અધ્યાય-૨૭૯-રામે કરેલો કબંધ વધ
II मार्कण्डेय उवाच II सखा दशरथस्यासीज्जटायुररुणात्मजः I गृधराजो महावीरः संपात्तिर्यस्यसोदरः II १ II
માર્કંડેય બોલ્યા-અરુણનો પુત્ર જટાયુ,દશરથ રાજાનો મિત્ર હતો.ને મહાવીર ગૃધરાજ સંપાતિ તેનો ભાઈ હતો.
પોતાની પુત્રવધુ જેવી સીતાનું હરણ થતું જોઈને તે રાવણની સામે ધસ્યો.ને કહેવા લાગ્યો કે-'ઓ રાક્ષસ,હું જીવું છું
ત્યાં સુધી તું મારી પુત્રવધુ જેવી આ મૈથિલીને નહિ હરી શકે.તું તેને છોડી દે અથવા તું મારે હાથે જીવતો નહિ છૂટે'
આમ કહીને,તે જટાયુએ રાવણ પર ચાંચ ને નખો વડે પ્રહાર કરીને તેને લોહીલુહાણ કરી નાખ્યો.ત્યારે રાવણે
સામે તલવારથી તેની બંને પાંખો કાપી નાખી,ને તેને મારીને ફરીથી આકાશમાર્ગે આગળ ધસ્યો.
જ્યાં જ્યાં સીતાજી આશ્રમો,સરોવરો,નદીઓ જોતાં,ત્યાં પોતાનું એક એક આભૂષણ નીચે ફેંકતાં જતાં હતાં.
એક પર્વતના શિખર પર તેમણે પાંચ વાનરશ્રેષ્ઠો જોયા ત્યારે તેમને પોતાનું દિવ્ય વસ્ત્ર ફેંક્યું.
છેવટે,રાવણ સીતાજીને લઈને લંકામાં પાછો ફર્યો.
બીજી બાજુ,લક્ષ્મણને આવેલો જોઈને શ્રીરામે તેને,સીતાજીને એકલાં છોડીને આવવા બદલ ઠપકો આપ્યો.
ને ઉતાવળે તેઓ આશ્રમ તરફ દોડ્યા.રસ્તામાં તેમણે જટાયુને મરણ શય્યા પર જોયો.જટાયુએ તેમને કહ્યું કે-
'હું દશરથનો મિત્ર છું ને રાવણે સીતાનું હરણ કરીને દક્ષિણ દિશા તરફ ગયો છે.મેં તેની સાથે યુદ્ધ કર્યું પણ તેણે
મારી આ દશા કરી છે' એમ કહી તે જટાયુ મરણ પામ્યો,રામે તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી.
રામ અને લક્ષ્મણ બંને અત્યંત વ્યથા પામીને દક્ષિણ દિશા તરફ ચાલ્યા.રસ્તામાં પર્વતના જેવા વિશાળ
કબંધ નામના રાક્ષસે લક્ષ્મણને પકડ્યો,ત્યારે લક્ષ્મણે તેનો હાથ કાપ્યો,રામે મદદમાં આવીને તેનો વધ કર્યો.
ત્યારે તે દેહમાંથી એક તેજસ્વી દિવ્ય પુરુષ નીકળ્યો.રામે તેને પૂછ્યું કે-'તું કોણ છે?તે કહે'
ત્યારે તેણે કહ્યું કે-'હું વિશ્વાવસુ નામનો ગંધર્વ છું,બ્રાહ્મણના શાપથી મને આ રાક્ષસ યોનિ મળી હતી.લંકાનિવાસી રાવણ સીતાજીને હરી ગયો છે,તમે સુગ્રીવ પાસે જાઓ તે તમને મદદ કરશે.ઋષ્યમૂક પર્વતની પાસે પંપા સરોવર છે ત્યાં વાલીનો ભાઈ સુગ્રીવ ચાર મંત્રીઓ સાથે રહે છે,તે તમને સહાય કરશે,હું આટલું જ કહી શકું તેમ છું'(48)
અધ્યાય-૨૭૯-સમાપ્ત