May 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-530

 

અધ્યાય-૨૬૪-દ્રૌપદી પર મોહિત થયેલો જયદ્રથ 


II वैशंपायन उवाच II तस्मिन्वहुमृगेरण्ये अटमाना महारथाः I काम्यके भरतश्रेष्ठ विजह्युस्ते यथामरा II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મહારથી પાંડવો,તે પુષ્કળ મૃગવાળા કામ્યક વનમાં ફરતા રહી,દેવોની જેમ વિહાર

કરતા હતા.એકવાર તે પાંડવો દ્રૌપદીને આશ્રમમાં મૂકી, એકી સાથે ચારે દિશામાં મૃગયા માટે ગયા હતા.

તે વખતે સિંધુદેશનો રાજા,વૃધક્ષત્રનો પુત્ર,જયદ્રથ કે જે વિવાહની ઇચ્છાએ શાલ્વદેશ તરફ જઈ રહ્યો હતો,તે 

મોટા રસાલા ને રાજાઓ સાથે કામ્યક વનમાં આવી પહોંચ્યો.ત્યાં તેણે દ્રૌપદીને તે વનના આશ્રમના આંગણામાં

ઉભેલી જોઈ.અનુપમ રૂપને ધારણ કરેલી ને દેહકાંતિથી ઝગમગતી દ્રૌપદીને જોઈને તે વિચારમાં ને

વિસ્મયમાં પડ્યો કે-'આ કોઈ અપ્સરા,દેવકન્યા કે દેવે નિર્મેલી માયા હશે?'

કામથી મોહિત થઈને તેણે કોટિકાસ્ય રાજાને કહ્યું કે-નિષ્કલંક અંગવાળી આ કોની પત્ની છે? આ માનુષી હોય

એમ મને લાગતું નથી,મને જો આ અતિસુંદર સ્ત્રી મળી જાય તો પછી મારે વિવાહનું કોઈ પ્રયોજન રહે નહિ,

હું આને જ લઈને પાછો ચાલ્યો જઈશ,તું જઈને આની ભાળ કાઢી આવ કે-એ સુંદર ભ્રમરવાળી કોની સ્ત્રી છે?ક્યાંની છે?

ને શા માટે આ કંટકવનમાં આવી છે? આ સુંદરી મારો સ્વીકાર કરે તો એને પ્રાપ્ત કરીને હું કૃતાર્થ થઇ જાઉં.

હે કોટિક,તું જઈ ને જાણી લાવ કે તેનો સ્વામી કોણ છે? (16)

જયદ્રથનાં વચન સાંભળીને એ કુંડલધારી કોટિકાસ્ય રથમાંથી નીચે ઉતરી અને 

જેમ,શિયાળ વાઘણને પૂછે એમ,દ્રૌપદી પાસે જઈને તેને આ પ્રમાણે પૂછવા લાગ્યો (17)

અધ્યાય-૨૬૪-સમાપ્ત