Jun 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-545

 

અધ્યાય-૨૮૨-હનુમાન સીતાની શોધ કરી આવ્યા 


II मार्कण्डेय उवाच II राघवः सहसौमित्रिः सुगृवेणाभिपालितः I वसन्माल्यवतः पृष्ठे ददशे विमलं नभः II १ II

માર્કંડેય બોલ્યા-આ તરફ રઘુનંદન રામ અને લક્ષ્મણ,સુગ્રીવથી રક્ષાઇને માલ્યવાન પર્વત પર રહેતા હતા.

ત્યાં તેમણે આકાશને નિર્મળ થયેલું જોયું.એટલે રામે લક્ષ્મણને કહ્યું કે-હે લક્ષ્મણ,તું કિષ્કિન્ધામાં જા અને સ્ત્રીસંગમાં

પાગલ થયેલા તેને તેની પ્રતિજ્ઞા યાદ કરાવ અને પૂછ કે તે સીતાની શોધમાં કયો પ્રયત્ન કરે છે?'

રામની આજ્ઞાથી લક્ષ્મણ ક્રોધમાં આવીને સુગ્રીવ પાસે ગયો.સુગ્રીવ લક્ષ્મણનો ક્રોધ પામી ગયો અને બે હાથ જોડીને બોલ્યો કે-હે લક્ષ્મણ,હું કૃતઘ્ની નથી.મેં વાનરોને સર્વ દિશામાં મોકલ્યા છે ને એક મહિનામાં પાછા ફરવાની મર્યાદા

આપી છે.પાંચ દિવસ પછી આ અવધ પુરી થાય છે,એટલે કોઈ ને કોઈ ખબર તો મળશે જ'

સુગ્રીવે મોકલેલા હજારો વાનરો ત્રણ દિશાઓ શોધીને,સીતાની ભાળ મળ્યા વિના જ પાછા આવ્યા,પણ દક્ષિણ દિશામાં ગયેલા હનુમાન,અંગદ આદિ વાનરો પાછા આવ્યા નહોતા.બીજા બે મહિનાનો સમય વીતી ગયો.

છેવટે વાયુપુત્ર હનુમાન પાછા આવીને રામને કહેવા લાગ્યા કે-હે રામ,હું તમને શુભ સમાચાર આપું છું.મેં જાનકીજીને જોયાં છે.હું મારા પિતા વાયુનો આશ્રય લઈને સો યોજન સાગરને કૂદી ગયો,વચમાં મેં સમુદ્રજળમાં રહેલી રાક્ષસીને મારી નાખીને,લંકામાં વિભીષણની સહાયતાથી અશોકવનમાં રહેતાં સીતાજીને મેં જોયાં.


તપ ને ઉપવાસમાં પારાયણ રહેલાં એ સતી સ્વામીનાં દર્શનની લાલસા રાખી રહ્યાં છે.માથાના વાળા જટા જેવા વેરવિખેર થયા છે તેમના અંગે મેલના થર ચડ્યા છે ને તે તપસ્વીની સુકાઈ ગયાં છે.એમની પાસે જઈને મેં કહ્યું કે-

હું પવનસુત વાનર એવો રામનો દૂત છું,ને તમારા દર્શનની ઇચ્છાએ અહીં આકાશમાર્ગે આવ્યો છું.રામ અને લક્ષ્મણ બે ભાઈઓ કુશળ છે ને તેમણે તમારું કુશળ પુછાવ્યું છે.તેઓ વાનરસેના સાથે અહીં જલ્દી આવી પહોંચશે.મારામાં વિશ્વાસ રાખો હું વાનર છું,રાક્ષસ નથી' 


સીતાએ કહ્યું કે-'હે મહાબાહુ,શ્રીરામના શુભચિંતક એવા રાક્ષસ અવિંદ્યના વચનથી હું તને હનુમાન તરીકે જાણું છું.

ને એ પણ જાણું છું કે સુગ્રીવ,તારા જેવા સચિવોથી વીંટાયેલો છે ને શ્રીરામને મદદ કરી રહ્યો છે.હવે તું જા ને જલ્દીથી તેમને મારી ખબર આપ જેથી તે સત્વરે આવીને મને અહીંથી લઇ જાય' 

આમ કહીને સીતાએ મને તેમનો આ મણિ આપ્યો છે.પછી,લંકાવાસીઓને મારી ઓળખ કરાવવા માટે 

હું જાતે જ પકડાઈ ગયો ને છેવટે એ નગરીને બાળીને હું અહીં પાછો આવી પહોંચ્યો છું'

હનુમાનનો વૃતાંત સાંભળીને,શ્રીરામે પ્રિય સમાચાર લાવનાર તે હનુમાનનો સુંદર સત્કાર કર્યો (71)

અધ્યાય-૨૮૨-સમાપ્ત