અધ્યાય-૨૮૯-ઇંદ્રજીતનો વધ
II मार्कण्डेय उवाच II तावुभौ पतितौ द्रष्ट्वा भ्रातरो रामलक्ष्मणौ I वबन्ध रावणिर्भुयः शरैर्दत्तवरैस्तदा II १ II
માર્કંડેય બોલ્યા-રામ અને લક્ષ્મણ એ બે ભાઈને પડેલા જોઈને,રાવણસુત ઇન્દ્રજિતે,દેવોનાં વરદાન પામેલાં બાણો વડે તેમને ચારે બાજુથી બાંધી દીધા.ત્યારે,સુગ્રીવ,સુષેણ,અંગદ,હનુમાન,નીલ આદિ સર્વ વાનરો તેમની આસપાસ આવીને તેમને વીંટીને ઉભા રહ્યા.ત્યાં વિભીષણે આવીને તે બંને વીરોને પ્રજ્ઞાસ્ત્રથી સચેત કર્યા.સુગ્રીવે પણ દિવ્ય મંત્રોથી મંત્રેલી વિશલ્યા નામની મહાઔષધિથી તેમને એક ક્ષણમાં ઘાવરહિત કરી દીધા.શુદ્ધિમાં આવતાં તે બંને એક ક્ષણમાં જ ઉભા થઇ ગયા.ત્યારે વિભીષણે હાથ જોડીને રામને કહ્યું કે-
'હે શત્રુનાશન,કુબેરની આજ્ઞાથી એક ગુહ્યક શ્વેતગિરિએથી આ જળ લઈને તમારી પાસે આવ્યો છે.છુપાઈ ગયેલા પ્રાણીઓને જોવા માટે કુબેરે તમને આ જળ મોકલાવ્યું છે.આ જળ વડે આંખો ધોવાથી તમે અદૃશ્ય થયેલાઓને જોઈ શકશો.વળી,તમે જેને પણ આ જળ આપશો તે પણ આ પ્રમાણે જ કોઈ શકશે' જયારે,શ્રીરામ,લક્ષ્મણ,
સુગ્રીવ અને સર્વ વાનરશ્રેષ્ઠોએ એ જળથી પોતાના નેત્રોને નિર્મલ કર્યા ત્યારે તેમને સૌને અદૃશ્ય ચીજો દેખાવા લાગી.ઇંદ્રજીતને ફરીથી ધસી આવતો જોઈ,વિભીષણની પ્રેરણાથી લક્ષ્મણે તેની સામે યુદ્ધ આદર્યું.
લક્ષ્મણના બાણોથી ઘાયલ થઈને ક્રોધથી ઇન્દ્રજિતે,લક્ષ્મણ પર ઝેરી સાપ જેવા આઠ બાણો છોડ્યાં.
ત્યારે,લક્ષ્મણે,તેના તે બાણોને કાપીને,બીજા બે બાણોથી ઇંદ્રજીતના બે હાથને કાપી નાખ્યા,ને ત્રીજા તેજસ્વી બાણથી તેના માથાને ઉડાવી દીધું,પછી,અસંખ્ય બાણોથી તેના શરીરને વીંધી નાખ્યું.
આમ,ઇંદ્રજીતના વધના સમાચાર સાંભળીને રાવણનું મન કોપથી ભમી ગયું ને શોક-મોહથી આતુર થયેલો
તે સીતાનો વધ કરવા તત્પર થયો,ને તલવાર લઈને અશોકવાટિકામાં સીતા પાસે દોડી ગયો.
તે દુર્બુદ્ધિનો પાપી નિશ્ચય જાણીને,અવિંદ્ય રાક્ષસે તેને શાંત પાડીને કહ્યું કે-'તમારે સ્ત્રીને મારવી જોઈએ નહિ.
આ સ્ત્રી તો તમારા બંધનમાં પડી ત્યારથી હણાઈ જ ચુકી છે.તમે તેના પતિને હણો,તેનો નાશ એ જ આનો નાશ છે
ઇન્દ્ર પણ તમારી બરાબરી કરી શકે તેમ નથી,તો રામ તો તેની સામે કશું નથી' અવિંદ્યના વાક્યોથી રાવણનો ક્રોધ શાંત થયો ને તલવારને મ્યાન કરીને તેણે યુદ્ધ કરવાનો નિર્ણય કરી રથ તૈયાર કરવાની આજ્ઞા આપી (33)
અધ્યાય-૨૮૯-સમાપ્ત