અધ્યાય-૨૭૬-વાનર આદિની ઉત્પત્તિ
II मार्कण्डेय उवाच II तत्तो ब्रह्मर्षय: सर्वे सिध्ध देवर्षयस्तथा I हव्यवाहं पुरस्कृत्य ब्रह्माणं शरणं गताः II १ II
માર્કંડેય બોલ્યા-પછી,સર્વ સિદ્ધો,બ્રહ્મર્ષિઓ ને દેવર્ષિઓ અગ્નિને આગળ રાખીને બ્રહ્માના શરણે ગયા.
અગ્નિ બોલ્યા-વિશ્રવાના દશગ્રીવ નામના જે મહાબળવાન પુત્રને તમે વરદાન આપી અવધ્ય કર્યો છે,
તે સર્વ પ્રજાઓને પીડા આપે છે,માટે આપ ભગવાન અમને તેનાથી બચાવો,તમારા સિવાય
અમારું રક્ષણ કરનાર કોઈ નથી' બ્રહ્મા બોલ્યા-'હે અગ્નિ,દેવો ને દૈત્યો તેને યુદ્ધમાં જીતી શકે તેમ નથી,
પણ આ સંબંધમાં જે કરવા યોગ્ય છે તેની ગોઠવણ થઇ ગઈ છે,તેનો વધકાળ હવે સમીપમાં જ છે.
મારી વિનંતીથી શ્રીવિષ્ણુએ (રામ રૂપી)અવતાર ધારણ કર્યો છે અને તે તેનો વધ કરશે' (5)
આ પ્રમાણે કહ્યા પછી,બ્રહ્માએ સર્વ દેવોની સમક્ષ ઇન્દ્રને કહ્યું કે-તું સર્વ દેવગણો સાથે પૃથ્વી પર અવતાર લે.તમે વાનરીઓ અને રીંછણોમાં વિષ્ણુને સહાયક થાય તેવા તથા ઇચ્છારૂપ ધારણ કરે તેવા પુત્રો ઉત્પન્ન કરો'
વળી,બ્રહ્માએ દુંદુભિ નામની ગાંધર્વીને આજ્ઞા આપી કે -'તું કાર્યસિદ્ધિ માટે પૃથ્વી પર જા' ને પછી તેને જે જે કાર્ય કરવાનું હતું તે યથાર્થતાએ સમજાવ્યું પિતામહની આજ્ઞાથી તે ગાંધર્વી માનવલોકમાં મંથરા નામની કુબ્જા તરીકે અવતરી,ને ચિનગારીને ભભૂકાવવા માટે લાગ જોવા લાગી.
પછી,સર્વ દેવો,ગંધર્વો ને દાનવોએ પોતપોતાના અંશાનુસાર પૃથ્વી પર અવતરવાની મંત્રણા કરી,ને
ત્યાર બાદ તેઓએ પૃથ્વી પર વાનર અને રુક્ષ જાતિની સ્ત્રીઓમાં પુત્રો ઉત્પન્ન કર્યા.
તે સર્વ પુત્રો યશમાં ને બળમાં પોતપોતાના પિતાને અનુસરનારા થયા.(16)
અધ્યાય-૨૭૬-સમાપ્ત