Jun 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-551

 

અધ્યાય-૨૮૮-ઇંદ્રજીતના માયાયુદ્ધમાં રામ-લક્ષ્મણનું પતન


II मार्कण्डेय उवाच II ततः श्रुत्वा हृतं संख्ये कुम्भकर्ण सहानुगम I प्रहस्तं च महेष्वासं धूम्राक्षं चातितेजसम् II १ II

માર્કંડેય બોલ્યા-હવે અનુનાયીઓ સહિત કુંભકર્ણ,પ્રહસ્ત.ધૂમ્રાક્ષ આદિ અતિતેજસ્વી યોદ્ધાઓને રણમાં રોળાઈ ગયેલા જોઈને રાવણે,પોતાના પુત્ર ઇંદ્રજીતને કહ્યું કે-'તું યુદ્ધમાં જઈ,સુગ્રીવ,રામ અને લક્ષ્મણને મારી નાખ.પૂર્વે ઇન્દ્રને જીતીને તેં મને જેમ આનંદ પમાડ્યો હતો તેમ આજે પણ શત્રુઓનો નાશ કરીને મને આનંદ પમાડ'

પિતાની આજ્ઞાને માથે ચડાવીને ઈંદ્રજિત બખ્તર સજીને રથમાં બેસીને રણભૂમિમાં ગયો ને લક્ષ્મણને યુદ્ધ માટે આહવાન આપ્યું.બંને વચ્ચે અતિ ભારે યુદ્ધ થયું.ઈંદ્રજિત બાણો વડે લક્ષ્મણથી અધિક થયો નહિ ત્યારે તેણે મહાવેગવાળાં તોમરોથી લક્ષ્મણને પીડવા માંડ્યો.વાલીપુત્ર અંગદે આવીને શાલનું વૃક્ષ ઈંદ્રજિતના રથ પર ફેંક્યું,

કે જેથી તેનો રથ,અશ્વ ને સારથીના ચુરા થયા.એટલે ઈંદ્રજિત માયા વડે ત્યાંથી અંતર્ધાન થયો.

શ્રીરામ પણ લક્ષ્મણની મદદે આવીને સૈન્યનું રક્ષણ કરવા લાગ્યા હતા.


પછી,માયાથી અદૃશ્ય થયેલા તે ઇન્દ્રજિતે,અદ્રશ્ય રહીને જ રામ-લક્ષ્મણ પર બાણોની વર્ષા કરવા માંડી.

રામ-લક્ષ્મણે પણ તે બાણોની દિશામાં અસંખ્ય બાણોનો મારો કર્યો.ઇંદ્રજીતને ખોળવા વાનરો મોટી મોટી શિલાઓ લઈને આકાશમાં ઊંચે ચડ્યા ત્યારે ઇન્દ્રજિતે તેમને હણી નાખ્યા.ને ફરીથી રામ-લક્ષ્મણ પર 

તે ઇન્દ્રજિતે બાણોનો મારો કરીને તેમને ઢાંકી દીધા.ત્યારે તેઓ મૂર્છા પામી ઢળી પડ્યા.(26)

અધ્યાય-૨૮૮-સમાપ્ત