Jun 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-553

 

અધ્યાય-૨૯૦-રાવણનો વધ 


II मार्कण्डेय उवाच II ततः क्रुद्धो दशग्रीवः प्रिये पुत्रे निपापिते I निर्ययौ रथमास्थाय हेमरत्नविभूषितम II १ II

માર્કંડેય બોલ્યા-પછી,પોતાના પ્રિય પુત્રનો વધ થવાથી ક્રોધે ભરાયેલા દશમુખ રાવણે સુવર્ણ અને રત્નોથી વિભૂષિત

રથમાં બેસીને રણપ્રયાણ કર્યું.વિવિધ હથિયારોથી સજ્જ ભયંકર રાક્ષસોથી વીંટાઇને તે રામની સામે ધસ્યો.

ક્રોધિત રાવણને આવતો જોઈને નીલ,નલ,અંગદ,હનુમાન,જાંબવાન-આદિએ સેના સાથે રહીને તેને ચારે બાજુથી

ઘેરી લીધો.ત્યારે રાવણે માયા પ્રકટાવી ને ત્યારે તેના દેહમાંથી હજારો રાક્ષસોને નીકળતા જોવામાં આવ્યા.શ્રીરામે

તે સર્વ રાક્ષસોને દિવ્ય અસ્ત્રથી મારી નાખ્યા.એટલે રાવણે ફરીથી માયા રચીને રામ અને લક્ષ્મણનાં

અનેક રૂપ ધારણ કર્યા ને રામ લક્ષ્મણ સામે ધસારો કર્યો.

ત્યારે લક્ષ્મણે,રાવણની આ માયા જોઈને જરાયે ગભરાયા વિના શ્રીરામને મોટેથી કહ્યું કે-'આપણા જેવાં રૂપવાળા

આ પાપી મનના રાક્ષસોને તમે દયા રાખ્યા વિના હણી નાખો' એટલે રામે તે સર્વને હણી નાખ્યા.

શ્રીરામને રથ વિના જ લડતા જોઈને ઇન્દ્રે પોતાના સારથી માતલિને 'હરિ'નામના અશ્વો જોડેલા રથને લઇ શ્રીરામ

પાસે જવાની આજ્ઞા કરી,એટલે તે માતલિ,શ્રીરામ પાસે રથ લઈને આવી પહોચી,શ્રીરામને કહેવા લાગ્યો કે-

'હે શ્રીરામ,હરિ નામના અશ્વો જોડેલો આ ઇન્દ્રનો રથ છે,આ રથ વડે ઇન્દ્રે સેંકડો દૈત્યો ને દાનવોને હણ્યા છે,

તો તમે પણ આ રથમાં બેસીને રાવણનો તત્કાળ નાશ કરો,વાર લગાડો નહિ'


ત્યારે શ્રીરામે 'તથાસ્તુઃ' કહી રથમાં બેસીને રાવણ પર ધસારો કર્યો.ત્યારે પ્રાણીમાત્રમાં હાહાકાર થઇ ગયો.

રામ અને રાવણ વચ્ચે એવું મહાન યુદ્ધ થયું કે તે યુદ્ધને બીજી કોઈ ઉપમા જ આપી શકાય નહિ.

રાવણે રામની ઉપર ઇન્દ્રના વજ્ર જેવું મહાભયંકર ત્રિશુલ ફેંક્યું,જેને શ્રીરામે પોતાના તીક્ષ્ણ બાણોથી કાપી નાખ્યું.

એટલે રાવણે ક્રોધે ભરાઈને વિવિધ અસ્ત્રોથી શ્રીરામ પર પ્રહાર કર્યો.પણ તે સર્વ અસ્ત્રો નિષ્ફળ નીવડ્યાં.

છેવટે શ્રીરામે,બ્રહ્માસ્ત્રથી રાવણ પર પ્રહાર કર્યો કે જેની અગ્નિજવાળામાં તે રાક્ષસરાજ રાવણ,પોતાના રથ,ઘોડા

ને સારથી સાથે બાળીને ખાખ થઇ ગયો.આમ તે રાવણ બ્રહ્માસ્ત્રના તેજથી સર્વલોકથી ભ્રષ્ટ થયો.(33)

અધ્યાય-૨૯૦-સમાપ્ત