Jun 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-554

 

અધ્યાય-૨૯૧-સીતા શુદ્ધિ અને રામનો રાજ્યાભિષેક 


II मार्कण्डेय उवाच II स हत्वा रावणं क्षद्रं राक्षसेन्द्रं सुरद्विपं I वभूव हृष्टः ससुह्रुदामः सौमित्रिणा सह II १ II

માર્કંડેય બોલ્યા-દેવોના શત્રુ તે નીચ રાક્ષસરાજ રાવણને મારીને રામચંદ્ર સ્નેહીઓ તથા લક્ષ્મણ સાથે આનંદ પામ્યા.દશમુખ રાવણ હણાયો,ત્યારે દેવોએ તથા ઋષિવરોએ જયયુક્ત આશીર્વાદ આપી મહાબાહુ રામનું સન્માન કર્યું.દેવો અને ગંધર્વોએ શ્રીરામની સ્તુતિ કરી ને પુષ્પવર્ષા કરી.આમ,રાવણને હણ્યા પછી,વિભીષણને લંકા આપી.પછી,વૃદ્ધ અવિંદ્ય અને વિભીષણે સન્માનેલાં સીતાજીને,શ્રીરામની આગળ લાવી કહ્યું કે-'હે મહાત્મન,

આ સદાચાર વાળાં દેવી જાનકીજીનો સ્વીકાર કરો' ત્યારે શ્રીરામે આંસુભર્યા નેત્રવાળા સીતાજીને જોયા. (8)

રથમાં બેઠેલાં સીતાજી શોકથી સુકાઈ ગયાં હતાં,તેમના સર્વ અંગ પર મેલના થર જામ્યા હતા,તેમનું વસ્ત્ર શ્યામ પડી ગયું હતું,ને માથાના વાળ ગૂંચાઈ ગયા હતા.(9)શ્રીરામના મનમાં સંદેહ થયો કે-સંભવ છે કે સીતા પરપુરુષના સ્પર્શથી અપવિત્ર થઇ હોય'તેથી તેમણે સીતાને કહ્યું કે-હે વૈદેહી,મેં તને રાવણ પાસેથી છોડાવીને મારુ કાર્ય પૂરું કર્યું છે હવે તું મુક્ત છે (10) મને પતિ તરીકે પામ્યા પછી,તારે રાક્ષસને ઘેર ઘડપણ ગાળવું પડે નહિ,એ માટે મેં તે નિશાચરનો વધ કર્યો છે (11) ધર્મનો સિદ્ધાંત જાણનાર,કોઈ પણ પુરુષ બીજાના હાથમાં પડેલી નારીને એક મુહૂર્ત પણ કેમ રાખી શકે? (12) હે મૈથિલી,તારો આચાર-વિચાર શુદ્ધ રહ્યો હોય કે અશુદ્ધ.પણ જેમ,કૂતરાએ ચાટેલું 

હવિ કોઈ પણ ગ્રહણ કરતુ નથી,તેમ તને (સામાજિક દર્ષ્ટિથી?) ગ્રહણ કરી શકાય નહિ (13)

શ્રીરામનાં આવાં દારુણ વચન સાંભળતા જ સીતાજી એકાએક જમીન પર ઢળી પડ્યાં.વળી.લક્ષ્મણ 

અને સર્વ વાનરોના જીવ પણ જાણે ઉડી ગયા અને તેઓ સર્વ જડ જેવા બની ગયા (16)


(નોંધ-આ સોળમા શ્લોક પછી,લેલે શાસ્ત્રીની મૂળ પ્રત પ્રમાણે સાત શ્લોકો વધારાના ઉમેરેલા છે જેનું ભાષાંતર-

'શ્રીરામે કહેલા વચન સીતાથી સહન થયા નહિ,તેથી તેમણે લક્ષ્મણને કહ્યું કે-'મારા માટે સત્વરે અગ્નિ પ્રજ્વલિત કરો કારણકે મારી પવિત્રતાના સંબંધમાં સર્વલોકોને પણ ખાતરી થવી જ જોઈએ' ત્યારે સીતાની વાતમાં રામની સંમતિ છે,એમ જાણીને લક્ષ્મણે,અગ્નિ પ્રજ્વલિત કર્યો ને રામની પાસે જઈ મૌન ધારણ કરીને ઉભો રહ્યો.તે પછી સીતાજીએ,શ્રીરામની અને સર્વની પ્રદિક્ષણા કરી,

દેવતાઓને પ્રણામ કરીને અગ્નિ પાસે જઈને બે હાથ જોડીને બોલ્યાં કે-'જો મારુ અંતઃકરણ નિરંતર રામને છોડીને બીજી તરફ ગયું ન હોય તો આપ મારુ રક્ષણ કરો'આમ કહીને સીતાજીએ અગ્નિની પ્રદિક્ષણ કરીને નિર્મલ હૃદયથી અગ્નિમાં પ્રવેશ કર્યો(17-23)


ત્યારે બ્રહ્મા,ઇન્દ્ર,અગ્નિ,વાયુ,યમ,વરુણ,કુબેર,દશરથ વગેરે વિમાનમાં બેસીને ત્યાં આવ્યા.સીતાજીએ તે સર્વની સમક્ષ શ્રીરામને કહ્યું કે-'હે રાજપુત્ર,હું તમારો દોષ કાઢતી નથી.તમે સ્ત્રીઓ ને પુરુષોની ગતિ જાણો જ છો,પણ તમે મારાં  આ વચન સાંભળો.મેં જો પાપ કર્યું હોય તો આ અગ્નિ,જળ,આકાશ,પૃથ્વી અને વાયુ એ પંચમહાભૂતો મારા પ્રાણને અળગા કરી દો.મેં સ્વપ્નમાં પણ તમારા સિવાય બીજા કોઈનું ચિંતન કર્યું નથી,તો દેવે દીધેલા તમે જ મારા પતિ થાઓ' ત્યારે સર્વને સમજાય તેવી આકાશવાણી થવા લાગી.(26)


