અધ્યાય-૨૬૧-સ્વર્ગના ગુણદોષ
II देवदूत उवाच II महर्षे आर्ययुध्द्विस्तवं यः स्वर्गसुखमूत्ततं I संप्राप्तं बहु मन्तव्यं विमृशस्ययुधो यथा II १ II
દેવદૂત બોલ્યો-હે મહર્ષિ,તમારી બુદ્ધિ ઘણી શ્રેષ્ઠ છે કેમ કે તમને ઉત્તમ અને માનનીય સ્વર્ગસુખ મળ્યું છે તો પણ તમે એને વિશે અજાણ્યાની જેમ વિચારી રહ્યા છો.હે મુનિ,સ્વર્ગલોક આ લોકથી ઉપર છે અને એ 'સ્વર' નામે પણ ઓળખાય છે.એ ઉર્ધ્વગામી છે,સત્પથ (ક્રમમુક્તિનું સ્થાન) છે અને અર્ચિ વગેરે દેવયાનથી જણાતા લોકો એ સ્થાનમાં સંચાર કરે છે.જે પુરુષો તપ તપતા નથી,જે મહાયજ્ઞ કરતા નથી,જે અસત્ય બોલનારા ને નાસ્તિક છે તેઓ ત્યાં જઈ શકતા નથી.પરંતુ જેઓ ધર્માત્મા છે,વશ મનવાળા છે,શાંત છે,જિતેન્દ્રિય છે,મત્સરરહિત છે,દાનધર્મમાં પરાયણ છે ને યુદ્ધમાં શૂરાઓ છે,તેઓ શમદમરૂપી શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરીને ત્યાં જાય છે.(5)
હે મુનિ,દેવો,સાધ્યો,ગંધર્વો અને અપ્સરાઓ-એ સર્વ દેવસમુહોના પ્રકાશમાન,ઈચ્છીત વસ્તુઓથી ભરેલા અને જ્યોતિર્મય એવા જુદાજુદા અનેક શુભ લોકો છે.ત્યાં તેત્રીસ હજાર યોજનનો મેરુ નામનો સુવર્ણમય પર્વતરાજ છે.
તેમાં નંદન-આદિ પવિત્ર ઉપવનો ને પુણ્યકર્મ કરનારાઓના વિહારસ્થાનો આવેલાં છે.ત્યાં ભૂખ,તરસ,ઠંડી,ગરમી ભય કે બીભત્સ એવું કશું જ નથી. સર્વત્ર સુગંધ ને સુખદાયી સ્પર્શવાહી વસ્તુઓ છે.ત્યાં સર્વત્ર કાનને અને મનને પ્રિયકારી મધુર ધ્વનિઓ ચાલે છે.ત્યાં શોક,વૃદ્ધાવસ્થા,શ્રમ અને રુદન નથી.
હે મુનિ,આવો તે સ્વર્ગલોક સત્કર્મોનો ફળ આપનારો છે ને મનુષ્ય ત્યાં પોતાના સત્કર્મોથી જાય છે.ત્યાં જનારાઓનાં શરીરો તૈજસ શરીરો હોય છે ને માતપિતાના સંબંધથી ઉત્પન્ન થયેલાં હોતાં નથી.તે શરીરોમાં પરસેવો કે મળમૂત્ર થતાં નથી,દુર્ગંધ નથી કે ત્યાં વસ્ત્રોને ધૂળ લાગતી નથી.તેમની દિવ્ય ગંધવાળી મનોરમ માળાઓ ચીમળાતી નથી.તેમને આ પ્રકારનાં વિમાનો મળે છે.સ્વર્ગને જીતનારા મનુષ્યો,ઈર્ષ્યા,શોક,ગ્લાનિ,મોહ ને મત્સર્યંથી મુક્ત હોય છે અને ત્યાં સુખપૂર્વક નિવાસ કરે છે.
આ પ્રકારના તે દિવ્ય લોકોમાંના એકએક લોકની ઉપર ઉપર બીજા દિવ્ય ગુણવાળા ઘણા લોકો છે.એ સર્વની ઉપર બ્રહ્માના તેજોમય શુભ લોકો છે.તેમાં પોતાના શુભ કર્મોથી પવિત્ર થયેલા ઋષિઓ જાય છે.તે લોકોથી ઉપર દેવોના દેવ ઋભુ નામના દેવતાઓના બીજા લોકો છે.દેવતાઓ પણ તે ઋભુઓનું પૂજન કરે છે.તે લોકો સ્વપ્રકાશથી પ્રકાશમાં,તેજસ્વી,ઉત્તમ ને મનોરથોને પૂર્ણ કરનારા છે.એક લોકના નિવાસીઓને સ્ત્રી સંબંધી તાપ કે લોકઐશ્વર્ય સંબંધી મત્સર હોતો નથી.તેઓ આહુતિ પર જીવતા નથીને અમૃતનું પણ ભોજન કરતા નથી,
તેમનાં શરીર દિવ્ય છે ને તેઓ સ્થૂળ (દ્રશ્ય) શરીરધારી નથી.તેઓ સુખમાં રહે છે ને સુખની કામના કરતા નથી.
