Jun 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-559

 

અધ્યાય-૨૯૭-યમ અને સાવિત્રીનો સંવાદ 


II मार्कण्डेय उवाच II अथ भार्यासहायः स फ़लान्यादाय वीर्यवान I कठिनं पूरयामास ततः काष्टान्यपाटयत II १ II

માર્કંડેય બોલ્યા-પછી,પત્નીના સાથવાળા તે વીર્યવાન સત્યવાને ફળો વીણીને ટોપલી ભરી અને પછી લાકડાં ચીરવા માંડ્યા.પરિશ્રમને કારણે તેને પરસેવો થઇ આવ્યો ને માથામાં વેદના થવા લાગી એટલે તે પત્ની પાસે જઈને કહેવા

લાગ્યો કે-'હે સાવિત્રી મારા માથામાં વેદના થાય છે ને મારા હૃદયમાં ને મારા ગાત્રોમાં દાહ થાય છે.

મને ઠીક લાગતું નથી,હું સુઈ જવા ઈચ્છું છું,મારામાં ઉભા રહેવાની પણ શક્તિ નથી'

ત્યારે,જમીન પર બેસીને સાવિત્રીએ એનું માથું પોતાના ખોળામાં મૂક્યું ને તે સમયે નારદજીના વચનને વિચારી મુહૂર્ત,ક્ષણ વેળાનો મેળ મેળવવા લાગી.ત્યાં તો તેણે રાતાં વસ્ત્ર પહેરેલો એક પુરુષ જોયો,તેનો વર્ણ કાળો,ને આંખો લાલ હતી,તેના હાથમાં પાશ હતો ને તે ભયંકર જણાતો હતો.તે સત્યવાનને જ જોયા કરતો હતો.તેને જોઈને સાવિત્રી,પોતાના સ્વામીના માથાને હળવેથી જમીન પર મૂકીને ઉભી થઈને બે હાથ જોડીને કંપતા હૃદયથી તેને પૂછ્યું કે-'હું તમને કોઈ દેવતા જાણું છું,કેમ કે તમારું શરીર અમાનુષી છે,તમે કોણ છો? ને શું ઈચ્છો છો?'(11)


યમ બોલ્યો-'હે સાવિત્રી,તું પતિવ્રતા ને તપસ્વીની છે એટલે હું તારી સાથે બોલું છું,તું મને યમ જાણ,તારા સ્વામીનું આયુષ્ય પૂરું થઇ ગયું છે એટલે તેને હું બાંધીને લઇ જવા માટે આવ્યો છું,એમ તું જાણ'

સાવિત્રી-'હે ભગવન.સાંભળ્યું છે કે માણસોને લેવા તો તમારા દૂતો આવે છે તો પ્રભુ આપ પોતે કેમ આવ્યા?'

યમ બોલ્યો-'આ સત્યવાન ધર્મયુક્ત છે,દૂતોને લઈ જવા યોગ્ય નથી એટલે હું પોતે જ તેને લેવા આવ્યો છું'

આમ કહીનેતે યમે સત્યવાનના શરીરમાંથી પાશે બાંધેલો અને વશ કરેલો અંગુઠા જેવડો પુરુષ બળપૂર્વક ખેંચી કાઢ્યો.ને આમ પ્રાણ ખેંચાઈ જવાથી સત્યવાનનું શરીર ચેષ્ટાશૂન્ય થઇ લાકડા જેવું થયું. 

પછી,યમ તો તે જીવને બાંધીને દક્ષિણ દિશામાં ચાલવા લાગ્યો એટલે સાવિત્રી તેની પાછળ જવા લાગી.(19)


યમ બોલ્યો-'હે સાવિત્રી,તું પાછી વળ,તું સ્વામી પ્રત્યેના ઋણમાંથી મુક્ત થઇ છે,તું તેની ઉત્તરક્રિયા કર'

સાવિત્રી બોલી-'જ્યાં મારા પતિને લઇ જવામાં આવે અથવા તે પોતે જ્યાં જાય ત્યાં મારે જવું જ જોઈએ,તે સનાતન ધર્મ છે.તત્વદર્શી પંડિતો કહે છે કે સાત પગલાં સાથે ચાલવાથી મૈત્રી થાય છે તો,એ મિત્રતાને લીધે હું કહું છું તે તમે સાંભળો.જિતેન્દ્રિય મનુષ્યો તો ધર્મનું જ સેવન કરે છે.સંતો ધર્મને જ પ્રધાન કહે છે.સંતોના મત પ્રમાણે 

ચાર આશ્રમના એકાદ આશ્રમનું પણ સારી રીતે અનુષ્ઠાન કર્યું હોય તો સર્વ આશ્રમના ધર્મો તેને તે માર્ગે આવી મળે છે,માટે બીજા ધર્મની ઈચ્છા કરવી નહિ પણ પોતાના ઉચિત એવા ધર્મનો જ આશ્રય કરવો.અમે ગૃહસ્થાધર્મનું પાલન કરીએ છીએ,માટે મારા પતિને હરીને તમે અમારા બંનેના ધર્મનો નાશ કરો નહિ' (25)


યમ બોલ્યો-'સ્વર,અક્ષર,વ્યંજન અને હેતુથી યુક્ત તારી વાણી સાંભળી હું પ્રસન્ન થયો છું,

આ સત્યવાનના જીવન સિવાય તું બીજું કોઈ ઈચ્છીત વરદાન માગી લે,ને પાછી ફર'

સાવિત્રી બોલી-'મારા સસરા અંધ થવાથી રાજ્યભ્રષ્ટ થયા છે,તેઓ તેમને દ્રષ્ટિ પાછી આપો'

યમ બોલ્યો-'તે માગ્યું એમ જ થશે,મારું વરદાન છે હવે તને ચાલવાથી શ્રમ થયો હશે એટલે તું પાછી વળ'

સાવિત્રી બોલી-'સ્વામીની સમીપમાં મને શ્રમ ક્યાંથી હોય? કેમ કે જ્યાં મારા સ્વામી ત્યાં હું.તમે મારા પતિને જ્યાં લઇ જશો ત્યાં હું આવીશ જ.હવે મારુ આટલું વચન સાંભળો.સજ્જનોનો સમાગમ એક વેળા થાય તો પણ એ પરમ ભાગ્ય છે,વળી જો એ મિત્ર થાય તો તેનાથી પણ ચડિયાતું ભાગ્ય છે સત્પુરુષોનો સમાગમ નિષ્ફળ જતો નથી તેથી સદૈવ સત્પુરુષોના સહવાસમાં રહેવું જોઈએ,એવો સંતોનો નિશ્ચય છે' (30)