અધ્યાય-૨૫૩-દિગ્વિજય માટે કર્ણનું પ્રયાણ
II जनमेजय उवाच II वसमानेपु पार्थेपु वने तस्मिन्महात्मसु I धार्तराष्ट्रा महेष्वासाः किमकुर्वत सत्तमाः II १ II
જન્મેજય બોલ્યા-તે મહાત્મા પૃથાપુત્રો વનવાસ સેવતા હતા,ત્યારે ધૃતરાષ્ટ્રપુત્રોએ,
કર્ણ,શકુનિ,ભીષ્મ,દ્રોણ,કૃપ આદિ શ્રેષ્ઠજનોએ શું કર્યું હતું તે મને કહો
વૈશંપાયન બોલ્યા-પૃથાપુત્રોએ દુર્યોધનને છોડાવ્યો,પછી તે હસ્તિનાપુર પાછો આવ્યો ત્યારે ભીષ્મે તેને કહ્યું કે-
'મેં તને તપોવનમાં જવાની પહેલેથી જ ના પાડી હતી.મને ગમ્યું નહોતું છતાં તું ત્યાં ગયો ને કેદ થઇ પડ્યો ત્યારે
પાંડવોએ તને છોડાવ્યો,છતાં તને લાજ આવતી નથી? ત્યારે સૂતપુત્ર કર્ણ પણ પલાયન થઇ ગયો હતો.
ધનુર્વેદ,શૌર્ય અને ધર્મમાં તે કર્ણ પાંડવોના ચોથા ભાગની તોલે પણ આવે તેમ નથી.આથી કુળની વૃદ્ધિ અર્થે
હું તે પાંડવો સાથે સંધિ કરવી યોગ્ય માનું છું' ભીષ્મએ આમ કહ્યું ત્યારે દુર્યોધન હસીને ત્યાંથી ચાલ્યો ગયો.
ભીષ્મ શરમથી નીચું જોઈ રહ્યા ને પોતાના ભવને ચાલ્યા ગયા.(13)
પછી,દુર્યોધન,મંત્રોની સાથે બેસીને,તેમની સાથે મંત્રણા કરવા લાગ્યો કે-કયું કાર્ય કરવાથી આપણું કલ્યાણ થાય?ને આપણું કર્યું શોભી નીકળે? આ સંબંધી જે હિતકારી હોય તે વિશે આપણે મંત્રણા કરીશું'
કર્ણ બોલ્યો-'હે દુર્યોધન,ભીષ્મ સદૈવ આપણી નિંદા ને પાંડવોની પ્રશંસા કરે છે.તમારા પરના દ્વેષને લીધે મારો પણ દ્વેષ કરે છે.ભીષ્મનાં વચનોને હું સહન કરી શકીશ નહિ.તમે મને સેવકો ને સૈન્યો સાથે પૃથ્વી જીતી લેવાની આજ્ઞા આપો.જે પૃથ્વીને તે ચાર પાંડવોએ જીતી હતી તેને હું એકલે હાથે જીતી લઈશ,ભીષ્મ તે વિજયને જોઈ લે.
કર્ણનાં વચન સાંભળીને દુઃર્યોધન પરમ પ્રસન્ન થયો ને કહેવા લાગ્યો કે-હું ધન્ય છું.મહાબળવાન એવો તું મારા હિતમાં રહે છે.તને જયારે શત્રુઓને વશ કરવાનું લાગે ત્યારે તું નીકળી પડજે,તારું મંગલ થાઓ'
પછી,કર્ણે,રણયાત્રાની સર્વ પ્રકારની તૈયારી કરી,ને શુભ મુહૂર્તે પ્રયાણ આદર્યું.બ્રાહ્મણોએ તેને આશીર્વાદ આપ્યા,
ને બીજાઓએ તેનું સન્માન અર્પ્યું,એટલે તે ત્રૈલોક્યને રથઘોષથી ગજાવતો ઉપડ્યો (29)
અધ્યાય-૨૫૩-સમાપ્ત
અધ્યાય-૨૫૪-કર્ણનો દિગ્વિજય
II वैशंपायन उवाच II ततः कर्णो महेष्वासो बलेन महता वृतः I द्रुपदस्य पुरं रम्यं रुरोध भरतर्षभ II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,હે ભરતોત્તમ,મહાન સેનાથી વીંટળાયેલા મહાધનુર્ધારી કર્ણે દ્રુપદની રમણીય નગરીને ઘેરો ઘાલ્યો,ને મોટું યુધ્દ્ધ કરીને તેને પોતાને આધીન કરી,તેની પાસેથી સોનું,રૂપું,રત્નો ને કર લીધો.ને પછી,તેના ખંડિયા રાજાઓને પણ વશ કરીને તેની પાસેથી કર લીધા.પછી તે ઉત્તર દિશામાં ગયોઃ ને ત્યાંના સર્વ રાજાઓને પોતાની તાબે કરીને તેમની પાસેથી ખંડણી લીધી.નેપાળના સર્વ રાજાઓને જીતી તે પૂર્વ દિશામાં ગયો.
એમ સર્વ દિશાઓના રાજાઓ પર વિજય મેળવીને કર લઈને,સઘળી પૃથ્વીને અધીન કરીને,વિજય મેળવીને એ કર્ણ પાછો હસ્તિનાપુર આવ્યો,ત્યારે દુર્યોધન પોતાના ભાઈઓ સાથે તેને સામે લેવા ગયો ને તેને સત્કાર આપ્યો.
દુર્યોધન કહેવા લાગ્યો કે-હે કર્ણ,ભીષ્મ,દ્રોણ,કૃપ-આદિ લોકોથી જે મને નથી મળ્યું તે હું તારાથી પામ્યો છું,તારું કલ્યાણ થાઓ.સર્વે પાંડવો કે બીજા મહાસમૃદ્ધ રાજાઓ પણ તારી સોળમી કળાની પણ બરાબરી કરી શકે તેમ નથી.હવે તું ધૃતરાષ્ટ્ર ને માતા ગાંધારીનાં દર્શન કર' પછી,કર્ણે,પોતાની સાથે લાવેલું અક્ષય ધન દુર્યોધનને આપીને,
રણવાસમાં પ્રવેશીને ધૃતરાષ્ટ્ર ને ગાંધારીના દર્શન કર્યા.ધૃતરાષ્ટ્રે તેને પ્રેમપૂર્વક આલિંગન આપ્યું.
ત્યારથી દુર્યોધન અને શકુનિ એમ માનવા લાગ્યા કે-'કર્ણે પાંડવોને હરાવ્યા જ છે' (31)
અધ્યાય-૨૫૪-સમાપ્ત