કલ્પ ના પરિવર્તન સમયે તેઓ પરિવર્તન પામતા નથી,તો તેમને વૃદ્ધાવસ્થા કે મરણ તો ક્યાંથી હોય?
તેઓ હર્ષ,પ્રીતિ,સુખ દુઃખ,રાગદ્વેષથી મુક્ત છે.દેવો પણ તે પરમ દુર્લભ ગતિને ઈચ્છે છે.
શ્રેષ્ઠ નિયમો પાળી,વિધિપૂર્વક દાન આપીને બુદ્ધિમાનો જે દેવોના લોકોને પામે છે તે તેત્રીસ છે.
તમે દાન આપીને એ સમૃદ્ધિને પ્રાપ્ત કરી છે તો તે સંપત્તિને તમે તપ વડે ભોગવો.(26)
હે વિપ્ર,આ સર્વ મેં સ્વર્ગના ગુણો વિશે કહ્યું,હવે તે સ્વર્ગના દોષો વિશે કહું છું તે સાંભળો.
ત્યાં સ્વર્ગમાં તો કરેલાં કર્મોનાં ફળ ભોગવવા મળે છે,પણ ત્યાં બીજાં કર્મ થઇ શકતાં નથી.ત્યાં તો મૂળ મૂડી
વાપરીને જ ભોગ ભોગવવાના હોય છે.આમ સત્કર્મરૂપી મૂડી ખર્ચાઈ જાય ત્યારે ત્યાંથી પતન થાય છે.
ત્યાંથી પતન પામવાની ઘડી આવે છે ત્યારે જીવોનું જ્ઞાન ઓછું થઇ જાય છે,તેમને મોહ ઘેરવા માંડે છે ને ભય ઉત્પન્ન થાય છે.આ દારુણ દોષો તો બ્રહ્મા સુધીના સર્વ લોકોમાં છે.પણ સ્વર્ગમાંથી પતન પામનારને એક શ્રેષ્ઠ લાભ છે કે શુભ કર્મના સંસ્કારોને લીધે તે મનુષ્યોમાં જન્મ પામે છે ને ત્યાં સુખનો ભોક્તા થાય છે.
પણ,જો તે ત્યાં કર્મ કરવા સંબંધમાં જાગ્રત ન રહે તો અધમતાને પામે છે.આમ આ લોકમાં જે કર્મ કરવામાં
આવે છે,તેનો પરલોકમાં ઉપયોગ થાય છે.આ લોક કર્મભૂમિ છે અને સ્વર્ગ ફળભૂમિ છે એમ મનાયું છે.(35)
મુદ્દગલ બોલ્યા-'સ્વર્ગના દોષો તમે કહ્યા પણ હવે બીજો કોઈ કેવળ નિર્દોષ લોક હોય તો તે વિશે કહો'
દેવદૂત બોલ્યો-બ્રહ્માના લોકની ઉપર વિષ્ણુનું પરમબ્રહ્મપદ છે,તે શુદ્ધ,સનાતન ને જ્યોતિરૂપ છે.મમતા વિનાના,અહંકારરહિત,સુખદુઃખાદિ દ્વંદ્વોથી પર,ઇન્દ્રિયોને વશ રાખનારા અને ધ્યાનયોગમાં પરાયણ મનુષ્યો જ ત્યાં જાય છે.હે મુદ્દગલ,આ તમે જે પૂછ્યું તે વિશે મેં તમને કહ્યું,હવે આપણે જઈએ વિલંબ કરો નહિ (40)
વ્યાસ બોલ્યા-દેવદૂતના વચનો સાંભળીને મુદ્દગલે વિચાર કરીને કહ્યું કે-'હે તાત,તમે સુખેથી જાઓ.મારે સ્વર્ગનું કે સુખનું કોઈ કામ નથી.હું તો કેવળ તે શુદ્ધ પરમબ્રહ્મપદને જ શોધીશ.કે જ્યાં જઈને કોઈ શોક કરવાનો રાહતો નથી,કોઈ વ્યથા રહેતી નથી કે પાછા નીચે પડવાપણું રહેતું નથી' પછી,તે સર્વમાં સમભાવ રાખી,ધ્યાનયોગથી ધ્યાનપરાયણ થઇ,પરમ બુદ્ધિને પ્રાપ્ત કરીને અવિનાશી નિર્વાણરૂપ લક્ષણવાળી પરમસિદ્ધિને પામ્યા (47)
આથી,હે કૌંતેય,તારે પણ શોક કરવો જોઈએ નહિ,તું ઐશ્વર્ય ને રાજ્યથી ભ્રષ્ટ થયો છે પણ
તપથી તારું રાજ્ય ફરી પ્રાપ્ત કરશે.મનુષ્યને સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ પ્રાપ્ત થાય છે,
તેર વર્ષ વીત્યા પછી,તું તારું રાજ્ય પાછું પામશે જ.મનમાં સંતાપ કરીશ નહિ.'
આ પ્રમાણે,તે વ્યાસ,યુધિષ્ઠિરને કહીને તપ કરવા પોતાના આશ્રમે ચાલ્યા ગયા (51)
અધ્યાય-૨૬૧-સમાપ્ત
વ્રીહીદ્રૌણિક પર્વ સમાપ્ત