અધ્યાય-૨૫૦-કર્ણનો દુર્યોધનને ઉપદેશ
II कर्ण उवाच II राजन्नाद्यावगच्छामि तवेह लघुमत्वनाम् I किमत्र चित्रं यद्वीर मोक्षितः पाण्डवैरसि II १ II
કર્ણ બોલ્યો-હે રાજન,આજે આ પ્રસંગે,મને તો તમારી કશી નિર્બળતા જણાતી નથી,તમે એકાએક શત્રુઓના હાથમાં જઈ પડ્યા ને પાંડવોએ તમને છોડાવ્યા,તેમાં શું આશ્ચર્ય છે? ઘણીવાર રાજા યુદ્ધમાં પકડાઈ જાય તો તેમના સૈનિકો એને છોડાવે છે,કેમ કે જે સૈનિકો છે તેમણે રાજાના માટે યોગ્ય પ્રયત્ન કરવો જ જોઈએ.
આમ તમારા રાજ્યમાં રહેલા પાંડવોએ તમને છોડાવ્યા છે તેમાં તમારે શોક શા માટે કરવો જોઈએ?
વળી,પાંડવો તો પ્રથમથી જ તમારા દાસ થયેલા છે ને તમે તેમના રત્નોને ભોગવો છો.હે રાજન,તમારું મંગલ થાઓ,તમે ઉભા થાઓ,તમે મારા કહેવા પ્રમાણે કરશો નહિ,તો હું અહીં તમારા પગ સેવતો જ ઉભો રહીશ,
તમારા વિના મને પણ જીવવાનો ઉત્સાહ નહિ.તમે પ્રાયોપવેશન કરશો તો રાજાઓમાં હાંસીપાત્ર થશે.
વૈશંપાયન બોલ્યા-કર્ણે આમ કહ્યું છતાં,સ્વર્ગગમનની પ્રતિજ્ઞા કરી બેઠેલા દુર્યોધને ઉઠવાની ઈચ્છા કરી નહિ
અધ્યાય-૨૫૦-સમાપ્ત
અધ્યાય-૨૫૧-દુર્યોધનનું દાનવલોકમાં ગમન
II वैशंपायन उवाच II प्रायोपविष्टं राजानं दुर्योधनममर्पणं I उवाच सान्त्वयन राजन शकुनिः सौबलस्तदा II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,હે રાજન,પ્રાયોપવેશન માટે બેઠેલા તે અસહનશીલ દુર્યોધનને સુબલપુત્ર શકુનિએ સાંત્વન આપતાં કહ્યું કે-'હે કૌરવ,કર્ણે યોગ્ય જ કહ્યું છે,તો પછી,મેં આણી આપેલી આ વિશાલ સમૃદ્ધિને તમે મોહથી કેમ છોડી રહયા છો?ઓછી બુદ્ધિને લીધે જ તમે પ્રાણત્યાગ કરવા ઈચ્છો છો.જે મનુષ્ય,આવી પડેલા હર્ષ કે શોકને સંયમમાં રાખતો નથી,તે લક્ષ્મી મેળવ્યા છતાં નાશ પામે છે.પાંડવોએ તમને સત્કાર આપ્યો છે,છતાં તમે શોક કરો છો.પણ,તેમણે વિપરીત જ કર્યું હોત,તો તો શું થાત? શોકને વળગી રહીને તમે તે સારા કામને ધોઈ નાખો નહિ.
તમારે જ્યાં હર્ષ પામવો જોઈએ ને પાંડુપુત્રોને સત્કારવા કોઈએ,ત્યાં તમે શોક કરો છો,આ તમારું આચરણ ભારે વિપરીત લાગે છે.તમે પ્રસન્ન થાઓ અને દેહત્યાગ કરો નહિ.તમે સંતુષ્ટ થઈને પુણ્યનું સ્મરણ કરો.તમે પાર્થોને રાજ્ય આપો,યશ પામો અને ધર્મ સંપાદન કરો.તમે આ કામની આજ્ઞા આપશો,એટલે તમે કૃતઘ્ન થશો.
તમે પાંડવો સાથે ભાઈચારો કરો,તેમને બાપદાદાનું રાજ્ય આપો,આથી તમે સુખ પામશો
કર્ણ અને શકુનિના વચનો સાંભળીને દુર્યોધન અતિ ખેદ પામ્યો,ને ક્રોધપૂર્વક બોલ્યો-મારે હવે ધર્મ,ધન કે સુખનું કામ નથી.તમે મારી ઇચ્છાનો નાશ ન કરો,તમે અહીંથી જાઓ,મારો નિશ્ચય દૃઢ છે.
સર્વે કહેવા લાગ્યા કે-'તમારા વિના અમે નગરમાં પ્રવેશ કેવી રીતે કરી શકીએ?' ને આમ કહી તેમણે દુર્યોધનને બહુ સમજાવ્યો પણ તે પોતાના નિશ્ચયમાંથી ડગ્યો નહિ ને વલ્કલ ધારણ કરીને આસન બિછાવીને,નિયમવ્રતમાં રહી,વાણીને સંયમમાં રાખી,બાહ્ય ક્રિયાઓનો ત્યાગ કરીને,મનમાં એક સ્વર્ગપ્રાપ્તિનું જ ધ્યાન કરવા લાગ્યો.
હવે,પૂર્વે,દેવોથી હાર પામેલા પાતાળવાસી દૈત્યોને,દુર્યોધનના આ નિશ્ચયની જાણ થઇ એટલે તેઓ
'પોતાના પક્ષનો ક્ષય થશે' એમ વિચારીને,દુર્યોધનને બોલાવવા યજ્ઞકર્મ આદર્યું.યજ્ઞકાર્યની સમાપ્તિ થઇ ત્યારે એક આશ્ચર્યભરી કૃત્યા યજ્ઞમાંથી નીકળી આવી ને બોલી કે 'હું શું કરું?' દૈત્યોએ તેને કહ્યું કે-'દુર્યોધનને અહીં લઇ આવ'
એટલે તે પલકવારમાં તો દુર્યોધનને લઈ આવી ને રસાતલમાં પેસી ગઈ.દુર્યોધનને જોઈને દાનવો મનમાં આનંદ પામ્યા ને ભેગા થઈને દુર્યોધનને અભિમાનપૂર્વક કહેવા લાગ્યા કે- (30)
અધ્યાય-૨૫૧-સમાપ્ત