Jun 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-534

 

અધ્યાય-૨૬૯-પાંડવોએ જયદ્રથનો પીછો પકડ્યો 


II वैशंपायन उवाच II ततो दिशः संप्रविहृत्य पार्थो मृगान्वराहान्महिपांश्व हत्वा I 

धनुर्धराः श्रेष्ठतमाः पृथिव्यां पृथक्चरंतः सहिता वभूवु II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,અલગ અલગ મૃગયા માટે નીકળેલા તે પૃથાપુત્રો,મૃગો,વરાહો ને પાડાઓને મારીને એકસ્થાને

ભેગા થયા,ત્યારે મૃગોની ચીસભરી અમંગળ વાણી સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું-'મને અમંગળનાં એંધાણ લાગે છે,મારુ મન

બળે છે આપણે જલ્દી પાછા ફરીએ' એમ કહી તેઓ રથમાં બેસી પાછા આવવા નીકળ્યા.

રસ્તામાં તેમણે દ્રૌપદીની બાળવયની દાસીને રડતી જોઈ તેમની પાસે ગયા ત્યારે તેણે કહ્યું કે-

'પાંડવોનો અનાદર કરીને જયદ્રથ,કૃષ્ણાને બલાત્કારે હરી ગયો છે,તેમના જવાથી પડેલા ચીલા હજુ તાજા જ છે,

તમે ઝટ રથ ફેરવો ને તેમની પાછળ જાઓ,કેમ કે તે હજુ દૂર પહોંચ્યા નહિ હોય'

પાંડવો તરત જ તે માર્ગે ત્વરાથી જવા લાગ્યા.ત્યાં તેમણે પાળાઓની વચ્ચે રહેલા ધૌમ્યને મદદ માટે બૂમ મારતા  જોયા.પાંડવોએ તેમને સાંત્વન આપી પાછા વળવા કહ્યું અને તેમણે તરત જ જયદ્રથના સૈન્ય પર ધસારો કર્યો.

દૂરથી પાંચાલીને જયદ્રથના રથમાં જોઈને પાંડવો,જયદ્રથને મોટેથી પડકારવા લાગ્યા (28)

અધ્યાય-૨૬૯-સમાપ્ત 


અધ્યાય-૨૭૦-દ્રૌપદીએ જયદ્રથને પાંડવોની ઓળખ આપી 


II वैशंपायन उवाच II ततो घोरतरः शब्दो वने समभवत्तदा I भीमसेनार्जुनौ दष्ट्वा क्षत्रियाणाममर्षिणां II १ II

વૈશંપાયન બોલ્યા-તે સમયે ભીમ અને અર્જુનને જોઈને તે ક્રોધી ક્ષત્રિયોએ વનમાં અતિ ભયંકર શોર ગજવી મુક્યો.

પાંડવોના રથની ધજાઓને જોઈને જયદ્રથ નિસ્તેજ થઇ ગયો ને દ્રૌપદીને કહેવા લાગ્યો કે-આ પાંચ રથોમાં તારા પાંચ પતિઓ આવી રહયા છે તો તેમની મને મોટાથી આરંભીને ઓળખાણ કરાવ.


દ્રૌપદી બોલી-'આવું આયુષ્યઘાતક કર્મ કર્યા પછી તું એ મહાધનુર્ધરોને ઓળખીને શું કરશે?એમનાથી હવે તારી સેનામાંથી કોઈ બચવાનું નથી.તું પણ નહિ.એ સર્વને જોયા પછી હવે મને વ્યથા રહી નથી,કે મને તારો ભય પણ નથી.તારા પ્રશ્નનો જવાબ આપવો મારો ધર્મ છે એટલે કહું છું કે-એ ગૌરવર્ણા ધર્માચારી નરવીર યુધિષ્ઠિર,

શરણાગત શત્રુને પણ જીવતદાન આપે છે,માટે તું શસ્ત્રો છોડીને તેમની શરણે જા.આ ભવાં ને ભમ્મરને એકસાથે ચડાવી દીધેલા મહાબાહુ વૃકોદર (ભીમ) છે.તેમનો અપરાધ કરનારાઓનો શેષ સરખો પણ રહેતો નથી.

આ ગાંડીવધારી અર્જુન છે,કે જે અગ્નિ જેવા તેજસ્વી છે ને શત્રુઓને ઘડીભરમાં ધૂળ ચાટતા કરી મૂકે છે.

પાંડવોના પ્રાણથી પણ પ્રિય એવા આ નકુલ ને સહદેવ છે.કે જે શૂર તારા સર્વ યોદ્ધાઓને હણી નાખવા શક્તિમાન છે.મોહથી આ જે પાંડવોનો અનાદર કરીને તેં જે પ્રવૃત્તિ આદરી છે,તેમનાથી જો તું આજે અક્ષતદેહે બચવા પામે તો આ જન્મમાં જ તને પુનર્જન્મ મળ્યો છે એમ સમજજે' પછી,તે પાંચ ઇન્દ્ર જેવા ક્રોધાતુર પાંડવોએ,જયદ્રથની સેનાને ચારે બાજુથી ઘેરી લઈને તેમના પર બાણોની વર્ષાં કરીને અંધકાર કરી દીધો (21)

અધ્યાય-૨૭૦-સમાપ્ત