અધ્યાય-૨૮૦-રામ-સુગ્રીવ મેળાપ ને વાલી વધ
II मार्कण्डेय उवाच II ततोविदूरे नलिनींप्रभुतकंलोत्पलां I सीताहरणदुखार्तः पंपां रामः समासदत II १ II
માર્કંડેય બોલ્યા-પછી,સીતાહરણથી દુઃખાતુર થયેલા રામ,કમળો ને ઉત્પલોથી ભરેલા પંપા સરોવરે પહોંચ્યા.
ત્યાં સ્નાન કરી તેઓ ઋષ્યમૂક પર્વત પાસે ગયા કે જ્યાં તેમણે ગિરિશિખર પર પાંચ વાનરોને બેઠેલા જોયા.
ત્યારે વાનરશ્રેષ્ઠ સુગ્રીવે,પોતાના બુદ્ધિમાન મંત્રી હનુમાનને તેમની પાસે મોકલ્યા.હનુમાનજીએ રામ-લક્ષ્મણને સુગ્રીવ
સાથે મૈત્રી કરાવી.રામે પોતાના કાર્યનું નિવેદન કર્યું ત્યારે સુગ્રીવે સીતાજીએ નાખેલું વસ્ત્ર તેમને બતાવ્યું.
એટલે શ્રીરામને સીતાના હરણની ખાત્રી થઇ.સુગ્રીવે પણ,પોતાના ભાઈ વાલી તરફથી મળેલું.પોતાનું દુઃખ કહ્યું.
કે-વાલીએ તેનો દેશનિકાલ કર્યો છે.ને પોતાની પત્નીનું હરણ કર્યું છે.
ત્યારે શ્રીરામે વાલીનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી.અને સુગ્રીવે વૈદેહીને પાછાં લાવવાની પ્રતિજ્ઞા કરી.અને એકબીજાનો વિશ્વાસ સંપાદન કર્યો.પછી,સુગ્રીવ અને વાલીનું યુદ્ધ થયું.બંને એકસરખા દેખાતા હોવાથી,હનુમાને સુગ્રીવના ગળામાં એક માળા પહેરાવી.જે ચિહ્નના આધારે શ્રીરામે વાલીની છાતી પર બાણ છોડ્યું.
વાલીનું મરણ થયું એટલે સુગ્રીવે કિષ્કિન્ધા નગરીનું રાજ્ય કરવા માંડ્યું.ચોમાસાના ચાર મહિના
શ્રીરામે માલ્યવાન પર્વત પર મુકામ કર્યો ત્યારે સુગ્રીવે ને હનુમાને તેમની સારી સેવા કરી.
બીજી બાજુ,રાવણે,સીતાને અશોકવાટિકામાં રાખ્યાં હતાં.રાવણે ત્યાં શસ્ત્રો ધારણ કરનારી રાક્ષસીઓને ત્યાં ચોકી કરવાની આજ્ઞા આપી હતી.તેથી તે વિચિત્ર દેખાવોવાળી ને ભય પમાડનારી રાક્ષસીઓ સીતાને રાતદિવસ ઘેરીને બેસી રહેતી હતી.વળી રાવણના કહેવાથી તે રાક્ષસીઓ રાવણને તાબે થવા માટે સીતાને,ધમકાવતી હતી.
આ સર્વ રાક્ષસીઓમાં એક ત્રિજટા નામની ધર્મજ્ઞ રાક્ષસીએ વૈદેહીને સાંત્વન આપતાં કહ્યું કે-
'હે સીતા,તું મારામાં વિશ્વાસ રાખી ને મારાં વચન સાંભળ.અવિંદ્ય નામનો એક રાક્ષસ,શ્રીરામનો હિતચિંતક છે,
તેણે તારા સંબંધમાં મને કહ્યું છે કે-મારે તને આશ્વાસન આપી પ્રસન્ન કરીને કહેવું કે,તારા પતિ ને લક્ષ્મણ કુશળ છે,
તેમણે વાનરરાજ સુગ્રીવ જોડે મૈત્રી કરી છે ને તને પાછા લઇ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
હે સીતા,તું રાવણથી ભય રાખીશ નહિ કેમ કે નલકુબેરે તેને શાપ આપ્યો છે એટલે તું સુરક્ષિત છે.પૂર્વે તે રાવણ,પુત્રવધુ જેવી નલકુબેરની પત્નીને છેડવા ગયો હતો ત્યારે તેને શાપ મળ્યો હતો,જેથી તે રાવણ,પોતાને અધીન ન થયેલી સ્ત્રીનો સમાગમ કરી શકતો નથી.તારા પતિ ટૂંક સમયમાં જ અહીં આવી પહોંચીને તને છોડાવશે.
વળી,મને સ્વપ્ન આવ્યું હતું કે રાક્ષસોનો વિનાશ ને રામનો વિજય થશે'
ત્રિજટાનાં વચન સાંભળીને સીતાજીને સાંત્વન મળ્યું ને શ્રીરામને મળવાની પ્રબળ આશા બંધાઈ (74)
અધ્યાય-૨૮૦-સમાપ્ત