May 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-526

 

અધ્યાય-૨૬૦-મુદ્દગલનો દાનધર્મ 


II युधिष्ठिर उवाच II व व्रीहिद्रोण: परित्यक्तः कथं तेन महात्मना I कस्मै दत्तश्च भगवन विधिना केन चात्थ मे II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે ભગવન,મહાત્મા મુદ્દગલે,કેવી રીતે,કોને ને કયી વિધિથી દ્રોણભેર ડાંગરનું દાન કર્યું હતું?'

વ્યાસ બોલ્યા-હે રાજન,કુરુક્ષેત્રમાં મુદ્દગલ નામના એક ધર્માત્મા હતા.તે જિતેન્દ્રિય,શીલૉંછ વૃત્તિથી રહેતા હતા.

(ખેતરમાં વેરાયેલા કણસલાં ને દાણાઓ વીણી લાવી તે વડે નિર્વાહ કરવો તેને શીલૉંછ (શીલ+ઉંછ) વૃત્તિ કહે છે)

તે નિત્ય (પશુબલિની અપેક્ષા વિનાનો-પૂનમ ને અમાસે) ઇષ્ટિકૃત નામનો યજ્ઞ કરતા હતા.ને પુત્ર તથા પત્ની સાથે તે મુનિ એક એક પખવાડિયે આહાર કરતા.કણકણ ભેગા કરીને,પખવાડિયે તે એક દ્રોણ (બત્રીસ શેર) ડાંગર એકઠી કરતા,ને ઇષ્ટિયજ્ઞમાં તે દેવો ને અતિથિઓને આપ્યા પછી શેષ રહેલું અન્ન અતિથિઓના દર્શન થતાં વૃદ્ધિ પામ્યા કરતું.ને તેથી સેંકડો બ્રાહ્નણો ને પોતે પણ તે અન્નથી પોતાનો દેહનિર્વાહ કરતા.(10)

એકવાર,દુર્વાસા ઋષિ તેમની પાસે આવ્યા ને બોલ્યા-'હે દ્વિજ,હું અન્નને અર્થે આવ્યો છું'

ત્યારે મુદ્દગલે તેમનો સત્કાર કરીને શ્રદ્ધાપૂર્વક ભોજન આપ્યું,કે જે તે દુર્વાસા સર્વ અન્ન જમી ગયા.

એ જ પ્રમાણે બીજા પખવાડિયે પણ તે આવીને સર્વ અન્ન જમી ગયા.નિરાહાર રહેલા તે મુદ્દગલ મુનિ ફરી ફરી

કણકણ વીણવા લાગ્યા પણ તેમના મનમાં ભૂખ કશો જ વિકાર લાવી શકી નહિ.

આવી રીતે છ પખવાડિયા આવીને તે દુર્વાસા સર્વ અન્ન ખાઈ જતા,પણ તેમણે મુદ્દગલના મનમાં કશો વિકાર જોયો નહિ,ત્યારે મુનિએ પ્રસન્ન થઈને કહ્યું કે-'આ લોકમાં તારા જેવો કોઈ ઈર્ષારહિત દાતા નથી.ભૂખ ધર્મજ્ઞાનને ને ધૈર્યને

હરી લે છે.આહાર પ્રાણનો મૂળ આધાર છે.તારી મન અને ઇન્દ્રિયો પરની એકાગ્રતા ને તપ ધન્ય છે.


તમે મને અનુગ્રહિત કર્યો છે,ને તમારા સમાગમથી હું પ્રસન્ન છું.ઇન્દ્રિયો પર વિજય,ધૈર્ય,અન્નની વહેંચણી,દમ,શમ,દયા,

સત્ય અને ધર્મ-એ સર્વ તારા વિષે રહ્યું છે.તારા કર્મોથી તેં સ્વર્ગલોકને જીત્યું છે.

સ્વર્ગના દેવો પણ તમારા દાનની પ્રશંસા કરે છે,હે ઉત્તમ વ્રતાચારી હવે તમે સદેહે સ્વર્ગમાં જશો'

તે વખતે જ,દેવોનો દૂત,વિમાન લઈને આવ્યો ને કહ્યું-હે મુનિ તમે પરમસિદ્ધિ પામ્યા છો,આ રથમાં વિરાજો'

ત્યારે ઋષિએ તેને કહ્યું કે-સ્વર્ગમાં વસનારાના ગુણો મને કહો.તેમનું તપ કેવું હોય છે?તેમનો નિશ્ચય કેવો હોય છે?

તે સાંભળ્યા પછી જ હું આગળના વર્તન માટે નિશ્ચય કરીશ (36)

અધ્યાય-૨૬૦-સમાપ્ત