અધ્યાય-૨૭૮-મારીચનો વધ ને સીતાહરણ
II मार्कण्डेय उवाच II मारीचस्त्वथ संभ्रातो द्रष्ट्वा रावणमागतम् I पूजयामास सत्कारैः फ़लमुलादिभिस्ततः II १ II
માર્કંડેય બોલ્યા-રાવણને આવેલો જોઈને મારીચ તો ભારે ગભરાઈ ગયો ને ફળમૂળ આદિ આપી તેનો સત્કાર કર્યો.
અને રાવણને કહેવા લાગ્યો કે-'\તારા મુખની કાંતિ હંમેશના જેવી નથી,સર્વ કુશળ છે ને? તારે અહીં આવવા
જેવું શું દુષ્કર કાર્ય આવી પડ્યું છે?કાર્ય ગમે તેવું હોય પણ તે થઇ ગયું છે એમ જ માની લે.(4)
ત્યારે રાવણે,મારીચે હવે પછી કરવાના કાર્ય વિષે ટૂંકી સમજણ આપી,ત્યારે મારીચે રાવણને કહ્યું કે-'તું રામને
પહોંચવાનું માંડી વાળ.તેમની શક્તિને હું જાણું છું.તેમના બાણના વેગને સહન કરવા કોઈ સમર્થ નથી.
વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા આવેલા તેમના બાણના વેગથી હું અહીં આવી પડ્યો ત્યારથી સર્વ સંગનો
ત્યાગ કરીને તપ કરવા બેઠો છું.કયા દુરાત્માએ તને આ તારા વિનાશનું કાર્ય બતાવ્યું છે?'
ત્યારે રાવણ ક્રોધે ભરાઈને કહેવા લાગ્યો કે-'મારુ કહ્યું કરીશ નહિ તો તારું મોત નક્કી જ છે.'
મારીચે વિચાર્યું કે-રાવણના હાથે મારવા કરતાં રામના હાથે મરુ તે જ વધુ સારું છે.એટલે તેણે રાવણને કહ્યું કે-'બોલ,મારે શું કરવાનું છે?' રાવણ બોલ્યો-'તું રત્નનાં શિંગડાંવાળો સુવર્ણમૃગ થઈને સીતાની પાસે જા ને તેને લોભાવ.તને જોઈને સીતા,રામને તને મારી લાવવા માટે મોકલશે.રામ આશ્રમ બહાર જશે એટલે હું સીતાને ઊંચકીને ચાલ્યો જઈશ.પછી તે દુર્બુદ્ધિ રામ પોતાની પત્નીના વિયોગથી મરશે.આટલી સહાય તું કર'
મારીચ કમને પણ તૈયાર થઇને પોતાને સોંપેલું કામ કર્યું.દૈવથી પ્રેરાઈને સીતાએ રામને એ મૃગ પકડવા માટે પ્રેરણા કરી,એટલે રામે,લક્ષ્મણને સીતાનું રક્ષણ કરવાનું સોંપીને,હાથમાં ધનુષ્ય લઈને તે મૃગનો પીછો કર્યો.ને ઘડીઘડીમાં અલોપ થતા તે મૃગની પાછળ ઘણે દૂર નીકળી ગયા.ને છેવટે તેમણે બાણ મારીને તે મૃગને મારી નાખ્યો.
મરતી વખતે તે મારીચે રામના સ્વરમાં મોટેથી બૂમ પાડી 'હે સીતા,હે લક્ષ્મણ' તે ચીસ સાંભળીને સીતાએ
લક્ષ્મણને રામની મદદે મોકલ્યા.સીતા એકલા પડ્યા ત્યારે રાવણ સાધુનું રૂપ લઈને આશ્રમમાં સીતા પાસે ગયો.
સીતાએ તેને ભિક્ષા આપી તેનો સત્કાર કર્યો.પણ રાવણે તેનો અનાદર કરીને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરીને
પોતાની ઓળખાણ આપીને,પોતાની સાથે આવીને પોતાની ભાર્યા થવાનું કહ્યું.સીતાએ પ્રતિકાર કર્યો,ત્યારે રાવણે
સીતાને કેશથી પકડીને ત્યાંથી,આકાશમાર્ગે જવા માંડ્યું,ત્યારે પર્વતમાં વિચરનારા જટાયુ ગીધે,
હરણ કરાતાં સીતાને 'રામ રામ' એવું રટણ કરતાં જોયાં' (43)
અધ્યાય-૨૭૮-સમાપ્ત