Jun 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-555

પતિવ્રતામાહાત્મ્ય પર્વ 

અધ્યાય-૨૯૩-સાવિત્રી ચરિત્ર 


II युधिष्ठिर उवाच II नाSSत्मानमनुशोचामि नेमान भ्रातृन्महामुने I हरणं चापि राज्यस्य यथेमां द्रुपदात्मजाम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહામુનિ,મને આ દ્રુપદનંદિનીને માટે જેટલો શોક થાય છે તેટલો નથી મારી જાતનો,

ભાઈઓનો કે ચાલી ગયેલા રાજ્યનો થતો.ધૃતરાષ્ટ્ર પુત્રે અમને જુગારમાં કષ્ટ આપ્યું 

ત્યારે દ્રૌપદીએ જ અમને તારી લીધા હતા.વળી,જયદ્રથે તેનું હરણ કર્યું તેનો તો અધિક શોક છે.

દ્રૌપદી જેવી સ્ત્રી પૂર્વે તમે સાંભળી કે જોઈ છે ખરી? (3)

માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ટિર,કુળવાન રાજકન્યા સાવિત્રીનું ચરિત્ર તમે સાંભળો.મદ્રદેશમાં અશ્વપતિ નામનો એક પરમધાર્મિક રાજા હતો.તે રાજાને વય થઇ જવા છતાં કોઈ સંતતિ નહોતી તેથી તે સંતાપ કર્યા કરતો હતો.

સંતાન માટે તેણે સાવિત્રી મંત્રથી એક લાખ હવન કર્યા પછી,તે આઠ ભાગવાળા દિવસના છઠ્ઠે છઠ્ઠે ભાગે માપસર

ભોજન લેતો.આમ અઢાર વર્ષ થયાં,ત્યારે સાવિત્રી દેવી તેના પર પ્રસન્ન થયાં,ને સાક્ષાત દર્શન આપી બોલ્યાં-

'હે રાજા,તારી ભક્તિથી હું સંતુષ્ટ થઇ છું.તો મનમાં આવે તે વરદાન માગી લે' (13)


અશ્વપતિ બોલ્યો-હે દેવી,સંતાનપ્રાપ્તિ અર્થે મેં ધર્મની ઈચ્છાથી આ તપ કર્યું છે,મને અનેક કુલતારક 

પુત્રો થાય એવું હું વરદાન માગું છું કેમ કે બ્રાહ્મણો કહે છે કે સંતાન એ જ પરમધર્મ છે.

સાવિત્રી બોલ્યાં-'તારો આ વિચાર પહેલેથી જ જાણીને મેં બ્રહ્માને,તને પુત્રપ્રાપ્તિ થાય તે અર્થે કહ્યું હતું,તેમની કૃપાથી

તને તેજસ્વીની કન્યા ટૂંક સમયમાં થશે.તારે આ સંબંધમાં કશો પણ ઉત્તર આપવાનો નથી'


માર્કંડેય બોલ્યા-પછી,થોડો સમય વીતતાં,રાજાની જ્યેષ્ઠ મહારાણીએ કમળ જેવાં નયનવાળી એક સુંદર કન્યાને જન્મ આપ્યો.સાવિત્રીમંત્રથી હવન કર્યા પછી સાવિત્રી દેવીની કૃપાથી થયેલી આ પુત્રીનું નામ સાવિત્રી પાડ્યું.

યૌવનમાં આવેલી દેદીપ્યમાન સાવિત્રીના તેજથી ઝંખવાઈને કોઈએ તેનું માગું કર્યું નહિ,ત્યારે રાજા અત્યંત દુઃખી થયો અને તેણે પુત્રીને કહ્યું કે-'હે પુત્રી,તારા લગ્નનો સમય થઇ ગયો છે પણ તારું માગું આવતું નથી,તો તું પોતે જ તારા માટે

કોઈ ગુણવાન વરને શોધી લે.તું જેને પસંદ કરે તેની મને જાણ કરજે એટલે હું તેની સાથે તને પરણાવીશ 


રાજાએ,પુત્રીને આ પ્રમાણે કહીને વૃદ્ધ મંત્રીઓને,તેની સાથે જવાની આજ્ઞા આપી.પિતાની આજ્ઞા સમજીને 

સાવિત્રીએ પિતાના ચરણમાં વંદન કરીને વૃદ્ધ મંત્રીઓ સાથે સુવર્ણના રથમાં બેસીને રાજર્ષિઓના રમણીય

તપોવનમાં ગઈ.પછી,તીર્થોમાં,દ્વિજોને ધનદાન આપતી આપતી તે જુદા જુદા દેશોમાં વિચરી (41)

અધ્યાય-૨૯૩-સમાપ્ત