Jun 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-546

 

અધ્યાય-૨૮૩-સેતુબંધન અને શ્રીરામની લંકા પર ચડાઈ 


II मार्कण्डेय उवाच II ततस्तत्रैव रामस्य समासीनस्य तैः सह I समाजम्भुः कपिश्रेष्ठाः सुग्रीववचनातदा II १ II

માર્કંડેય બોલ્યા-પછી ત્યાં,વાનરો સાથે રામચંદ્ર બેઠા હતા,ત્યારે સુગ્રીવની આજ્ઞાથી અનેક કપિવરો ત્યાં ભેગા થવા લાગ્યા.વાલીનો સસરો સુષેણ,હજારો ને કરોડો વેગવાન વાનરોથી વીંટળાઈને રામ પાસે આવ્યો.વળી,ગજ,ગવય અને ગવાક્ષ નામના વાનરેન્દ્રો પણ કરોડો વાનરો સાથે ત્યાં આવ્યા.ગંધમાદન પર્વત પર રહેનારો ગંધમાદન વાનર,

અતિ બળવાન પનસ વાનર,વાનરોમાં વૃદ્ધ દધિમુખ વાનર આદિ વાનર રાજાઓ પણ કરોડો વાનર સાથે ત્યાં આવ્યા.

આ ઉપરાંત ભયંકર કર્મ કરનારાં કરોડો કાળાં રીંછો સાથે વૃદ્ધ રીંછ જાંબવાન ત્યાં જોવામાં આવ્યો.

સુગ્રીવની આજ્ઞાથી આ મહાન વાનર અને રીંછના સૈન્યે ત્યાં પડાવ નાખ્યો.પછી,પવિત્ર તિથિએ અને શુભ નક્ષત્રે 

શ્રીરામે સુગ્રીવની સાથે એ વ્યૂહબદ્ધ સેના સાથે ત્યાંથી પ્રયાણ કર્યું.ત્યારે હનુમાન સર્વથી મોખરે હતા.

પુષ્કળ,મૂળ અને ફળોવાળાં,તેમ જ મધ,માંસ તથા જળની સગવડવાળા,વિવિધ ગિરિશિખરો પર કશી પણ બાધા વિના મુકામ કરતી તે સેના સાગરતીરે પહોંચી.ને ત્યાં વિશ્રામ કરી રામે સુગ્રીવ અને સર્વની સાથે 'સાગરને કેવી રીતે પાર કરવો?'તે વિષે મંત્રણા કરી.દરેકે પોતપોતાનો અભિપ્રાય આપ્યો.કેટલાકે હોડીઓથી તો કેટલાકે તરાપાઓથી સમુદ્રને પર કરવાનો વિચાર જણાવ્યો.ત્યારે રામે સર્વને કહ્યું કે-'સર્વ વાનરો,આ સો યોજન વિસ્તરેલા સાગરને પાર કરી શકશે નહિ.ને સર્વને લઇ જાય એટલી નૌકાઓ પણ મેળવી મુશ્કેલ છે,માટે હું તો આ સાગરને પ્રયત્નપૂર્વક આરાધીશ,એટલે તે જ આપણને માર્ગ આપશે,અને જો તે માર્ગ નહિ જ આપે  તો હું મારા અસ્ત્રોથી આ સાગરને સુકવી નાખીશ' આમ કહીને શ્રીરામે સમુદ્ર કિનારે આસન કર્યું ને સમુદ્રનું આરાધન કર્યું,

ત્યારે,સાગરદેવે રઘુવીરને સ્વપ્નમાં દર્શન આપ્યાં.રામે તેમને માર્ગ આપવાની વાત કરી ત્યારે સાગરદેવે કહ્યું કે-

'અહીં તમારી સાથે નલ નામનો વાનર છે કે જે ત્વષ્ટા દેવ વિશ્વકર્માનો પુત્ર છે ને શિલ્પીઓમાં સન્માનિત છે.

તે મારામાં જે લાકડાં,તરુણ અને શિલા નાખશે તેને હું ટેકવી રાખીશ અને એ જ તમારો સેતુ થશે'

પછી,શ્રીરામની આજ્ઞાથી નલે,વાનરસેનાની સહાયતાથી 'નલસેતુ'નામે વિખ્યાત સો યોજન લાંબો સેતુબંધ બનાવ્યો.જયારે શ્રીરામ સાગરકિનારે હતા,ત્યારે રાવણે કાઢી મુકેલો તેનો ભાઈ વિભીષણ રામને શરણે આવ્યો.


વિભીષણના શુદ્ધ ભાવો જોઈને રઘુવીર તેમના પર પ્રસન્ન થયા અને તેને સન્માન આપ્યું,ને લંકાના રાજા તરીકે તેનો અભિષેક કર્યો.વિભીષણ,રામનો ગુપ્ત મંત્રી થયો ને લક્ષ્મણનો મિત્ર થયો.પછી,શ્રીરામે,પોતાના સૈન્ય સાથે સેતુ પર થઈને એક માસે સમુદ્રની પેલે પાર પહોંચ્યા.ને ત્યાં લંકા બહાર પડાવ નાખ્યો.તે વખતે રાવણના શુક અને સારણ નામના બે મંત્રીઓ વાનરનો વેશ ધરીને જાસૂસ તરીકે ત્યાં આવ્યા ત્યારે વિભીષણે તેમને પકડી પાડ્યા,

તે નિશાચરોએ પોતાનું ખરું રાક્ષસસ્વરૂપ લીધું ત્યારે પણ રામે પોતાનું સૈન્ય તેમને દેખાડીને તરત છોડી દીધા.

ત્યાર બાદ,વાલીના પુત્ર,બુદ્ધિમાન અંગદ વાનરને,દૂત તરીકે રાવણ પાસે મોકલ્યો.(54)

અધ્યાય-૨૮૩-સમાપ્ત