અધ્યાય-૨૬૩-દુર્વાસા પલાયન થઇ ગયા
II वैशंपायन उवाच II
ततः कदाचिद्दुर्वासाः सुखासीनांस्तु पांडवान् I भुत्तवा चावस्थितां कृष्णां ज्ञात्वा तस्मिन्वने मुनि II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,એકવાર,પાંડવો ને કૃષ્ણાને ભોજનથી પરવારીને સુખપૂર્વક બેઠેલા જાણીને દુર્વાસા મુનિ
પોતાના દશ હજાર શિષ્યો સાથે તેમની પાસે આવ્યા.યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું ને આસન પર બેસાડીને આતિથ્ય (ભોજન-આદિ) સ્વીકારવાનું નિમંત્રણ આપીને કહ્યું કે-આપ સ્નાન,નિત્યકર્મ પતાવીને પાછા પધારો'
એટલે દુર્વાસા પોતાના શિષ્યો સાથે સ્નાન કરવા નદીએ ચાલ્યા ગયા.
ત્યારે દ્રૌપદી ભારે ચિંતામાં પડી ગઈ.કેમ કે સૂર્યના આપેલા અક્ષય પાત્રમાં પોતે જમી રહે ત્યાં સુધી જ અન્ન રહેતું હતું,એટલે 'હવે અન્ન ક્યાંથી આવશે?' તેના વિચારથી ને દુર્વાસાના ક્રોધથી ભયભીત થઇ,એટલે તે શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને તેમને પ્રાર્થના કરવા લાગી કે-'હે કૃષ્ણ,હે વાસુદેવ,હું તમારા શરણે આવી છું,કૃપા કરીને પૂર્વે તમે મને જેમ સભામાં દુઃશાસનથી છોડાવી હતી,તેમ મને આ સંકટમાંથી ઉગારો.મારો ઉદ્ધાર કરો.(16)
કૃષ્ણાએ,કૃષ્ણદેવની સ્તુતિ કરી,ત્યારે તે દેવાધિદેવ,તેનું સંકટ તરત જાણી ગયા.પડખે સુતેલી રુક્મિણીને શયનમાં જ છોડીને એ અચિંત્ય ગતિવાળા સમર્થ નાથ ત્વરાથી ત્યાં દોડી આવ્યા.દ્રૌપદીએ હાથ જોડીને દુર્વાસાના આગમનની ને અન્નની વાત કરી ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા-'હે કૃષ્ણા,મને કકડીને ભૂખ લાગી છે તું મને ઝટ ભોજન આપ પછી,બીજું બધી વાત કર' કૃષ્ણા ઓલી-'હે દેવ,સૂર્યનારાયણના પાત્રમાં હું જમી લઉં ત્યાં સુધી જ અન્ન રહે છે,મેં ભોજન લઇ લીધું છે એટલે હવે અન્નનો દાણો સરખો પણ નથી,તો તમને પણ હું શું આપું?'
શ્રીકૃષ્ણ બોલ્યા-'હે કૃષ્ણા,આ મશ્કરીનો સમય નથી,હું ભૂખ્યો છું,તું ઝટ તે પાત્ર લઇ આવ ને મને બતાવ'
શ્રીકૃષ્ણના આગ્રહથી કૃષ્ણા તે પાત્ર લઇ આવી,તે પાત્રની ધાર પર એક ભાજીની કણી ચોંટેલી હતી,તે લઈને શ્રીકૃષ્ણે પોતાના મોમાં મૂકી અને કહ્યું કે-'વિશ્વના આત્મા શ્રીહરિ અને સર્વ આત્મા પ્રસન્ન થાઓ'
પછી,શ્રીકૃષ્ણે સહદેવને કહ્યું કે-'તું ત્વરાથી જઈને તે ઋષિઓને જમવા માટે બોલાવી લાવ'
આથી,સહદેવ નદીએ દુર્વાસા ને તેમના શિષ્યોને બોલાવવા ગયો.
તે સમયે.મુનિઓ,જળમાં ઉતરીને અઘમર્ષણ કરી રહ્યા હતા.ત્યારે તેમને તૃપ્તિપૂર્વક અન્ન જમ્યાના ઓડકારો આવવા લાગ્યા.ને સર્વ મુનિઓએ દુર્વાસા સામે જોઈને કહ્યું કે-આપણે યુધિષ્ઠિરને ભોજન તૈયાર કરાવવાનું કહીને અહીં સ્નાન માટે આવ્યા,પણ અમે તો ગળા સુધી ધરાઈ ગયા છીએ,આપણે તેમની રસોઈ બગડાવી,હવે શું ?
દુર્વાસા બોલ્યા-'યુધિષ્ઠિરની રસોઈ રઝળાવીને આપણે મહાન અપરાધ કર્યો છે,હવે આપણને જોતાં જ તે પાંડવોનો ક્રોધથી સળગી ઉઠી આપણને બાળી ન નાખે તો સારું.રાજર્ષિ અંબરીશનો (હરિચરણના આશ્રયીનો) પ્રભાવ સંભાળીને
હું શ્રીહરિના ભક્તજનોથી બીઉં છું.માટે તેમને કહ્યા વિના જ અહીંથી ચાલ્યા જઈએ'
દુર્વાસાના આવા વાક્યથી સર્વે બ્રાહ્મણો ને દુર્વાસા ત્યાંથી પલાયન થઇ ગયા.સહદેવ તેમને ખોળવા લાગ્યો પણ તેમનો પત્તો મળ્યો નહિ એટલે પાછા આવીને તેણે સર્વ વૃતાંત કહ્યો.છતાં,પાંડવો તેમના અવવાની રાહ જોઈને બેસી રહ્યા.તેમને મનમાં ફાળ હતી કે-આ દુર્વાસા અચાનક મધરાતે આવીને ભોજન માગશે તો?
પાંડવોને આમ નિસાસા નાખતા જોઈને શ્રીકૃષ્ણે કહ્યું કે-'દુર્વાસા તરફથી આવેલી આ આપત્તિ વખતે કૃષ્ણાએ મારુ ચિંતન કર્યું એટલે જ હું અહીં આવ્યો છું,હવે દુર્વાસા તરફથી કોઈ ભય નથી.તે તમારા તેજથી ભય પામીને પલાયન થઇ ગયા છે.જેઓ ધર્મપરાયણ છે તેમને કદી આપત્તિ નથી,તમારું મંગલ થાઓ,હવે હું જઈશ'
કેશવના વચનોથી પાંડવોના મન સ્વસ્થ થયાં સંતાપમુક્ત થઈને તે કૃષ્ણને કહેવા લાગ્યા કે-'હે ગોવિંદ,તમે અમારા
નાથ છો.અમે તમ તારણહારનો આશ્રય કરીને આ દુસ્તર આપત્તિને પાર કરી ગયા છીએ,તમારું કલ્યાણ હો'
શ્રીકૃષ્ણના ગયા પછી પાંડવો પ્રફુલ્લ મનથી વનમાં વિહાર કરી વસવા લાગ્યા.
વૈશંપાયન બોલ્યા-હે રાજન,આમ,દુર્યોધનનાં યોજેલાં અનેકવિધ વ્યકપટોર્થ ગયાં હતાં.(49)
અધ્યાય-૨૬૩-સમાપ્ત