વાયુદેવ બોલ્યા-હે રઘુવંશી રામ,મૈથિલી નિષ્પાપ છે માટે તમે તમારી ભાર્યાનો સ્વીકાર કરો'

અગ્નિદેવ બોલ્યા-'મિથિલેશ નંદિની સીતાએ રજ સરખો પણ અપરાધ કર્યો નથી'

વરુણદેવ બોલ્યા-'હું તમને કહું છું કે-તમે મૈથિલીનો સ્વીકાર કરો'

બ્રહ્મા બોલ્યા-હે પુત્ર,તું રાજર્ષિનો ધર્મ આચરે છે એટલે તારા આ વર્તન વિશે આશ્ચર્ય જેવું નથી.હે વીર,

દેવો-આદિના શત્રુનો તેં નાશ કર્યો છે.એ દુરાત્માએ પોતાના મરણ માટે જ સીતાનું અપહરણ કર્યું હતું.

નલકુબેરના શાપ વડે મેં સીતાની રક્ષા કરાવી છે.રાવણને શાપ હતો કે-તે જો કોઈ કામેચ્છારહિત પરસ્ત્રીને 

સેવવા જશે તો તેના માથાના સેંકડો ટુકડા થઇ જશે.માટે હે કાંતિમાન,તું આ સંબંધમાં શંકા કરીશ નહિ,

તું સીતાનો સ્વીકાર કર.તેં દેવોનું મહાન કાર્ય કર્યું છે (35)

દશરથ બોલ્યા-હે વત્સ,હું તારો પિતા છું.હું તારા પર પ્રસન્ન થયો છું.હું તને આજ્ઞા આપું છું કે 

સીતાનો સ્વીકાર કર,ને તારો વનવાસ પૂરો થયો છે તેથી તું  અયોધ્યા જઈ રાજ્યશાસન કર'(36)


ત્યારે,શ્રીરામે સર્વને નમસ્કાર કરીને,સીતાજીનો સ્વીકાર કર્યો.ને અવિંદ્ય તથા ત્રિજટાને માન અને ધનથી સંતુષ્ટ કર્યા.પછી,બ્રહ્માએ,શ્રીરામને વરદાન માગવાનું કહ્યું ત્યારે રામે,રાક્ષસોએ મરેલા વાનરોનું પુનર્જીવન માગ્યું.

બ્રહ્માએ 'તથાસ્તુઃ' કહ્યું એટલે તે સર્વ મરેલા વાનરો જીવિત થયા.ત્યાર બાદ સર્વ દેવો પોતપોતાને સ્થાને પાછા ગયા.એટલે શ્રીરામ સીતાની અને લક્ષ્મણની સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પરત થયા.

કુલગુરુ વસિષ્ઠે તેમનો રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો.શ્રીરામે રામરાજ્ય સ્થાપ્યું.ને દશ અશ્વમેઘ યજ્ઞ કર્યા (70)

અધ્યાય-૨૯૧-સમાપ્ત 


અધ્યાય-૨૯૨-માર્કંડેયે યુધિષ્ઠિરને આશ્વાસન આપ્યું 


II मार्कण्डेय उवाच II एवमेतन्महाबहो रामेणामिततेजसा I प्राप्तं व्यसनमत्युघ्रं वनवासकृतं पुरा II १ II

માર્કંડેય બોલ્યા-'આમ હે મહાબાહુ,પૂર્વે અમાપ તેજસ્વી રામને પણ વનવાસને લીધે અતિ ઉગ્ર દુઃખ ભોગવવું પડ્યું હતું.તમે શોક કરશો નહિ.તમે તો ક્ષત્રિય છો અને ક્ષત્રિય માર્ગનું અવલંબન કરો છો.તમારામાં પરમાણુ જેટલું પણ કોઈ પાપ નથી,દેવો પણ તમારા માર્ગે જઈ શકે તેમ નથી.ભીમ,અર્જુન,નકુલ ને સહદેવ જેવા વીર ભાઈઓ તમારા સહાયક છે તો તમારે શો ખેદ કરવાનો હોય? ઇન્દ્રની સેનાને પણ જીતી શકે તેવા તમારા ભાઈઓથી તમે રણમાં સર્વ શત્રુઓને જીતી લેશો.તમે જુઓ.જયદ્રથને હરાવીને તમારા ભાઈઓ દ્રૌપદીને પાછી લઈ આવ્યા હતા.

જયારે શ્રીરામ વાનરો ને રીંછોની સહાયતાથી રાવણની સેનાને ને રાવણને હરાવીને સીતાને પાછી લાવ્યા હતા.

હે પરંતપ,તમારે શોક કરવો જોઈએ નહિ,તમારા જેવા મહાત્માઓ શોક કરે જ નહિ'

વૈશંપાયન બોલ્યા-આમ માર્કંડેયે યુધિષ્ઠિરને આશ્વાસન આપ્યું,એટલે યુધિષ્ઠિરે દુઃખને અળગું કર્યું (14)

અધ્યાય-૨૯૨-સમાપ્ત 

રામોપાખ્યાન પર્વ સમાપ્ત