અધ્યાય-૨૮૬-વાનરો ને રાક્ષસોનું યુદ્ધ-કુંભકર્ણ રણમેદાને
II मार्कण्डेय उवाच II ततः प्रहस्तः सहस समभ्येत विभीषणं I गदया ताडयामास विनध्य रणकर्कशः II १ II
માર્કંડેય બોલ્યા-પછી,યુદ્ધમાં કઠોર કર્મ કરનાર પ્રહસ્તે એકદમ ધસી આવીને ગર્જના કરી અને વિભીષણ પર ગદાથી
પ્રહાર કર્યો.આમ છતાં વિભીષણ સ્થિર રહ્યો ને તેણે સામે સો ઘંટાવાળી મહાન અને વિશાળ શક્તિ
તે પ્રહસ્તના માથા પર ફેંકીને તેના માથાને ઉડાવી દીધું.પ્રહસ્તને રણમાં રોળાયેલો જોઈને ધૂમ્રાક્ષ મહાવેગથી વાનરો
સામે ધસી આવ્યો.ત્યારે શત્રુજિત હનુમાને તેને વેગથી સામનો આપ્યો.તેમના વચ્ચે ઘોર યુદ્ધ થયું.
ધુમ્રાક્ષે,હનુમાન પર પરીઘો ને ગદાઓથી પ્રહાર કર્યા,ત્યારે કોપે ભરાયેલા હનુમાને ધૂમ્રાક્ષને તેના અશ્વ,રથ,સારથી
સાથે વધેરી નાખ્યો.ધૂમ્રાક્ષના મરાવાથી વાનરોનું સૈન્ય પ્રોત્સાહિત થઈને રાક્ષસોનો સંહારમાં લાગી ગયું,.
પ્રહસ્ત,ધૂમ્રાક્ષ ને અસંખ્ય રાક્ષસોના મરણના સમાચાર સાંભળીને રાવણે નિસાસો નાખ્યો પણ પછી
ગુસ્સે થઈને બોલ્યો કે-'હવે કુંભકર્ણનો પરાક્રમ બતાવવાનો સમય આવી ગયો છે' તેમ કહીને
તેણે અતિ નિંદ્રાળુ કુંભકર્ણને મહાન ઘોષવાળાં વાજિંત્રો વગાડીને ઉઠાડ્યો.
ને તેને કહેવા લાગ્યો કે-હે ભાઈ,લંકા પર મહાભય આવ્યો છે.
રામ સમુદ્ર પર પુલ બાંધીને વાનરસેના સાથે અહીં આવ્યો છે ને અમને સૌને તુચ્છ ગણીને મહાસંહાર કરી રહ્યો છે.
રામની પત્ની સીતાનું અપહરણ કરીને તેને મેં અહીં અશોકવનમાં મૂકી છે તેને લેવા તે અહીં આવ્યો છે ને
આપણા પ્રહસ્ત,ધૂમ્રાક્ષ આદિ યોદ્ધાઓને તેણે હણી નાખ્યા છે.હે ભાઈ,તારા સિવાય કોઈ બીજું એ રામને હણી શકે તેમ નથી,તો તું તેની સામે યુદ્ધ કરવા જા.વજ્રવેગ અને પ્રમાથી,એ બે ભાઈઓ તારી પાછળ મોટી સેનાઓ લઈને આવશે.' પછી દુષણના તે બે નાના ભાઈઓ રાવણની આજ્ઞાથી,કુંભકર્ણને આગળ કરીને યુદ્ધે નીકળ્યા.(29)
અધ્યાય-૨૮૬-સમાપ્ત