Jun 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-547

 

અધ્યાય-૨૮૪-અંગદની શિષ્ટતા અને લંકામાં પ્રવેશ 


II मार्कण्डेय उवाच II प्रभुतान्नोदके तस्मिन्बहुमूलफ़लेवने I सेनां निवेश्य काकुस्थो विधिवत्पर्यरक्षत II १ II

માર્કંડેય બોલ્યા-કકુત્સ્થ વંશી રામચંદ્રે,ભરપૂર અન્નજળવાળા ને પુષ્કળ ફળમૂળવાળા વનમાં સૈન્યને મુકામ કરાવ્યો,

ને તેની વિધિપૂર્વક રક્ષા કરવા માંડી.બીજી બાજુ રાવણે પણ યુદ્ધની સામગ્રીઓ સજવા માંડી.

સ્વાભાવિક રીતે જ લંકા ઉપર સહેજે આક્રમણ કરી શકાય તેમ નહોતું.તેના કોટકિલ્લાઓ ને દરવાજા ઘણા જ

મજબૂત હતા.પછી,અંગદ,લંકાના દરવાજા આગળ આવ્યો ને પ્રથમ રાવણને પોતાના સમાચાર આપીને

નિર્ભયતાથી લંકાની અંદર પ્રવેશીને રાવણ પાસે પહોંચ્યો ને તેને કહેવા લાગ્યો કે-

'હે રાજન,મહાયશસ્વી કોસલાધિપતિ રામે તને સમયોચિત વચનો કહ્યાં છે તે તું સાંભળ.તેં સીતાનું હરણ કરીને શ્રીરામનો અપરાધ કર્યો છે,જો યુદ્ધ થશે તો પણ બીજા નિરૂપરાધીઓ પણ તારે લીધે વધ પામશે ને તું જ તેના કારણરૂપ થઈશ.પૂર્વે બળ અને અભિમાનથી છકી જઈને,તેં ઋષિઓ ને દેવતાઓના અપમાન કર્યા છે.

રાજર્ષિઓને હણ્યા છે ને રોતી સ્ત્રીઓને હરી લીધી છે.તને તારી અનીતિનું ફળ મળશે જ.તું સીતાને છોડી દે 

ને જો તું તેને નહિ છોડે તો તું શ્રીરામના તીક્ષ્ણ બાણોથી વધ પામીશ તે નક્કી જ છે'


અંગદનાં વચન સાંભળી રાવણ ક્રોધે ભરાયો.તેની આજ્ઞાથી તેના ચાર રાક્ષસોએ તે અંગદને હાથ-પગથી પકડી લીધો.પોતાના અંગોને વળગેલા તે રાક્ષસો સહિત તે અંગદ,વેગપૂર્વક આકાશમાં ઉડ્યો,ત્યારે તે રાક્ષસો જમીન પર પડ્યા.અંગદે શ્રીરામ પાસે આવીને સર્વ વૃતાંત કહ્યો.પછી,શ્રીરામે,લંકા પર આક્રમણ કરવાનું નક્કી કરીને,વાનરસેનાને આજ્ઞા કરી લંકાના કોટમાં ગાબડાં પડાવ્યા ને લક્ષ્મણ,વિભીષણ ને જાંબવાનને આગળ રાખીને લંકાના દક્ષિણ દિશાના દરવાજાને તોડી નાખ્યો.અને કરોડોની વાનરસેનાનો લંકામાં પ્રવેશ થયો.


વાનરસેનાએ લંકામાં પેસીને ભારે તોડફોડ કરી.ત્યારે રાક્ષસોએ સામો હલ્લો કરીને વાનરોનો ઘાણ કાઢવા માંડ્યો.

પછી,અગણિત રાક્ષસો રાવણની આજ્ઞાથી રણમેદાને આવ્યા.ને શસ્ત્રોની ઝડી વરસાવી વાનરોને ભગાડવા માંડયા.ત્યારે શ્રીરામે મેઘની જેમ બાણોની વૃષ્ટિ કરીને રાક્ષસોનો સંહાર કર્યો.લક્ષ્મણે પણ બાણો વરસાવી 

અગણિત રાક્ષસોનો સંહાર કર્યો.આમ લક્ષ્ય સિદ્ધ કરીને સુર્યાસ્તે સેના છાવણી તરફ પછી આવી (41)

અધ્યાય-૨૮૪-સમાપ્ત