અધ્યાય-૨૯૫-સાવિત્રીનાં લગ્ન
II मार्कण्डेय उवाच II अथ कन्या प्रदाने स तमेवार्थ विचिंतयन I समानिन्ये च तत्सर्व भांडं वैवाहिकं नृपः II १ II
માર્કંડેય બોલ્યા-પછી,રાજા અશ્વપતિ,કન્યાદાન સંબંધમાં વિચાર કરીને વિવાહ અંગેની સામગ્રીઓ એકઠીકરવા લાગ્યો.પછી એક પુણ્યદિવસે તે દ્વિજો,ઋત્વિજો,પુરોહિતો ને પુત્રી સાથે વનમાં દ્યુમત્સેનના આશ્રમે જવા નીકળ્યો.
ત્યાં પહોંચી તેણે તે રાજર્ષિની યથાયોગ્ય પૂજા કરીને પોતાની ઓળખાણ આપી તેમને કહ્યું કે-
'હે રાજર્ષિ,આ સાવિત્રી નામની મારી કન્યાને આપ તમારી પુત્રવધુ તરીકે સ્વીકારો.મૈત્રીપૂર્વક હું તમને પ્રણામ કરું છું,
તમે મને ના પાડશો નહિ.તમે મારે માટે ને હું તમારા માટે યોગ્ય ને અનુરૂપ છીએ.માટે મારી પુત્રીને સ્વીકારો'
દ્યુમત્સેન બોલ્યો-'હે રાજન,અમે રાજ્યથી ભ્રષ્ટ થઈને આ વનવાસે રહ્યા છીએ.વનવાસને અયોગ્ય એવી આ તમારી પુત્રી,આ કષ્ટદાયક આશ્રમમાં કેવી રીતે રહેશે? એ જ મને પ્રશ્ન હતો.જો કે આ સંબંધ બાંધવાની મને પહેલાંથી જ અભિલાષા હતી.વળી તમે આજે મારા અતિથિ છો,તો તમારી કામના પણ પૂર્ણ થાઓ' આમ બંને રાજાઓની સંમતિથી,સત્યવાન અને સાવિત્રીનું લગ્ન થયું ને પુત્રીનું કન્યાદાન આપી રાજા ત્યાંથી ગયો.
સત્યવાન અને સાવિત્રી,એકબીજાને પામીને પરમ આનંદ પામ્યાં.સાવિત્રીએ પોતાનાં સર્વ આભૂષણો અળગાં કરીને વલ્કલ ને ગેરુઆ રંગના કપડાં પહેર્યા ને પછી સંયમિત થઈને પતિ અને સાસુ-સસરાની સેવા કરી તેમને પ્રસન્ન કરવા લાગી.ને તેમ કેટલોક સમય ચાલ્યો ગયો.પણ,રાતદિવસ તે સાવિત્રીને નારદજીનું વચન મનમાં ઘોળાયા જ કરતુ હતું (23)
અધ્યાય-૨૯૫-સમાપ્ત