અધ્યાય-૨૮૫-રામ-રાવણ આદિનું યુદ્ધ
II मार्कण्डेय उवाच II ततो निविशमानांस्तान्सैनिकान रावणानुगाः I अभिजग्मुर्गणानेके पिशाचक्षुद्ररक्षसां II १ II
માર્કંડેય બોલ્યા-આ રીતે રામના સૈનિકો છાવણીમાં પાછા પ્રવેશતા હતા ત્યારે પર્વણ,પતન,જંભ-આદિ રાવણના અનુનાયીઓ,ક્ષુદ્ર પિશાચો અને રાક્ષસોના અનેક ગણો તેમના પર અદ્રશ્ય રીતે ધસી આવ્યા.પણ,અંતર્ધાન વિદ્યાને જાણનારા વિભીષણે તેમની અંતર્ધાન શક્તિને હરી લીધી,તેથી તેઓ પ્રત્યક્ષ દેખાવા લાગ્યા,એટલે
બળવાન વાનરોએ તેમનો ઘાણ કાઢી નાખ્યો,ને તેઓ નિષ્પ્રાણ થઈને જમીન પર પડ્યા.
વાનરોનું આ કાર્ય રાવણ સાંખી શક્યો નહિ,એટલે બીજે દિવસે તે પોતે રાક્ષસોથી વીંટાઇને રણમાં આવ્યો.
તેણે ગુરુ શુક્રાચાર્યના કહેલા વ્યૂહ પ્રમાણે વાનરોને ઘેરી લીધા.તે જાણીને શ્રીરામે પણ ગુરુ બૃહસ્પતિએ કહેલી વિધિ મુજબ રાક્ષસો સામે વ્યૂહ ગોઠવ્યો.પછી,રાવણ,રામ સામે આવીને અને ઈંદ્રજિત,લક્ષ્મણ સામે આવીને યુદ્ધ કરવા લાગ્યા.ત્યારે સુગ્રીવ,વિરુપાક્ષ સાથે,નલ,તુંડ સાથે અને બીજા પણ જે જેને પોતાના જેવો સમર્થ માનતા હતા,
તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
પૂર્વે થયેલા,દેવાસુર સંગ્રામ જેવો જ આ ઘોર ને રૂંવાડાં ખડાં કરનારો સંગ્રામ ચાલુ થયો હતો.રાવણે શક્તિ,શૂળ અને તલવારની ઝડી પાડીને રામને ઇજા પહોંચાડી,ત્યારે શ્રીરામે તીણાં લોખંડી બાણોથી રાવણને પીડિત કર્યો.
એ જ રીતે લક્ષ્મણે ઇંદ્રજીતને મર્મભેદી બાણો વડે વીંધ્યો તો ઇન્દ્રજિતે પણ સામે અનેક બાણોથી લક્ષ્મણને પીડિત કર્યો.વિભીષણે પ્રહસ્થ પર અને પ્રહસ્થે વિભીષણ પર નિર્ભયતાથી તીક્ષણ બાણોની વર્ષાં કરી.
આમ તે બળવાનોના અસ્ત્રોના એકબીજા સાથે અથડાવાથી ત્રણે લોકના જીવો વ્યાકુળ થયા (14)
અધ્યાય-૨૮૫-સમાપ્ત