Jun 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-558

 

અધ્યાય-૨૯૬-સાવિત્રીનું વ્રત અને પતિ સાથે વનગમન 

II मार्कण्डेय उवाच II ततः काले बहुतिथे व्यतिक्रान्ते कदाचन I प्राप्तः स कालो मर्तव्यं यत्र सत्यवता नृप II १ II

માર્કંડેય બોલ્યા-હે રાજા,આમ,ઘણો સમય વીતી ગયો ને સત્યવાનના મરણનો સમય આવી પહોંચ્યો.સાવિત્રી એક એક દિવસ જતાં,બાકી રહેલા દિવસની ગણતરી રાખ્યા કરતી હતી.પછી,'આજથી ચોથે દહાડે સત્યવાનનું અવસાન છે'

એમ વિચારીને એ ભક્તિસંપન્ન સાવિત્રી ત્રિરાત્રવ્રત કરીને રાતદિવસ વ્રતનિષ્ઠ રહી.

સાવિત્રીના આ નિયમવ્રત વિશે સાંભળીને દ્યુમત્સેનને અત્યંત દુઃખ થયું ને તેણે સાવિત્રીને કહ્યું કે-

'તેં આ અતિ તીવ્ર વ્રતનો આરંભ કર્યો છે,પણ ત્રણ દિવસ સુધી અનશન રાખવું અતિ કઠિન છે'

સાવિત્રી બોલી-'હે તાત,તમે આ સંબંધમાં સંતાપ કરશો નહિ,હું વ્રતને પાર ઉતરીશ,

કેમ કે મેં દૃઢ નિશ્ચયપૂર્વક આ વ્રત આરંભ્યું છે,અને દૃઢ નિશ્ચય જ કાર્યસિદ્ધિનું કારણ છે'

માર્કંડેય બોલ્યા-'પછી 'સ્વામીનું આવતી કાલે મરણ થશે'એમ વિચારતી સાવિત્રીની આગલી રાત્રિ દુઃખમાં વીતી.

સવારે સૂર્ય ચાર હાથ ઊંચો આવ્યો ત્યારે તેણે પ્રદીપ્ત હુતાશનમાં હોમ કર્યો ને પછી બ્રાહ્મણો ને સાસુ સસરાને બે હાથ જોડી ઉભી રહી ત્યારે સર્વેએ અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપ્યા.સાવિત્રીએ કહ્યું- 'એમ જ હો'

ને એ આશીર્વચનોને મનથી સ્વીકારી,નારદજીના વચનનો વિચાર કરીને સમયની રાહ જોવા લાગી.

સાસુ સસરાએ તેને ભોજન લેવાનું કહ્યું પણ તેણે કહ્યું કે-'સૂર્ય અસ્ત પામ્યા પછી મારી કામના પુરી થાય 

પછી મારે ભોજન કરવું એવો મેં મારા હૃદયમાં વિચાર ને નિર્ણય કર્યો છે'


તે વખતે જ સત્યવાન ખાંધ પર કુહાડી મૂકીને વનમાં જવા નીકળ્યો.ત્યારે સાવિત્રીએ તેને કહ્યું કે-

'તમે આજ એકલા જશો નહિ,હું તમારી સાથે આવીશ,હું આજ તમને એકલા મુકવાની હામ નહિ જ કરું.'

સત્યવાન બોલ્યો-'વનના મારગ અતિ આકરા છે,ને આજે ઉપવાસથી તું શિથિલ થઈ છે,તું કેમ ચાલી શકીશ?'

છતાં,સાવિત્રી માની નહિ,એટલે સત્યવાને માતપિતાની આજ્ઞા લઇ આવવાનું કહ્યું,ત્યારે સાવિત્રી આજ્ઞા લઈને આવી

અને સ્વામી સાથે વનમાં જવા નીકળી.રસ્તામાં તે પતિની સર્વ અવસ્થાઓ ધ્યાનપૂર્વક જોયા કરતી હતી,

નારદમુનિના વચન સાંભળીને તે હૃદયના બે ભાગ કરીને એક ભાગથી જાણે મૃત્યુ કાળને તાકી રહી હતી તો 

બીજા ભાગથી તે સ્વામીની પાછળ ચાલી રહી હતી (33)

 અધ્યાય-૨૯૬-સમાપ્ત