May 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-520

 

અધ્યાય-૨૫૨-દુર્યોધનનો હસ્તિનાપુરમાં પ્રવેશ 


II दानवा उचु: II भो दुर्योधन राजेन्द्र भरतानां कुलोद्वह I शूरैः परिवृतो नित्यं तथैव च महात्मभिः II १ II

દાનવો બોલ્યા-હે દુર્યોધન,તું નિત્ય શૂરાઓથી વીંટળાયેલો છે,છતાં,આ પ્રાયોપવેશનનું સાહસ કેમ માંડ્યું છે?

આપઘાત કરનારો મનુષ્ય નરકમાં પડે છે ને અપયશ પામે છે.માટે તું આ વિચારને છોડી દે.હે સમર્થ,તું તારા

આત્માની દિવ્યતાને ને શરીરની રચનાને તત્ત્વપૂર્વક સાંભળ.પૂર્વે,અમે તને મહેશ્વર પાસેથી તપપૂર્વક મેળવ્યો છે.

મહેશ્વરે,તારો પૂર્વકાય (નાભિથી ઉપરનો ભાગ) વજ્ર સમુહોથી રચ્યો છે ને તે ભાગ અસ્ત્રોથી ભેદી શકાય તેવો નથી.

ને તારો નીચેનો અર્ધદેહ ઉમાદેવીએ પુષ્પમય બનાવ્યો છે.ઉમા-મહેશ્વરથી ઘડાયેલો તારા દેહને લીધે 

તું દિવ્ય પુરુષ છે,માનવીય મનુષ્ય નથી.તારે ખેદ  કરવાની કે ભય રાખવાની જરૂર નથી.

વીર દાનવો,તને સહાય કરવા,આ પૃથ્વી પર પ્રગટી ચુક્યા છે.અન્ય અસુરો,ભીષ્મ,દ્રોણ,કૃપ આદિના શરીરોમાં પ્રવેશ કરશે એટલે એમના આવેશથી તેઓ દયા રાખ્યા વિના,તારા વેરીઓ સાથે યુદ્ધ કરશે.પાંડવો પણ દૈવથી પ્રેરાઈને તેમની સામે લડશે ને તેમનો વધ કરશે.હે રાજા,દૈત્યો ને રાક્ષસોના સમૂહોએ ક્ષત્રિય યોનિમાં અવતાર લીધો છે ને અનેક વિધ શસ્ત્રોથી તારા શત્રુઓ સામે પરાક્રમપૂર્વક યુદ્ધ કરશે.હે વીર,તને અર્જુનનો ભય છે પણ તેના વધનો ઉપાય અમે યોજી રાખ્યો છે,મરણ પામેલા નરકાસુરનો આત્મા કર્ણના દેહમાં રહ્યો છે,તે પૂર્વનું વેર સંભાળીને શ્રીકૃષ્ણ ને અર્જુન સાથે યુદ્ધ કરશે.ને તેમને પરાજય આપશે.વળી,હજારો રાક્ષસો કે જે સંશપ્તક નામે વિખ્યાત છે તેઓ અર્જુનને હણશે જ,માટે તું શોક કરીશ નહિ.હે રાજન,તારે જ આ શત્રુવિહોણી વસુંધરાને ભોગવવાની છે,તું નાશ પામે તો અમારી પાંખ કપાઈ જાય,

માટે તું જા ને જય મેળવ,બીજો કોઈ ખરાબ વિચાર કરીશ નહિ,કેમ કે તું જ અમારો (દૈત્યોનો) આધાર છે (26)


આમ,દૈત્યોએ વિદાય આપી,એટલે પેલી કૃત્યા ફરી હાજર થઇ અને દુર્યોધનને પાછો લાવીને તેના સ્થાનમાં મૂકી દીધો.ત્યારે દુર્યોધન,આ સ્વપ્નરૂપી વાતનો વિચાર કરવા લાગ્યો.ને તેને નિશ્ચય થયો કે -'હું પાંડવોને રણમાં અવશ્ય જીતીશ' તેણે માન્યું કે કર્ણ અને સંશપ્તકો અર્જુનનો વધ કરવા સમર્થ થશે.આમ વિચારી તે આવેશમાં આવી ગયો.

પણ,દુર્યોધને આ (દૈત્યો સાથે થયેલો) વૃતાંત કોઈને પણ કહ્યો નહિ.


રાત વીતી ગઈ,ત્યારે કર્ણે,હાથ જોડીને દુર્યોધનને કહ્યું કે-'હે કૌરવ્ય,મરેલો મનુષ્ય શત્રુઓ પર વિજય મેળવી શકે નહિ,જીવતો મનુષ્ય જ સુખ જોવા પામે છે.માટે તમે ઉભા થાઓ,શોક કરો નહિ.ને મોતને ઈચ્છો નહિ.જો તમને અર્જુનનું પરાક્રમ જોઈને ભય જાગ્યો હોય તો હું તમને વચન આપું છું કે-હું અર્જુનને રણમાં મારીશ'

કર્ણે આ પ્રમાણે કહ્યું તેથી,અને દૈત્યોના વચનોથી,તેમ જ સૌની વિનવણીઓ લીધે દુર્યોધન ઉઠી ઉભો થયો.

તેણે મનમાં સંકલ્પ કર્યો ને સેનાને સજ્જ કરાવીને,સર્વની સાથે નગર તરફ પ્રયાણ કર્યું .(52)

અધ્યાય-૨૫૨-સમાપ્ત