May 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-522

 

અધ્યાય-૨૫૫-દુર્યોધનના વૈષ્ણવ યજ્ઞનો આરંભ 


II वैशंपायन उवाच II जित्वा तु पृथिवीं राजन सूतपुत्रो जनाधिप I अग्र्वित्परवीरघ्नो दुर्योधनमिदं वचः II १ II

વૈશંપાયન બોલ્યા-હે જનાધિપતિ,શત્રુવીરને હણનારા સૂતપુત્ર કર્ણે પૃથ્વી પર જય મેળવ્યા પછી દુર્યોધનને 

કહ્યું કે-'હે વીર,આજે આ નિઃશત્રુ પૃથ્વી તમારી છે,તેનું તમે શત્રુરહિત થયેલા ઇન્દ્રની જેમ પાલન કરો'

દુર્યોધન બોલ્યો-'હે કર્ણ,તું જેના પક્ષમાં છે,તેને કશું પણ દુર્લભ નથી.તું મારો સહાયક,મારો ભક્ત અને 

સદૈવ મારા માટે સજ્જ છે.હવે, મારો એક વિચાર છે તે તું સાંભળ.યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ જોયા પછી,

મને પણ તે કરવાની સ્પૃહા જાગી છે તો તે તું સિદ્ધ કર'

કર્ણ બોલ્યો-'હે કુરુશ્રેષ્ઠ,સર્વ પૃથ્વીપાલો તમારે અધીન છે.એટલે હવે દ્વિજવરોને બોલાવો ને યજ્ઞનાં સર્વ સાધનો

એકઠાં કરાવો.ને પુષ્કળ ખાનપાનવાળો ને અત્યંત ગુણસમૃદ્ધિવાળો યજ્ઞ શરુ થવા દો'

પછી,દુર્યોધને પુરોહિતને બોલાવીને તેને રાજસૂય યજ્ઞ કરવાની વાત કરી ત્યારે પુરોહિતે તેને કહ્યું કે-

હે રાજન,તમારા કુળમાં યુધિષ્ઠિરના જીવતાં,તમે તે શ્રેષ્ઠ યજ્ઞ કરી શકો નહિ,વળી તમારા પિતા પણ જીવે છે તેથી

તમે તે યજ્ઞ કરી શકો નહિ.પણ,રાજસૂયના જેવો એક બીજો વૈષ્ણવ યજ્ઞ છે તે યજ્ઞનું તમે યજન કરો.


તમારા જે ખંડિયા રાજાઓ છે તે તમને સુવર્ણ આપે તેનાથી તમે એક હળ તૈયાર કરવો ને યજ્ઞમંડપની ભૂમિ ખેડાવો,

પછી ત્યાં પુષ્કળ અન્ન વપરાય એવો ઉત્તમ સંસ્કારવાળો ને પ્રતિબંધથી રહિત વૈષ્ણવ યજ્ઞ કરાવો.

પુરાતન વિષ્ણુ વિના બીજા કોઈએ આ યજ્ઞ કર્યો નથી,ને આ યજ્ઞ રાજસૂય યજ્ઞની સ્પર્ધા કરે છે.

અમને આ રુચે છે અને એથી તમારું કલ્યાણ થશે.કોઈ પણ વિઘ્ન વિના આ યજ્ઞ થઇ શકે તેમ છે'


બ્રાહ્મણોના વચનથી દુર્યોધને સર્વ સાથે આ વિષે ચર્ચા કરી.સર્વેએ 'તથાસ્તુઃ' કહી ઉત્તર આપ્યો,એટલે તેણે કાર્યકુશળ માણસોને ક્રમપૂર્વક યજ્ઞકાર્યની તૈયારી કરવા માટે આજ્ઞા આપી.ને શિલ્પીઓને હળ બનાવવાનો આદેશ આપ્યો.ને આમ,તેના કહ્યા પ્રમાણે સઘળું સાહિત્ય ને યજ્ઞસાધનો ક્રમપૂર્વક તૈયાર થયાં.(25)

અધ્યાય-૨૫૫-સમાપ્ત