અધ્યાય-૨૭૧-સેનાનો સંહાર ને જયદ્રથ પલાયન
II वैशंपायन उवाच II संतिष्ठत प्रहरत तूर्ण विपरिधावत I इति स्म सैन्धवो राजा चोदयामास तान्न्रुपान् II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યારે સિંધુરાજ જયદ્રથે પોતાની સાથેના રાજાઓને સામે ધસવાની હાકલ કરી.
પણ,પાંડવોને જોઈને સૈન્યમાં ભયંકર શોર થવા લાગ્યો.ને શિબિ,સૌવીર ને સિંધુ દેશના યોદ્ધાઓ ખિન્ન થયા.
અતિ ભયંકર યુદ્ધ થયું કે જેમાં પાંડવોએ જયદ્રથના સૈન્યનો ઘાણ કાઢી નાખ્યો.સેનાના વીરપુરુષો માર્યા ગયા ત્યારે જયદ્રથ ગભરાઈ ગયો ને દ્રૌપદીને સૈન્યની ભીડમાં જ ઉતારીને,જીવ બચાવવાની ઇચ્છાએ ત્યાંથી ભાગ્યો.
ધર્મરાજે દ્રૌપદીને જોઈને રથમાં બેસાડી.ભીમે,જયદ્રથને ત્યાં જોયો નહિ એટલે તેણે કહ્યું કે-'હવે તમે દ્રૌપદીને લઈને અહીંથી પાછા ફરો,ને તેને સાંત્વન આપો,જયદ્રથ ગમે ત્યાં ભરાયો હશે પણ મારા હાથથી જીવતો નહિ જ છૂટે'
ત્યારે યુધિષ્ઠિર બોલ્યા-'હે મહાબાહુ,એ સિંધુરાજ દુરાત્મા છે,પણ દુઃશલા અને ગાંધારીને સ્મરણમાં રાખીને તેને હણવો ન ઘટે' (જયદ્રથ -એ કૌરવોની બહેન દુઃશલાનો પતિ હતો)
યુધિષ્ઠિરનાં વચનથી વ્યાકુળ ચિત્તવાળી દ્રૌપદીનો ક્રોધ સળગી ઉઠ્યો,ને ભીમ અને અર્જુનને કહેવા લાગી કે-
'તમારે મારુ કંઈ પ્રિય કરવું જ હોય તો તે નરાધમ,નીચ,દુર્મતિયા અને કુળકલંક જયદ્રથને મારી જ નાખવો
જોઈએ.જે વેરી,ભાર્યાનું અપહરણ કરે,તે કરગરે તો પણ તેને જીવતો છોડવો જોઈએ નહિ'
ભીમસેન અને અર્જુન.શત્રુ એક કોશ દૂર નાસી ગયો છે-તે સાંભળીને તેની પાછળ પડ્યા.અર્જુને એક કોશ દૂરથી જ જયદ્રથના ઘોડાઓને હણી નાખ્યા.ત્યારે જયદ્રથ રથથી નીચે ઉતરીને વનમાં ભાગવા લાગ્યો.
ભીમે 'ઉભો રહે ઉભો રહે' કહીને તેની પર ધસારો કર્યો ત્યારે અર્જુને તેને કહ્યું-'તેને મારશો નહિ' (60)
અધ્યાય-૨૭૧-સમાપ્ત
દ્રૌપદીહરણ પર્વ સમાપ્ત