અધ્યાય-૨૮૭-કુંભકર્ણ આદિનો વધ
II मार्कण्डेय उवाच II ततो निर्याय स्वपुरात्कुम्भकर्ण: सहानुगः I अपश्यत्कपिसैन्यं तज्जितकाश्यग्रतः स्थितम् II १ II
માર્કંડેય બોલ્યા-પછી,કુંભકર્ણ,પોતાના અનુનાયીઓ સાથે નગરની બહાર નીકળ્યો,ત્યારે તેણે સામે જ વાનરસૈન્યને દૃઢ મુઠ્ઠીઓ વાળીને ઉભેલું જોયું.રામને જોવાની ઇચ્છાએ તેણે તે સૈન્યને જોવા માંડ્યું,ત્યાં તેણે લક્ષ્મણને હાથમાં ધનુષ્ય ધારણ કરીને ઉભેલા જોયા.વાનરોએ ધસી આવીને કુંભકર્ણને ચારે બાજુથી ઘેરી લીધો ન પ્રચંડ વૃક્ષોથી તેને મારવા લાગ્યા.જેમ જેમ પ્રહારો પડતા ગયા તેમ તેમ તે હસતો હસતો વાનરોને મોમાં મુકવા લાગ્યો.
કુંભકર્ણના આવા પરાક્રમથી વાનરો ત્રાસી ગયા ને મોટેથી ચીસો મારીને ભાગવા લાગ્યા .
ત્યારે,સુગ્રીવ તેમની મદદે આવ્યો ને બળપૂર્વક તેના માથા પર શાલનું વૃક્ષ ઝીંકયું.ચોંકી ઉઠેલા કુંભકર્ણે સુગ્રીવને બે હાથે પકડીને ખેંચવા માંડ્યો.ત્યારે લક્ષ્મણે ધસી આવીને તેના પર મહાવેગીલું બાણ છોડ્યું કે જે બાણે કુંભકર્ણના કવચને છેદીને હૃદયને વીંધી નાખ્યું.આમ છતાં,કુંભકર્ણ મોટી શીલા લઈને લક્ષ્મણની સામે ધસ્યો.ત્યારે લક્ષ્મણે બાણથી તેના બે હાથ કાપી નાખ્યા.તે સમયે કુંભકર્ણ પ્રચંડ કાય થઇ ગયો ને એને અનેક હાથો,પગો ને મસ્તકો ફૂટી આવ્યા.ત્યારે,પર્વતના સમૂહ જેવા તે કુંભકર્ણને,લક્ષ્મણે બ્રહ્માસ્ત્રથી ચીરી નાખી,પૃથ્વી પર ઢાળી દીધો.
કુંભકર્ણને મરેલો જોઈને રાક્ષસો ડરના માર્યા નાસવા લાગ્યા ત્યારે દુષણના બે નાના ભાઈઓ,વજ્રવેગ ને પ્રમાથી
દોડતા આવીને સેનાની આગળ ઉભા રહીને પ્રચંડ યુદ્ધ કરવા લાગ્યા.બે ઘડી સુધી દારુણ યુદ્ધ થયું.
વજ્રવેગ સામે હનુમાન એક પર્વતશિખર ઉપાડીને ધસ્યા ને વજ્રવેગ પર ફેંકીને તેના પ્રાણ લીધા,તો નીલે મોટી શિલાનો પ્રહાર કરીને પ્રમાથીનો પ્રાણ લીધો.દારુણ સંગ્રામમાં વાનરોએ રાક્ષસોનો અને સામે રાક્ષસોએ વાનરોનો ઘાણ કાઢ્યો.પણ આ યુદ્ધમાં વાનરો એટલા બધા હણાયા નહોતા. (29)
અધ્યાય-૨૮૭-સમાપ્ત