Jun 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-544

 

અધ્યાય-૨૮૧-રાવણ અને સીતાનો સંવાદ 


II मार्कण्डेय उवाच II ततस्तां भर्तृशोकार्ता दीनां मलिनवाससां I मणिशेषाभ्यलंकारां रुदतीं च पतिव्रतां II १ II

માર્કંડેય બોલ્યા-કામબાણથી પીડાયેલા રાવણે,શોકથી વ્યાકુળ,દીન બનેલી,મલિન વસ્ત્ર ધારણ કરી રહેલી,એકમાત્ર મણિના અલંકારવાળી,ને રાક્ષસીઓથી ઘેરાયેલી ને રોતી પતિવ્રતાને જોઈ તેની પાસે ગયો,

ને તે સીતાને કહેવા લાગ્યો કે-'હે સીતા,હવે બહુ થયું.તું મારા પર પ્રસન્ન થા.આ મહામૂલવાન વસ્ત્રો ને અલંકારો સજીને તું મારો સ્વીકાર કર,ને મારી સર્વે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ થઈને રહે.મારી સ્ત્રીઓમાં દેવકન્યાઓ છે,ગંધર્વનારીઓ છે,દાનવકન્યાઓ છે અને દૈત્યયુવતિઓ પણ છે.ચૌદ કરોડ પિશાચો મારી આણમાં ઉભા રહે છે.તેનાથી યે અધિક રાક્ષસો ને યક્ષો મારી આજ્ઞાને આધીન રહે છે.ગંધર્વો ને અપ્સરાઓ મારી સદૈવ સેવા કરે છે,હું વિશ્રવા મુનિનો પુત્ર ને પાંચમા લોકપાલ તરીકે મારી કીર્તિ ફેલાયેલી છે.મારી પાસે ઇન્દ્ર સમાન ઐશ્વર્ય છે,તું મારી ભાર્યા થઈને રહે'

રાવણે આમ કહ્યું ત્યારે સીતાએ,પોતાનું મુખ ફેરવી લઈને,વચ્ચે તણખલાની આણ મૂકીને રુદન કરતાં કહ્યું કે-

'તેં અનેકવાર આવાં વચન મને કહ્યાં છે,પણ હું પરદારા ને પતિવ્રતા છું,એટલે તને અલભ્ય જ છું.પરવશ થયેલી એવી મારા પર અત્યાચાર કરીને તને કયું સુખ મળે એમ છે? તારા પિતા બ્રહ્માના પુત્ર છે,વિપ્ર છે ને પ્રજાપતિ જેવા છે.વળી,તું લોકપાલ જેવો થઈને ધર્મનું પાલન કેમ કરતો નથી? તને લાજ આવતી નથી?'


સીતાનાં નિષ્ઠુર વચનો સાંભળીને પોતાનો અસ્વીકાર થયેલો હોવા છતાં,રાવણ કહેવા લાગ્યો-'હે સીતા,ભલે કામદેવ મારાં અંગોને પીડા કરે,પણ જ્યાં સુધી તું કામેચ્છા રહિત છે ત્યાં સુધી હું તારો સંગ કરીશ નહિ.

તને મારાથી શું કરી શકાય?કેમકે તું હજી,અમારા આહારરૂપ મનુષ્યયોનિમાં જન્મેલા રામને જ અનુસરી રહી છે'

આમ કહીને રાવણ ત્યાંથી પાછો વળી ગયો.ને સીતા,ત્રિજટાથી સેવા પામતી અશોકવનમાં જ રહી.(30)

અધ્યાય-૨૮૧-સમાપ્ત