Jun 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-560

 

યમ બોલ્યો-'તેં જે વચન કહ્યું તે મનને અનુકૂળ,જ્ઞાનીની બુદ્ધિને વધારનારૂ અને યુક્તિપુર:સર છે.

હે ભામિની,આ સત્યવાનના જીવન સિવાય,બીજું ગમે તે એક વરદાન માગી લે'

સાવિત્રી બોલી-'મારા સસરાને તેમનું છીનવી લીધેલું રાજ્ય પાછું મળે'

યમ બોલ્યો-'તથાસ્તુ.હે રાજપુત્રી,મેં તારો મનોરથ પૂરો કર્યો છે,હવે તું પાછી વળ,જેથી તને શ્રમ પડે નહિ'

સાવિત્રી બોલી-'તમે આ પ્રજાને શિક્ષા કરીને નિયમમાં રાખી છે અને તેનું નિયમન કરીને તમે એને કર્મનું ફળ 

આપો છો,આથી જ તમારું યમપણું પ્રસિદ્ધ છે.હું જે વચન કહું છું તે સાંભળો.મન,વચન ને કર્મથી કોઈ પણ 

પ્રાણીનો દ્રોહ કરવો નહિ ને સર્વને વિશે કૃપા રાખવી,સૌને દાન કરવી એ સત્પુરુષોનો સનાતન ધર્મ છે.

આ લોક મારા પતિની જેમ અલ્પાયુ છે ને મનુષ્યો મારી જેમ સામાન્ય રીતે શક્તિહીન છે,

પણ સત્પુરુષો તો શરણે આવેલા શત્રુઓ પર પણ દયા કરે છે (36)


યમ બોલ્યો-'તેં કહેલાં વચન તરસ્યા માણસને પાણીની જેમ ઠંડક આપે છે,

હે શુભા,આ સત્યવાનના જીવન સિવાયનું ત્રીજું જે કોઈ વરદાન તું ઇચ્છતી હોય તે માગી લે'

સાવિત્રી બોલી-'મારા પિતાને પુત્ર નથી તો તેમને તેમના કુળનો વિસ્તારનારા સો પુત્રો થાઓ'

યમ બોલ્યો-'તથાસ્તુ.હે નરપતિનંદિની,તારી ઈચ્છા મેં પુરી કરી હવે તું પછી વળ,તું માર્ગે દૂર સુધી આવી છે'

સાવિત્રી બોલી-'સ્વામીની સમીપમાં હોવાથી માર્ગ મને દૂર લાગતો જ નથી.હે પ્રભુ,તમે વિવસ્વાનના પ્રતાપી પુત્ર છો તેથી તમને વૈવસ્વત કહે છે,ને તમે ધર્મરાજ પણ કહેવાઓ છો.મનુષ્યને સત્પુરુષો પર અતિ વિશ્વાસ હોય છે,તેથી તેમની પ્રીતિ ઈચ્છે છે.પ્રાણીમાત્રને મૈત્રીભાવના થવાથી વિશ્વાસ જન્મે છે.સંતોમાં તો સુહૃદભાવ 

સ્વાભાવિક જ હોય છે,તેથી જ મનુષ્યો સાધુપુરુષ પર વિશ્વાસ રાખે છે.(43)


યમ બોલ્યો-'હે અંગના,તેં જેવા વચન કહ્યાં છે તેવાં મેં બીજા કોઈના મુખથી સાંભળ્યાં નથી.

હું પ્રસન્ન થયો છું,તો આ સત્યવાનના જીવન સિવાય,કોઈ ચોથું વરદાન તું માગી લે'

સાવિત્રી બોલી-'સત્યવાનથી મને બંને કુળનો ઉદ્ધાર કરે તેવા સો બળવાન ને શૌર્યવાન પુત્રો થાઓ'

યમ બોલ્યા-'તથાસ્તુ.હે અબળા,તું દૂર માર્ગ સુધી આવી છે તને પરિશ્રમ થાઓ નહિ,તું પાછી ફર'

સાવિત્રી બોલી-'સંતજનો સદૈવ શાશ્વત ધર્મવૃત્તિવાળા હોય છે,તેમનો સમાગમ નિષ્ફળ જતો નથી,સત્પુરુષોની કૃપા કદી નિષ્ફળ જતી નથી,કૃપા,ધન અને માન  એ સાધુ પુરુષમાં નિત્ય રહ્યાં છે.તેઓ રક્ષણ કરનારા છે'(50)


યમ બોલ્યો-'હે પતિવ્રતા,તું જર્મ જર્મ ધર્મયુક્ત,સુંદર ને મહાન અર્થવાળાં વચનો કહે છે 

તેમ તેમ મને તારે માટે ઉત્તમ ભક્તિ વધે છે આથી તું હવે અનુપમ વરદાન માગી લે (51)

સાવિત્રી બોલી-'હે માનદાતા,તમે મને (સત્યવાનથી) પુત્રફળની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપ્યું છે એટલે આ સત્યવાન જીવતા થાઓ.કેમ કે પતિ વિના તો હું મરેલી જ છું.સ્વામી વિના મને સુખની કામના નથી કે જીવવાની સ્પૃહા નથી.એકવાર તમે મને સો પુત્રોનું વરદાન આપ્યું,ને છતાં તમે મારા સ્વામીને ખેંચી જાઓ છો '


ત્યારે યમે કહ્યું-તથાસ્તુ.હે ભદ્રા,મેં તારા આ ભર્તાને મુક્ત કર્યો છે,તું એને લઇ જા,મારું વરદાન સિદ્ધ થશે.

સત્યવાન તારી સાથે ચારસો વર્ષનું આયુષ્ય ભોગવીને તારામાં સો પુત્રો ઉત્પન્ન કરશે.તે સર્વ ક્ષત્રિય રાજાઓ થશે,પુત્રો ને પૌત્રોવાળા થશે અને તારા નામથી (સાવિત્રીથી)આ લોકમાં વિખ્યાત થશે'(90)


આ પ્રમાણે સાવિત્રીને વરદાન આપી યમરાજ પોતાના ભવને પાછા ગયા.સાવિત્રી પોતાના પતિ પાસે પછી આવી ને તેનું માથું પોતાના ખોળામાં લઈને બેઠી.થોડી જ વારમાં સત્યવાનના શરીરમાં ચેતના આવી અને જાણે કોઈ પ્રવાસેથી પાછો આવ્યો હોય તેમ પ્રેમપૂર્વક સાવિત્રીને જોઈ રહ્યો ને પછી સાવિત્રીને કહેવા લાગ્યો કે-

'હું બહુ વાર સુઈ રહ્યો.તેં મને શા માટે ન જગાડ્યો?પેલો શ્યામ પુરુષ મને ખેંચી જતો હતો તે ક્યાં ગયો?' 

સાવિત્રી બોલી-હે સ્વામી,તે ભગવાન યમદેવ ચાલ્યા ગયા છે.તમે વિશ્રાંતિ લીધી છે ને હવે નિંદ્રામુક્ત થયા છો'


પછી,રાત વીતી ગઈ હતી,ને બહુ સમય વીતી ગયો હોવાને લીધે  માતપિતાને મળવાને ઉત્સુક થયેલો સત્યવાન,

પત્ની સાવિત્રી ને લઈને આશ્રમ જવા નીકળ્યો (111)

અધ્યાય-૨૯૭-સમાપ્ત