Jul 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-562

 

અધ્યાય-૨૯૯-દ્યુમત્સેનને રાજ્યપ્રાપ્તિ 

II मार्कण्डेय उवाच II तस्यां रात्र्यां व्यतीतायामुदिते सूर्यमण्डले I कृतपौर्वाह्निकाः सर्वे समेपुस्ते तपोधनाः II १ II

માર્કંડેય બોલ્યા-તે રાત્રિ વીતી ગઈ ને જયારે સૂર્યમંડળ ઉદય પામ્યું,ત્યારે તપોધની ઋષિઓ પ્રાતઃકર્મો કરીને ભેગા થયા અને તે દ્યુમત્સેનને સાવિત્રીનું સર્વ મહાભાગ્ય ફરીફરી કહીને તૃપ્તિ પામ્યા નહિ.એવામાં શાલ્વદેશનું પ્રધાનમંડળ ત્યાં આવી પહોંચ્યું ને દ્યુમત્સેનને કહેવા લાગ્યું કે-તમારા તે શત્રુને,તમારા પ્રધાને જ તેના સહાયકો તથા બંધુઓ સાથે મારી નાખ્યો છે.શત્રુસેના ભાગી ગઈ છે,તેથી સર્વ પ્રજાજનો એક વિચાર પર આવ્યા છે કે તમે જ અમારા રાજા થાઓ.માટે

હે મહારાજ તમે પાછા પધારો અને તમારા બાપદાદાના રાજ્યાસને વિરાજો'

પછી,તે પ્રધાનમંડળ,દૃષ્ટિ પાછી આવેલા દ્યુમત્સેનને જોઈને ચકિત થયું ને સર્વેએ શિર ઢાળીને તેમને વંદન કર્યું.

રાજાએ પણ સર્વને સન્માન આપ્યું ને આશ્રમવાસી સર્વ વૃદ્ધ બ્રાહ્મણોને ને ઋષિઓને પ્રણામ કરીને નગર પ્રતિ

પ્રયાણ આદર્યું.તે વખતે શૈબ્યા,સાવિત્રી સાથે પાલખીમાં બેસીને સત્યવાન સાથે નગરમાં ગયા.

પછી,પુરોહિતોએ દ્યુમત્સેનનો રાજ્યાભિષેક કર્યો,ને સત્યવાનનો યુવરાજપદે અભિષેક કર્યો.

ત્યાર બાદ સમય થતા સાવિત્રીને શૂરવીર સો પુત્રો થયા.વળી,મદ્રાધિપતિ અશ્વપતિની પત્ની માલવીમાં 

પણ સો મહાબળવાન સાવિત્રીના સગા ભાઈઓ ઉત્પન્ન થયા.


હે યુધિષ્ઠિર,આ પ્રમાણે સાવિત્રીએ,પોતાનો,પિતાનો,સસરાનો ને કુળનો સર્વ સંકટોમાંથી ઉદ્ધાર કર્યો.

આ દ્રૌપદી પણ એવી જ શીલવતી ને કલ્યાણી છે ને સાવિત્રીની જેમ જ તમને સૌને તારશે (15)

વૈશંપાયન બોલ્યા-હે રાજન,આમ માર્કંડેયે યુધિષ્ઠિરને સાંત્વન આપ્યું એટલે પછી તે સંતાપથી મુક્ત થઈને કામ્યક 

વનમાં રહેવા લાગ્યા.જે આ સાવિત્રી આખ્યાન સંભળાશે તેના સર્વ મનોરથ સિદ્ધ થશે,ને દુઃખ આવશે નહિ (17)

અધ્યાય-૨૯૯-સમાપ્ત 

પતિવ્રતામાહાત્મ્ય પર્વ સમાપ્ત