May 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-531

 

અધ્યાય-૨૬૫-કોટિકાસ્યના દ્રૌપદીને પ્રશ્નો 


II कोटिक उवाच II का त्वं कदम्बस्य विनाम्य शाखा मेकाश्रमे तिष्ठति शोभमाना I 

देदिप्य्मानाग्निशिखेव नक्तं व्याधुयमाना पवनेन सुभ्रूः II १ II

કોટિક બોલ્યો-હે સુંદર ભ્રકૃટીવાળી,કદંબની ડાળી નમાવીને,આશ્રમમાં એકલી ઉભેલી તું કોણ છે?

રાત્રે પવનથી ડોલી રહેલી ઝગઝગતી અગ્નિજ્વાળાની જેમ તું શોભી રહી છે,તું અત્યંત સ્વરૂપવાન છે છતાં શું આ અરણ્યમાં ભય નથી પામતી ? તું દેવી,યક્ષી,દાનવી,અપ્સરા છે? કે કોઈ દૈત્યરાજની પત્ની કે નાગરાજની કન્યા છે?

અથવા તું વરુણ,યમ,સોમ,ધાતા,વિધાતા,સવિતાદેવ કે ઇન્દ્રની પત્ની છે? હે ભદ્રા,અમે તારું માન વધારીને 

તારા કુળ,બંધુઓ ને પતિ વિશે પૂછીએ છીએ.ને અહીં તું શું કરે છે? તે વિષે સાચેસાચું કહે.

હું સુરથનો પુત્ર કોટિકાસ્ય છું અને આ જે રથમાં બેઠા છે તે ત્રિગર્ત આદિ જુદા જુદા દેશના રાજાઓ છે.

વળી,તેં જો જયદ્રથનું નામ સાંભળ્યું હોય તો તે રાજા જયદ્રથ પણ સામે જ ઉભો છે.એ જયદ્રથ જયારે સેનાઓ સાથે પ્રયાણ કરે છે ત્યારે અગ્નિઓ જેવા અંગારક,કુંજર-આદિ બાર સૌવીરદેશમાં રહેનાર રાજપુત્રો,રથમાં બેસી ને હાથમાં

ધજા લઈને તેની પાછળ ચાલે છે.તેના બલહાક આદિ ભાઈઓ પણ તેને અનુસરે છે.ને તેની રક્ષા કરે છે.

હે સુંદર કેશવાળી,તું અમને કહે કે-તું કોની પુત્રી છે? ને કોની પત્ની છે? (14)

અધ્યાય-૨૬૫-સમાપ્ત 


અધ્યાય-૨૬૬-દ્રૌપદીનાં વચન


II वैशंपायन उवाच II अथाब्रवीद द्रौपदी राजपुत्री पृष्टा शिविनां प्रवरेण तेन I 

अवेक्ष्य मंदं प्रविमुच्य शाखां संगृह्नति कौशिकमुत्तरियम  II १ II

વૈશંપાયન બોલ્યા-શિબિવંશશ્રેષ્ઠ કોટિકાસ્યે આમ પૂછ્યું એટલે રાજપુત્રી દ્રૌપદીએ કદંબની ડાળીને છોડીને

પોતાનું રેશમી વસ્ત્ર સંકોરી સરખું કર્યું ને પછી તેની સામે મંદ નિરીક્ષણ કરતી કરતી તે બોલી કે-

'હે રાજપુત્ર,હું બુદ્ધિપૂર્વક સારી રીતે સમજુ છું કે મારા જેવીએ તારી સાથે બોલવું જોઈએ નહિ,પણ તારા બોલનો

ઉત્તર આપી શકે તેવો કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી આ આશ્રમમાં નથી.અત્યારે હું એકલી છું,એટલે તને કહું છું કે-


સ્વધર્મમાં પરાયણ રહેનારી હું એકલી શા માટે તારા જેવા એકલા સાથે આ અરણ્યમાં વાત કરું?

હું તને અને તારા કુલ વિશે  જાણું છું,હું દ્રુપદરાજની દીકરી કૃષ્ણા છું ને પાંચ પાંડવોની પત્ની છું.

યુધિષ્ઠિર,ભીમ,અર્જુન,નકુલ ને સહદેવ એ પાંચે પાંડવો મૃગયા માટે ગયા છે.ને તેમના પાછા આવવાનો સમય થયો છે.

એમ હું માનું છું.તમે સર્વ અહીં ઉતરો ને પાંડવોનો આદરસત્કાર ગ્રહણ કરીંને તમારી ઈચ્છા પ્રમાણે જાઓ.

ધર્મરાજ યુધિષ્ઠિરને અતિથિઓ પ્રિય છે,એટલે તમને જોઈને પ્રસન્નતા પામશે'

આમ કહીને દ્રૌપદી પ્રસન્નતાપૂર્વક પોતાની પર્ણશાળામાં ગઈ.(9)

અધ્યાય-૨૬૬-સમાપ્ત