જયદ્રથવિમોક્ષણ પર્વ
અધ્યાય-૨૭૨-જયદ્રથનો છુટકારો અને તેનું તપ
II वैशंपायन उवाच II जयद्रथस्तु संप्रेक्ष्यं भ्रातरावुद्यतावुमौ I प्राधावत्तुर्णमध्यग्रो जीवितेप्सु सुदुःखितः II १ II
વૈશંપાયન બોલ્યા-આયુધ ઉગામીને આવી રહેલા ભીમ ને અર્જુનને જોઈને જયદ્રથ અત્યંત દુઃખાતુર થઈને જીવ બચાવવાની ઇચ્છાએ,સાવધાન થઈને ઝડપથી દોડવા લાગ્યો.ત્યાં તો ભીમે તેની પાછળ દોટ મૂકી અને તેને વાળના
ગુચ્છા આગળથી પકડી લીધો ને ઊંચકીને જમીન પર પછાડીને પગથી મારવા લાગ્યો.અત્યંત પ્રહારથી પીડાઈને
જયદ્રથ મૂર્છાવશ થયો.ત્યારે અર્જુને ફરીથી તેને ધર્મરાજનું વચન યાદ કરાવ્યું.
ભીમસેન બોલ્યો-'ક્લેશ ભોગવાને અયોગ્ય એવી કૃષ્ણાને આ નરાધમે ક્લેશ આપ્યો છે,તેથી મારે હાથે એ જીવતો રહેવા યોગ્ય નથી,પણ શું કરું?ધર્મરાજ સતત દયાવાન છે અને તું પણ નાદાન બુદ્ધિથી આને હણતો રોકે છે'
આમ કહી,ભીમે કશું પણ બોલ્યા વગર,જયદ્રથના વાળમાં અર્ધચંદ્ર બાણથી પાંચ પટા પાડ્યા ને તેને ધુત્કારીને કહ્યું કે-'હે મૂઢ,તારે જીવતા રહેવાની ઈચ્છા હોય તો તારે સભાઓમાં 'હું પાંડવોનો દાસ છું' એમ કહેવું.તને જો આ માન્ય હોય તો જ હું તને જીવતદાન આપું' જયદ્રથે કહ્યું-'ભલે હું એમ કરીશ'
પછી,ભીમે તેને રથમાં નાખ્યો ને યુધિષ્ઠિર પાસે લઇ ગયો.ને કહ્યું કે-તે પાંડુપુત્રોનો દાસ થયો છે.
યુધિષ્ઠિર બોલ્યા-'હું જો તારે મન માનયોગ્ય હોઉં તો આ અધમ આચરણવાળાને છોડી દે'
તે સમયે દ્રૌપદીએ યુધિષ્ઠિરની સામે જોઈને ભીમને કહ્યું-'તમે એને માથે પાંચ પટા પાડયા છે ને એ ધર્મરાજાનો દાસ થયો છે,એટલે તેને છોડી મુકો' આમ જયદ્રથને મુક્ત કરવામાં આવ્યો ત્યારે તેણે યુધિષ્ઠિરને પ્રણામ કર્યા.
યુધિષ્ઠિરે તેને કહ્યું-'જા,તને દાસપણામાંથી મુક્ત કર્યો,ફરીથી આવું અધમ ક્યારેય કરીશ નહિ,પરાઈ સ્ત્રીની કામના કરનાર તું નીચ છે ને તારા સહાયક પણ નીચ છે.તારામાં ધર્મબુદ્ધિ વધે.તું સુખેથી અહીંથી જા'
ત્યારે તે જયદ્રથ શરમાઈને મોં નીચું રાખીને,દુઃખાતુર થઈને ગંગાદ્વારે ચાલ્યો ગયો ને ત્યાં જઈને ઉમાપતિ શિવજીને શરણે જઈને પ્રચંડ તપસ્યા કરી,એટલે શિવજીએ પ્રસન્ન થઈને તેના પૂજનનો સ્વીકાર કરી વરદાન આપ્યું.
જયદ્રથે વરદાન માગ્યું કે-'હું પાંચ પાંડવોને તેમના સમસ્ત રથો સાથે યુદ્ધમાં જીતી લઉં'
ત્યારે શિવજીએ કહ્યું કે-'એમ તો નહિ જ થાય,તું અર્જુન સિવાયના અજેય ને અવધ્ય પાંડવોને રણભૂમિમાં
રોકી શકીશ ને એક દિવસ માટે તેમને જીતી શકશે.કેમ કે અર્જુન તો નર નામનો સુરેશ્વર છે,તેણે બદરિકાશ્રમમાં તપ કર્યું છે ને નારાયણ એના સહાયક છે.એ સર્વ લોકમાં અજિત છે અને દેવો પણ તેને પહોંચી શકે તેમ નથી.
