હે રાજસિંહ,તમારા પૂછવાથી એ કથા હું કહું છું તે તમે સાંભળો.પાંડવોના વનવાસને તેરમું વર્ષ બેઠું,ત્યારે પાંડવોના હિતકારી ઇન્દ્ર કર્ણ પાસે,તેના (કવચ અને) કુંડળોની ભિક્ષા માગવા જવાને તૈયાર થયા હતા.
ઇન્દ્રનો આ વિચાર જાણી લઈને સૂર્યદેવ બ્રાહ્મણનું રૂપ લઈને કર્ણની પાસે આવ્યા.ત્યારે કર્ણ સૂતો હતો એટલે તેમણે તેને સ્વપ્નમાં દર્શન આપ્યાં.ને તેને કહેવા લાગ્યા કે-'હે મહાબાહુ,પાંડવોનું હિત કરવાની ઈચ્છાથી ઇન્દ્ર તારાં કુંડળ (અને કવચ)લેવા માટે બ્રાહ્મણના વેશે તારી પાસે આવશે.કેમ કે તે તારો દાનવીર તરીકેનો સ્વભાવ (કીર્તિ) જાણે છે.તારી પાસે આવનાર બ્રાહ્મણને તે જે કંઈ માગે છે તે તું આપે જ છે ને તેમને પાછા કાઢતો નથી.
બ્રાહ્મણ બનેલો ઇન્દ્ર તારા કુંડળ-કવચની યાચના કરે તો (તેને ગમે તેમ સમજાવીને)પણ તે તું એને આપીશ નહિ.
કેમ કે જન્મ સાથે આવેલાં તારાં કુંડળ (અને કવચ)થી તું સજ્જ છે ત્યાં સુધી રણમાં તને કોઈ શત્રુઓ મારી શકે તેમ નથી.તું જો આ કુંડળો (ને કવચ) આપી દઈશ તો તારું આયુષ્ય ક્ષીણ થશે ને તું મૃત્યુને આધીન થઈશ.માટે મારાં આ વચનો ધ્યાનમાં રાખ ને જીવન વહાલું હોય તો આ બંનેનું (કુંડળ-કવચનું) રક્ષણ કરજે'(20)
કર્ણ બોલ્યો-'હે ભગવન,પરમ સ્નેહથી આ પ્રમાણે કહેનારા ને બ્રાહ્મણ વેશ ધારણ કરનારા તમે કોણ છો?'
સૂર્ય બોલ્યા-'હું સૂર્ય છું,ને તને સ્નેહથી ફરીથી કહું છું કે તું મારા વચનુસાર કર,તેમાં જ તારું કલ્યાણ છે'
કર્ણ બોલ્યો-'તમે સમર્થ સૂર્ય ભગવાને મને આજે મારી હિતદ્રષ્ટિએ જે ઉપદેશ આપ્યો એ જ મારુ પ્રેમ શ્રેય છે.પરંતુ મારા વચન તમે સાંભળો.હું પ્રેમપૂર્વક આપની સ્તુતિ કરીને કહું છું કે-હું જો આપને પ્રિય હોઉં તો મને મારું
આ (દાન આપવાનું) વ્રત પાળતાં અટકાવશો નહિ.બ્રાહ્મણોને હું મારા પ્રાણ સુધ્ધાં આપી દઉં-એવા મારા વ્રતને આ લોક સમગ્રપણે જાણે છે,એટલે જો ઇન્દ્ર પાંડવોના હિતાર્થે મારી પાસે ભિક્ષા માગવા બ્રાહ્મણ બનીને આવશે,
અને જો કુંડળ-કવચની ભિક્ષા માગશે તો હું તેને તે આપીશ કેમ કે ત્રણે લોકમાં પ્રસિદ્ધ એવી મારી કીર્તિ તેથી નાશ પામશે નહિ.અપયશ આપનારું કર્મ કરીને પ્રાણરક્ષણ કરવું મારા જેવા માટે યોગ્ય નથી.
મને કીર્તિ મળશે અને ઇન્દ્રને અપયશ લાગશે.કીર્તિમાન મનુષ્ય જ સ્વર્ગ ભોગવે છે અને કીર્તિહીન નાશ પામે છે.
અકીર્તિ તો જીવતા મનુષ્યને પણ નિર્જીવ કરી નાખે છે,માટે કીર્તિ જ આયુષ્ય છે.આથી હું એ કવચ-કુંડળ આપીને અક્ષય કીર્તિ પ્રાપ્ત કરીશ.ને બ્રાહ્મણોને દાન આપતો રહીને સંગ્રામમાં શરીર હોમીને યશ જ પ્રાપ્ત કરીશ.
જીવનના ભોગે પણ મારે મારી કીર્તિનું રક્ષણ કરવું-એ મારુ વ્રત છે એમ તમે જાણો.આથી,હે દેવ,બ્રાહ્મણવેશે આવનાર તે ઇન્દ્રને હું આ અનુપમ ભિક્ષા આપીને આ લોકમાં પરમગતિને પ્રાપ્ત કરીશ (39)
અધ્યાય-૩૦૦-સમાપ્ત