Jun 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-533

 

અધ્યાય-૨૬૮-જયદ્રથે કરેલું દ્રૌપદીનું હરણ 


II वैशंपायन उवाच II सरोपरागोपहयेत वल्गुना सरागनेत्रेण नतोन्नतभ्रुवा I 

मुखेन विस्फ़ुर्य सुवीरराष्ट्रयं ततोब्रवितं द्रुपदात्मजा पुनः  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રોષથી લાલ થયેલી આંખોથી દ્રૌપદી ફૂંફાડો કરીને બોલી કે-'મહારથી પાંડુપુત્રો વિશે  આવા અપમાનજનક શબ્દો બોલતાં તને લાજ કેમ આવતી નથી? તું ધર્મરાજને જીતવાના કોડ રાખે છે,પણ એ તો હિમાલયની તળેટીમાં વિચરતા માતંગને હાથમાં લાઠી લઈને તેના ટોળામાંથી છૂટો પાડવા જેવું છે.તું ક્રોધમાં આવેલા ભીમને જોઇશ તો તું નાસવા માંડશે.અર્જુનને છંછેડવો તે સુતેલા સિંહને લાત મારવા સમાન છે.

પાંડવોથી સારી રીતે રક્ષાયેલી એવી મને તું તારા વિનાશ માટે જ પકડવાની ચેષ્ટા કરે છે'

જયદ્રથ બોલ્યો-હે કૃષ્ણા,હું જાણું છું કે તે નરપતિપુત્રો કેવા છે.પણ તું આજે એમની બીક બતાવી મને ડરાવી શકે તેમ નથી.અમે બધા આઠ સંધાન કર્મો ને નવ શક્તિ,એવા સત્તર ગુણોવાળા કુળોમાં જન્મ્યા છીએ અને પાંડવો કરતાં છ ગુણો (શૌર્ય,તેજ,ધૃતિ,દાક્ષિણ્ય,દાન અને ઐશ્વર્ય)માં અધિક છીએ,તેથી પાંડવોને અમે ઉતરતા માનીએ છીએ.તું તત્કાલ રથમાં બેસ,ને સૌવીર રાજ (મારી-જયદ્રથ)ની કૃપાની ઈચ્છા કર.(12)


દ્રૌપદી બોલી-હું મહાબલવતી છું,છતાં તું મને નિર્બળ માને છે.મને અહીંથી બળપૂર્વક લઇ જવામાં આવશે તો પણ હું તારી આગળ કદી દીન બનીશ નહિ.જેની રક્ષા માટે સ્વયં શ્રીકૃષ્ણ ને અર્જુન નીકળે તેવી મને,ઇન્દ્ર પણ હરી શકે તેમ નથી,તો તારી શું વિસાત?ગાંડીવનાં બાણો ને ભીમની ગદાના પ્રહારો તું સહન કરી શકીશ નહિ.

તું નીચ મને બળાત્કારે લઈ જવાનું કાર્ય કરે છે,પણ હું તેથી ગભરાઈ જાઉં તેમ નથી.


આ પ્રમાણે કહ્યા છતાં,તેઓ પોતાને પકડવાને આવતા જોઈ,દ્રૌપદીએ ધૌમ્ય પુરોહિતને હાક મારી.પણ તે જ સમયે જયદ્રથે તેને પકડીને ઘસડીને રથમાં લઇ ગયો.ધૌમ્ય આવીને કહેવા લાગ્યા કે-'તું નીચ કામ કરી રહ્યો છે,તને પાંડવોનો ભેટો થશે ત્યારે તને પાપી ફળ નિઃસંશય મળશે' આમ કહી તે દ્રૌપદીની પાછળ જવા લાગ્યા (28)

અધ્યાય-૨૬૮-સમાપ્ત