મેં પણ એને મારું અજોડ પાશુપતાસ્ત્ર આપ્યું છે,વળી એ બીજા દિવ્યાસ્ત્રોને પણ પામ્યો છે.(30)
અર્જુનના સહાયક તે નારાયણ દેવાધિદેવ,અનંતાત્મા,સર્વવ્યાપક વિષ્ણુ,સુરોના ગુરુ,પ્રભુ,પ્રધાનપુરુષ,અવ્યક્ત,
વિશ્વાત્મા ને વિશ્વમૂર્તિ છે.યુગાંતકાલે તે કાલાગ્નિનું રૂપ લઈને સર્વ જગતને બાળી નાખે છે.ત્યારે મેઘો તે અગ્નિને શાંત કરે છે ને સમસ્ત જગત એ વૃષ્ટિથી ભરાઈ એક મહાસાગરરૂપ થઇ જાય છે.આમ ચાર હજાર યુગને અંતે પૃથ્વી જળમાં ડૂબી જાય છે ત્યારે ભગવાન નારાયણ,શેષનાગની શય્યામાં તે જળસમુદ્રમાં શયન કરે છે.
આ 'નારાયણ'નામના સંબંધમાં પંડિતો કહે છે કે-'નર'ના દેહમાંથી ઉત્પન્ન થયેલા જળનું નામ 'નાર' છે ને
આ 'નાર' જ એ ભગવાનનું 'અયન' (નિવાસસ્થાન) છે,તેથી તેમને 'નારાયણ' કહેવામાં આવે છે.(42)
તે પછી,સત્વગુણની વૃદ્ધિ થતાં,તેમણે જાગીને આ લોકને શૂન્ય થયેલો દીઠો,એટલે પ્રજા ઉત્પન્ન કરવાને તેમણે ધ્યાન કર્યું,ત્યારે તેમની ડુંટીમાંથી એક કમળ ઉપર આવ્યું,કે જેમાંથી ચતુર્મુખ બ્રહ્મા પ્રગટ થયા.
એ લોકપિતામહ બ્રહ્માએ પોતાના મનથી પોતાના જેવા મરીચિ-આદિ નવ ઋષિઓને સર્જ્યા
કે જે મહર્ષિઓએ સ્થાવર-જંગમ સર્વ પ્રાણીઓ,વૃક્ષો,મનુષ્યો આદિ ને જગતનું સર્જન કર્યું.(46)
આમ,પ્રજાધિપતિ ઈશ્વર (નારાયણ) બ્રહ્મદેવ (બ્રહ્મા)ના સ્વરૂપથી જગતનું સર્જન કરે છે,વિષ્ણુદેવના સ્વરૂપથી તેનું પાલન કરે છે અને રુદ્રદેવના સ્વરૂપથી તેનો સંહાર કરે છે.પ્રભુની આ ત્રણ અવસ્થાઓ છે (47)
હે સિંધુપતિ,વિષ્ણુના અદભુત કર્મોને તું જાણતો નથી.પૂર્વે જયારે પૃથ્વી પાર માત્ર જળ વ્યાપી રહ્યું હતું ત્યારે તેમણે વરાહનું રૂપ (અવતાર)ધારણ કરીને માત્ર એક જ દાઢ વડે પૃથ્વીને ઉપાડીને તેને સ્થાને મૂકી હતી.
ફરી,તેમને નૃસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો,એ જ કમલનયન પ્રભુ લોકહિતને અર્થે કશ્યપના પુત્ર વામન થયા,ને બલિરાજા પાસેથી ત્રણ ડગલામાં આખી પૃથ્વી લઇ ઇન્દ્રને આપી દીધી હતી.(69)
વામન અવતારના લીધે દેવોનો અભ્યુદય થયો એથી જગત 'વૈષ્ણવ'નામે કહેવાયું.
આમ,દુષ્ટોના દમણ મારે અને ધર્મની સંરક્ષા માટે યુગે યુગે અવતાર ધારણ કરનાર ભગવાન વિષ્ણુ (નારાયણ)
અત્યારે યદુભવનમાં મનુષ્યરૂપે શ્રીકૃષ્ણ સ્વરૂપે જન્મ્યા છે.ને આ જ શ્રીકૃષ્ણ અર્જુનનું રક્ષણ કરી રહ્યા છે,
આથી દેવો પણ દુઃસહ અર્જુનને જીતવા સમર્થ નથી તો કયો મનુષ્ય તેને જીતવાનો?
માટે એક એ અર્જુન સિવાય,તું પાંડવોને (માત્ર) એક દિવસ જીતી શકશે (77)
વૈશંપાયન બોલ્યા-મહાદેવે,જયદ્રથને આમ કહીને તેઓ ઉમા સાથે ત્યાંથી અંતર્ધાન થયા ને
મંદાત્મા જયદ્રથ પણ તેને ઘેર ગયો.ને પાંડવો કામ્યક વનમાં સુખેથી નિવાસ કરતા હતા (81)
અધ્યાય-૨૭૨-સમાપ્ત
જયદ્રથવિમોક્ષણ પર્વ સમાપ્ત